વલસાડ જિલ્લા માહિતી ભવનનું નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરાયું

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૮ માર્ચ 
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લા સેવા સદન - ૧ ના પ્રાંગણમાં રૂ. બે કરોડના ખર્ચે તૈયાર થનારા માહિતી ભવનનું ભૂમિપૂજન કર્યુ હતું. 
આ સાથે મંત્રીશ્રીએ જિલ્લા પંચાયતના વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ માટે સ્ટાફ ક્વાટર્સ, વલસાડ તાલુકા પંચાયતની નવીન કચેરી અને વલસાડ સિવિલ હોસ્પિટલ રોડ પહોળો કરવાની કામગીરી મળી કુલ રૂ. ૨૦ કરોડના કામોનું પણ ભૂમિપૂજન કર્યુ હતું. માહિતી ભવનના નિર્માણ માટે માહિતી નિયામકશ્રી કે.એલ.બચાણીએ દુરવાણી દ્વારા શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર અને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ આશિષભાઈ ગોહિલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
 આ અવસરે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે તેઓ માહિતી ખાતાને ખૂબ જ મહત્વ આપતા હતા. માહિતી ખાતુ એ સરકારનો આયનો છે. આ વિભાગ માત્ર સમાચાર આપવાનું જ કામ નથી કરતો પરંતુ સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર તેમજ સરકારી સાહિત્યના વિતરણની કામગીરી પણ બખૂબી નિભાવે છે. 
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં હાલમાં જેલ ન હોવાથી કેદીઓને નવસારી અને સુરત સુધી લઈ જવુ પડતુ હોય છે, જેના કારણે પોલીસની કામગીરી પણ વધી જાય છે. જેથી આપણા વલસાડ જિલ્લામાં જેલ બનાવવા માટે ભલામણ કરી છે. જિલ્લા પંચાયતના વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ માટે ક્વાટર્સ અને નવીન વલસાડ તાલુકા પંચાયત બનનાર હોવાથી વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલને અભિનંદન આપ્યા હતા. પત્રકારોને સંબોધીને મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, પોઝિટિવ વિચારોથી આગળ ચાલીશુ તો આપણો વલસાડ જિલ્લો સમગ્ર ગુજરાતમાં અગ્રેસર રહેશે. વધુમાં માહિતી ભવન માટે વલસાડ જિલ્લા માહિતી ખાતાની ટીમ અને પત્રકારોને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. 
વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે વલસાડ શહેરની મધ્યમાં માહિતી ભવન બની રહ્યુ હોવાનું ગૌરવભેર જણાવી કહ્યું કે, માહિતી ભવન બનવાથી પત્રકારોને કામ કરવામાં સુગમતા પડશે. વધુમાં તેમણે વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના બાંધકામ સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યોની માહિતી આપી હતી. 
માહિતી વિભાગની સુરત પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામકશ્રી એ.બી.મછારે સ્વાગત પ્રવચનમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવો અને પત્રકારોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું કે, માહિતી ખાતુ અને સરકાર એક સિક્કાની બે બાજુ છે. માહિતી ખાતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કામગીરી બજાવે છે. નવા માહિતી ભવનથી વલસાડ જિલ્લામાં સરકારના પ્રચાર પ્રસારની કામગીરી વધુ સારી રીતે થઈ શકશે. ખાતમુહૂર્ત પૂર્વે વલસાડ જિલ્લા માહિતી કચેરીના ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામકશ્રી યજ્ઞેશભાઈ ગોસાઈના હસ્તે વિશેષ પૂજા કરવામાં આવી હતી.   
વલસાડ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલે ખાતમુહૂર્ત થયેલા ચાર વિકાસના કામોની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, સુરત પ્રાદેશિક માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી ઉમેશભાઈ બાવીસા, વલસાડ માહિતી કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર એચ.ડી.તાડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ વલસાડ જિલ્લાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ વલસાડ જિલ્લા માહિતી કચેરીના ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામકશ્રી યજ્ઞેશભાઈ ગોસાઈએ કરી હતી.
રૂ. ૨ કરોડના ખર્ચે બનનારા માહિતી ભવનમાં પત્રકારો માટે અલાયદો રૂમ અને પ્રદર્શની હશે 
વલસાડ જિલ્લા મથક ખાતે માહિતી ખાતાનું અલાયદુ મકાન તૈયાર થવાથી મુલાકાતીઓ પ્રદર્શન નિહાળી શકશે. પત્રકારો માટે અલાયદો રૂમ હોવાથી પત્રકારોને એક જ જગ્યાએ સમાચારોની માહિતી મળી રહેશે. માહિતી ભવનનું નિર્માણ થવાથી માહિતી ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ કામગીરી કરવામાં ઉત્સાહ વધતા જિલ્લામાં સરકારશ્રીની કામગીરીઓ તેમજ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધુ સારી રીતે થઈ શકશે. ગ્રાઉન્ડ + બે માળના નવા માહિતી ભવનનું બાંધકામ આગામી ૯ માસની સમય મર્યાદમાં પૂર્ણ થશે. નવા મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગની સુવિધા અને પત્રકાર રૂમનો સમાવેશ કરાયો છે. ફર્સ્ટ ફ્લોર ઉપર ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઈન્ફોર્મેશન ઓફિસરની ચેમ્બર, સિનિયર સબ એડિટરની ચેમ્બર, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, એડમિન અને એકાઉન્ટ બ્રાંચ, ઈન્ફોર્મેશન આસિસ્ટન્ટ અને સ્ટાફ ચેમ્બર તથા લિટરેચર રૂમ, રેકર્ડ રૂમ, રજિસ્ટ્રી અને માહિતી કેન્દ્રનો સમાવેશ કરાયો છે. સેકન્ડ ફલોર પર ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયરની ચેમ્બર, ઈલેકટ્રોનિક મીડિયા અને ટેકનિકલ બ્રાંચ હોલ, એક્ઝિબિશન/કોન્ફરન્સ હોલ વીથ લાઈબ્રેરી, સ્ટોરરૂમ તેમજ વધારાના બે રૂમનો સમાવેશ કરાયો છે. જિલ્લા પંચાયતના વર્ગ - ૧ અને ૨ ના અધિકારીઓ માટે રૂ. ૧૪ કરોડ ૨૭ લાખના ખર્ચે સ્ટાફ કવાટર્સ બનશે 
વલસાડ જિલ્લા પંચાયતના વર્ગ - ૧ અને વર્ગ - ૨ ના અધિકારીઓ માટેના હાલના રહેણાંક સ્ટાફ ક્વાટર્સ જર્જરિત હાલતમાં હોવાથી ઉપયોગમાં લઇ શકાય તેમ નથી. જેથી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વર્ગ ૧ ના નવા કવાટર્સ માટે રૂ. ૬૯૫ લાખ અને વર્ગ -૨ ના કવાટર્સ માટે રૂ. ૭૩૨ લાખ ફાળવાતા આજે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બંને વર્ગ માટેના સ્ટાફ કવાટર્સનું બાંધકામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરાશે. વર્ગ ૧ ના સ્ટાફ કવાટર્સમાં જી+૨ ફ્લોરમાં એક બ્લોકમાં ૬ યુનિટ મુજબ કુલ ૩ બ્લોકમાં કુલ ૧૮ સ્ટાફ કવાટર્સ બનશે. જ્યારે વર્ગ - ૨ માટે એક બ્લોકમાં ૬ યુનિટ મુજબ કુલ ૪ બ્લોકમાં કુલ ૨૪ સ્ટાફ કવાટર્સ બનાવાશે.આ નવા કવાટર્સ ભૂકંપ પ્રતિરોધક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરના બાંધકામ તથા ઇલેક્ટ્રિફિકેશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સેનેટરી અને પાણી અને ફાયર સુવિધા ઉપલબ્ધ કરાશે. 
વલસાડ તાલુકા પંચાયત કચેરી આગામી ૧૧ માસમાં રૂ. ૩ કરોડના ખર્ચે તૈયાર થશે 
વલસાડ તાલુકા પંચાયતની કચેરી જર્જરિત થતા રાજ્ય સરકાર દ્વારા નવી તાલુકા પંચાયત કચેરીના નિર્માણ માટે રૂ. ૩૧૦ લાખ ફાળવાતા આજે નાણાં મંત્રીશ્રી કનુભાઇ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ બાંધકામ આગામી ૧૧ માસમાં પૂર્ણ કરાશે. આ નવીન તાલુકા પંચાયતનું મકાન ભૂકંપ પ્રતિરોધક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર (જી+૨)ના બાંધકામ સાથે બનશે. જેમાં તાલુકા પંચાયત કચેરીની વિવિધ કચેરીની વિવિધ શાખા સાથે કોન્ફરન્સ રૂમ, મીટિંગ હોલ, સ્ટોર રૂમની કામગીરી, ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, સેનેટરી અને પાણીની સુવિધા તેમજ ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. નવી તાલુકા પંચાયત બનવાથી વલસાડ તાલુકાના ગામોમાંથી કામ અર્થે આવતા નાગરિકોને તમામ અદ્યતન સુવિધા ઉપલબ્ધ થશે જેથી તાલુકા મથકે આવતા નાગરિકો સમસ્યાઓનો સરળતાથી અને ઝડપી નિકાલ થઈ શકશે. તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓની સરળતાથી અને ઝડપી કામગીરી કરી શકાશે. 
વલસાડ સિવિલ હોસ્પિટલ રોડ રૂ. ૩ કરોડના ખર્ચે પહોળો થશે 
વલસાડ અટાર પારનેરા પારનેરા ખોખરા ફળિયા રોડ (વલસાડ સિવિલ હોસ્પિટલ રોડ)ના વાઇડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનિંગ માટે રૂ. ૩૦૦ કરોડ ફાળવાતા આજે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. વલસાડ તાલુકાના હાલર તળાવથી શરૂ થઈ સિવિલ હોસ્પિટલ થઈ વાંકી નદી સુધી કોસ્ટલ હાઈવેને જોડતો આ અગત્યનો રોડ છે. આ રોડ પર સિવિલ હોસ્પિટલ આવેલી હોવાથી ટ્રાફિકનું ખૂબ જ ભારણ રહે છે. હવે આ રોડ પહોળો થવાથી ટ્રાફિકનું ભારણ ઓછું થશે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા વાહનોને અવરજવરમાં સરળતા અને સુગમતા રહેશે અને ઝડપી સારવાર મળશે. આ રોડ ૫.૫૦ મીટરમાંથી ૧૦.૦૦ મીટર પહોળાઈમાં વાઇડનીંગની કામગીરી, નાળા કામ, ડામર કામ અને રોડની સેફટીની કામગીરી આગામી ૧૧ માસમાં કરાશે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close