News
રાજ્ય સરકારે અગાઉ જાહેર કર્યા પ્રમાણે અનુક્રમે 95,100, 25 હજાર અને 10 હજાર સહાય ચુકવવાની કામગીરી પણ શરૂ થઇ છે : વિજય રૂપાણી
રાજ્યમાં 'તાઉતે' વાવાઝોડાને પરિણામે સૌરાષ્ટ્ર સહિત ના સમુદ્રકાંઠા વિસ્તારમાં થયેલા નુકશાનના સર્વેની કામ ગીરી યુદ્ધના ધોરણે રાજ્ય સરકારે ઉપાડી છે. એટલું જ નહિ, આ તિવ્ર વાવાઝોડાને પરિણામે માર્ગો, વીજળી, ખેતીવાડી ક્ષેત્રમાં જે નુકશાન થયું છે ત્યાં રિસ્ટોરેશનની કાર્યવાહી પણ ત્વરાએ શરૂ થઇ ગઇ છે.
મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ વાવાઝોડા તેમજ પ્રવર્તમાન કોરોના સંક્રમણ સંદર્ભમાં થયેલી ચર્ચાઓ અને નિર્ણયો તથા રાજ્ય સરકારની કામગીરીની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે ગત તા.17મી મે થી તા.18મી મે એમ સતત 24-26 કલાક 220 કિ.મી. પ્રતિકલાકથી માંડી 60 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ફંકાતા પવન સાથે ગુજરાતને ચીરીને આ તિવ્ર વાવાઝોડું પસાર થયું હતું. 'રાજ્ય સરકારના આગોતરા આયોજન, સમયસૂચક વ્યવસ્થાઓ અને નાનામાં નાના કર્મચારીથી માંડી સૌ કર્મયોગીઓ દિવસ-રાત સતત ફરજ રત ખડેપગે રહ્યા તેના પરિણામે સદનસીબે કોઇ મોટી ખૂવારી થઇ નથી' એમ જણાવતાં વિજય રૂપાણીએ ટિમ ગુજરાતને આવી ઉત્કૃષ્ટ ફરજ નિષ્ઠા માટે અભિનંદન આપ્યા હતા.
ફાઈલ તસવીર
મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વાવાઝોડાના બીજા જ દિવસે તા.19મી મે એ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા અને રૂ. 1000 કરોડની તત્કાલ સહાય જાહેર કરી તે માટે કેન્દ્ર સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં તા.20મી મે થી રિસ્ટોરેશન અને રાહત કામો રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ ત્વરાએ શરૂ કર્યા છે.
રાજ્યમાં તમામ ગામો-રસ્તાઓ પૂર્વવત થયા છે અને કોઇ ગામ ડિસકનેકટેડ રહ્યું નથી. માર્ગ-મકાન વિભાગે માત્ર 3 જ દિવસમાં માર્ગો પરની આડશો દૂર કરી રસ્તા ઓ ચોખ્ખા અને વાહન વ્યવહાર યોગ્ય બનાવ્યા છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વાવાઝોડાની સૌથી વ્યાપક અસર વીજ ક્ષેત્રને થઇ છે. વીજ થાંભલાઓ, વાયર, વીજ સબસ્ટેશનોને થયેલા નુકશાનને પરિણામે રાજ્યમાં 10447 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી. આ ગામોમાંથી લગભગ બધા ગામોમાં વીજપુરવઠો શરૂ કરી દેવાયો છે. માત્ર 450 ગામોમાં વીજપુરવઠો હવે શરૂ કરવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, આ વાવાઝોડાને પરિણામે વીજ કંપનીઓના 220 કે.વી.ના સબસ્ટેશનને થયેલ નુકશાનની મરામત માટે, પાવરગ્રીડ સમારકામ માટે કલકત્તાથી હવાઇ માર્ગે વિશેષ ટીમો બોલાવીને કામગીરી શરૂ કરી છે.
ફાઈલ તસવીર
માત્ર અમરેલી જિલ્લામાં 600થી વધુ ટીમ વીજળી પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં મોટા નગરોમાં હવે માત્ર જાફરાબાદ નગરમાં વીજપુરવઠો શરૂ થવાનો બાકી છે તે પણ તા.28મી મે સુધીમાં શરૂ કરી દેવાશે.
CM વિજય રૂપાણીએ આ વાવાઝોડાના અસરગ્રસ્ત લોકો-પરિવારોને કેશડોલ્સ, ઘરવખરી સહાય રાજ્ય સરકારે ચુકવવાની શરૂ કરી છે તેની પણ વિગતો આપી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, સવા બે લાખ લોકોને 10 કરોડ રૂપિયા જેટલી કેશડોલ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચૂકવી છે. એટલું જ નહિ, 15 હજાર જેટલા પરિવારોને પરિવાર દિઠ 7 હજારની ઘરવખરી સહાય અપાઇ છે. આ કામગીરી પણ આગામી રવિવાર સુધીમાં પુર્ણ થઇ જશે.
વિજય રૂપાણીએ મકાનોને સંપૂર્ણ નાશ, અંશત: નુકશાન કે 33 ટકાથી વધુ નુકશાન માટે અને ઝૂંપડાને થયેલા નુકશાન માટે રાજ્ય સરકારે અગાઉ જાહેર કર્યા પ્રમાણે અનુક્રમે 95,100, 25 હજાર અને 10 હજાર સહાય ચુકવવાની કામગીરી પણ શરૂ થઇ છે.
મુખ્યમંત્રીએ વાવાઝોડાને કારણે ખેતીવાડી ખાસ કરીને બાગાયતી પાકો નાળિયેરી, આંબા, લીંબુ ના ઝાડ ધ્વસ્ત થયા છે તેનો વ્યાપક સર્વે હાથ ધરાઇ રહ્યો છે તેની પણ વિગતો આપી હતી. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે એક નવતર અભિગમ અપનાવી પ્રથમવાર સવાસોથી વધુ કૃષિ વૈજ્ઞાનિકોને આવા બાગાયતી પાકોના ઝાડ-વૃક્ષો ધરાશાયી થયા છે તેને તે જ સ્થળે પૂન: સ્થાપના, ફરી વાવેતર માટેની સંભાવના ચકાસી ખેડૂતોને માર્ગદર્શન આપવા અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલ્યા છે.
આ કૃષિ વૈજ્ઞાનિકોના સર્વે બાદ તેમની સાથે જોઇન્ટ મિટીંગ કરીને તેના આધારે ખેતીવાડી વિભાગ એકશન પ્લાન તૈયાર કરશે એમ પણ વિજય રૂપાણીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગીર સોમનાથ, જૂનાગઢ જેવા વિસ્તારોમાં જ્યાં મોટા પાયે આવા બાગાયતી પાકો સહિતના ઝાડ ધરાશાયી થઇ ગયા છે ત્યાં 'ઝાડ પડી ગયું છે ત્યાં જ ફરી ઝાડ - વૃક્ષ ઉગાડવા'ના અભિગમ સાથે જાપાનીઝ થીયરી કે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થીયરી અપનાવી આ વર્ષના વન મહોત્સવમાં મોટાપાયે વૃક્ષારોપણ કરાશે અને તે અંગેનો એકશન પ્લાન પણ સંબંધિત વિભાગો બનાવશે.
Previous article
Next article
Leave Comments
Post a Comment