News
ધરમપુર અને કપરાડાના ગામો સહિત ચેકપોસ્ટની મુલાકાત લેતા કલેકટર આર.આર.રાવલ
માહિતી બ્યૂરો, : વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા જિલ્લા કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર તનતોડ મહેનત કરી રહયું છે. ગામડાઓમાં વિસ્તરી રહેલા કોરોનાને નાથવા ગ્રામ્યકક્ષાએ જ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગામની શાળા, હોલમાં આઇસોલેશન સેન્ટર ઊભા કરવામાં આવી રહયા છે. જેથી કરીને સંક્રમિત દર્દીને અલગ રાખી કુંટુબના સભ્યોને સંક્રમિત થતા અટકાવી શકાય. અહીં આઇસોલેશન કરાયેલા દર્દીઓને જરૂરીયાત જણાય તો હોસ્પિટલમાં દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
જિલ્લા કલેકટર આર.આર.રાવલે તાજેતરમાં જ ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ અને વિરવલ, કપરાડા તાલુકાના માંડવા અને સુથારપાડા ગામોમાં કાર્યરત કરાયેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. આ વેળાએ સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કરી મારૂં ગામ કોરોના મુકત ગામ બને તે માટે ગામવાસીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત કપરાડા તાલુકાના માંડવા અને સુથારપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ત્યાંના ડોકટર્સ અને આરોગ્ય કર્મીઓને કામગીરી માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કલેકટરશ્રીએ કપરાડા તાલુકાના હુંડા ચેકપોસ્ટની મુલાકાત લઇ બહારથી આવતા લોકો આર.ટી.પી.સી.આર. રીપોર્ટ સાથે આવે છે કે કેમ તે અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. આ વેળાએ ધરમપુર પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા હાજર રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment