મુખ્‍ય માહિતી કમિશનરશ્રી દિલીપ ઠાકરના અધ્‍યક્ષસ્‍થાને માહિતી અધિકાર કાયદો- ૨૦૦૫ ની સમીક્ષા બેઠક યોજાઇ.


માહિતી બ્‍યુરોઃ વલસાડ તા.૩૧: રાજયના મુખ્‍ય માહિતી કમિશનરશ્રી દિલીપ ઠાકરના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્લાના વહીવટીતંત્રના અમલીકરણ અધિકારીઓની માહિતી અધિકાર કાયદો- ૨૦૦૫ અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. 
બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી શ્રી ઠાકરે માહિતી અધિકાર કાયદા- ૨૦૦૫ અંતર્ગત જાહેર માહિતી અધિકારીઓ અને એપલેટ અધિકારીઓએ કરવાની થતી કાર્યવાહીની વિસ્‍તૃત સમજ આપી હતી. માહિતી અધિકાર કાયદો એ પારદર્શિતા, જવાબદારી અને જાહેરહિત માટે અમલમાં છે. આ કાયદા અન્‍વયે દરેક માહિતી અધિકારીઓએ કોઇપણ અરજદારની અરજીઓનો સામાન્‍ય રીતે ૩૦ દિવસમાં નિકાલ કરવાનો થાય છે. અરજદારની અરજી સંબધિત કચેરીને મળે કે તરત જ તેમને આપવાપાત્ર થતી માહિતીનો તેમના કચેરીના રેકર્ડ આધારિત આપવાનો છે. જેમાં જેટલી નકલો આપવાની થતી હોય, તે નકલોની ગણત્રી કરી અરજદારને ભરવાના થતાં નકલોની ફી ભરાવીને તેમની અરજીનો નિકાલ કરવાનો રહે છે. જયારે માહિતી વિસ્‍તૃત હોઇ ત્‍યારે અરજદારને માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતીના નિરીક્ષણ માટે ૩૦ મીનિટનો સમય વિના મૂલ્‍યે રહેશે ત્‍યારબાદ દર અડધા કલાકની રૂા. ૨૦/- ની ફી ભરવાની થશે એમ જાણ કરવાની રહે છે. જેથી સંબધિત કચેરી દ્વારા માહિતીનો સમયસર નિકાલ થઇ શકે અને અરજદારને પણ સંતોષ થાય. વધુમાં માહિતી કમિશનરે માહિતી અધિકાર કાયદા- ૨૦૦૫ અન્‍વયે સેકસન - ૪(એ) હેઠળ દરેક જાહેર માહિતી અધિકારીએ દર વર્ષની ૧ લી તારીખે પ્રોએકટિવ ડીસ્‍કલોઝર ઓનલાઇન અપડેટ કરીને સર્ટિફિકેટ આપી દેવાનું રહે છે. આ બાબતમાં દરકે જાહેર માહિતી અધિકારીએ તકેદારી રાખવાની તેમણે સૂચના આપી હતી. જાહેર માહિતી અધિકારીને એક થી વધુ સત્તામંડળોની અરજી એક જ અરજી હેઠળ માંગવામાં આવી હોઇ તો આવા અરજદારને જાહેર માહિતી અધિકારીએ સંબધિત સત્તામંડળોને જુદી જુદી અરજી કરવા જણાવવાનું રહે છે. 
માહિતી અધિકાર કાયદો- ૨૦૦૫ ની જુદી જુદી કલમો વિશે બેઠકમાં વિસ્‍તૃતમાં જાણકારી આપતાં માહિતી કમિશનરશ્રીએ જણાવ્‍યું હતું કે, માહિતી અધિકાર કાયદાની કલમ સેકસન - ૧૧ હેઠળ ત્રાહિત વ્‍યકિતની માહિતી આપવાની થતી હોઇ તો તેમની પરવાનગી લેવાની રહે છે પરંતુ જો આ માહિતી જાહેર હિતને લગતી હોઇ તો તે માહિતી જાહેર માહિતી અધિકારી આપી શકે છે. સેકસન - ૧૯ હેઠળ પ્રથમ અપીલનો નિકાલ ૩૦ દિવસની સમયમર્યાદામાં અને જો વિલંબ થયો હોય તો વિલંબના કારણ સાથે વધુમાં વધુ ૪૫ દિવસની અંદર એપલેટ અધિકારીએ માહિતી આપવાની રહે છે. જો કોઇ નાગરિક બી. પી. એલ. ના રેશનકાર્ડ સાથે અરજી કરે તો તેમની અરજી બી. પી. એલ. માટે માન્‍ય ગણવાની નથી પરંતુ તેમને બી. પી. એલ. યાદીમાં તેમનું રજીસ્‍ટર થયેલ હોઇ તો તેમનું સર્ટીફિકેટ માન્‍ય ગણી માહિતી વિના મૂલ્‍યે આપવાની રહે છે. માહિતી અધિકાર કાયદો- ૨૦૦૫ હેઠળ જાહેર માહિતી અધિકારીઓને હાઇકોર્ટના અને સુપ્રિમકોર્ટના જજમેન્‍ટ તેમજ ભારત સરકારની સૂચનાઓ ઘ્‍યાને લઇને યોગ્‍ય કાર્યવાહી કરવા માટે માહિતી કમિશનરશ્રીએ દરેક જાહેર માહિતી અધિકારીઓને સૂચના આપી હતી જેથી અરજદારોની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થઇ શકે. 
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આર. આર. રાવલે તમામ જાહેર માહિતી અધિકારીઓને તેમના પ્રોએકટિવ ડીસ્‍કલોઝર ઓનલાઇન અપડેટ તા. ૧ લી મે સુધીમાં પૂર્ણ કરવાના રહે છે તેમ જણાવી જે જાહેર માહિતી અધિકારીનું પ્રોએકટિવ ડિસ્‍કલોઝર બાકી હોય તો તૃર્ત જ અપડેટ કરી દેવા સૂચના આપી હતી. માહિતી અધિકાર કાયદા અન્‍વયે દરેક કચેરીઓમાં તેમના જાહેર માહિતી અધિકારી અને એપલેટ અધિકારીઓના સાઇન બોર્ડ માહિતી કમિશનરની સૂચના પ્રમાણે રાખવા તાકીદ કરી હતી અને જો ન હોઇ તો સંબધિતોએ આ કાર્યવાહી પૂર્ણ કરવા જણાવ્‍યું હતું.  
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી નાયબ કલેકટર એન.એ.રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષકશ્રી મનોજ શર્મા તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close