News
વલસાડ કલેકટર આર.આર.રાવલની કુનેહ, દીર્ઘ દૃષ્ટિ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સવિલ હોસ્પિટલ ની સેવામાં સુગંધ ભળી વલસાડની સ્વૈચ્છિક સંસ્થાઓ એ ‘ટીકા નહીં ટેકો' આપીને આત્મસંતોષ વ્યકત કર્યો
માહિતી બ્યૂરો, વલસાડઃ વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કામ કરવામાં આવે તો ગમે તેવી આપત્તિને પણ અવસરમાં ફેરવી શકાય, તેનું ઉદાહરણ જોવું હોય તો વલસાડની સિવિલ હોસ્પિટલમાં થઇ રહેલી કામગીરીને જોવી રહી.કોરોનાએ આજે વૈશ્વિક મહામારીનું રૂપ લઇ લીધું છે, ત્યારે વિશ્વના અતિ સમૃધ્ધ દેશો પણ કોરોના સામે લાચાર બન્યા છે. કોરોનાની બીજી લહેરનો કહેર ભારત દેશ સહિત રાજય અને વલસાડ જિલ્લામાં પણ વર્તી રહયો છે. વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ પોતાની ફરજ રાઉન્ડ ધ કલોક નિભાવી રહયા છે. પરંતુ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતાં હોસ્પિટલમાં બેડની સુવિધા પણ ઓછી પડી રહી છે. તેમ છતાં દરેક દર્દીના મહામૂલા જીવનને બચાવવાના અથાક પ્રયત્નો કરવામાં આવી રહયા છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર આવી ત્યારે વલસાડ જિલ્લાને પણ કોરોનાએ ભરડામાં લઇ લીધો છે. રોજે રોજ વધતા કેસોથી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગી હતી અને ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ ખૂટવા લાગ્યા હતા. આવા સમયે સિવિલ હોસ્પિટલમાં મર્યાદિત સ્ટાફ સામે ક્ષમતા કરતાં વધારે દર્દીઓને દાખલ કરી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ આટલા દર્દીઓને પહોંચી વળવા ડોકટર્સ સહિત કામદારોની ઘટથી કામગીરી કઠિન બનતી જતી હતી. દર્દીઓને સારવાર, ચા-પાણી નાસ્તો, જમવાનું સમયસર પહોંચાડવા સહિત સાફ સફાઇનો પણ અભાવ રહેતો હતો. આવા સમયે વલસાડ કલેકટર આર.આર.રાવલે પોતાની કુનેહ અને દીર્ધ દૃષ્ટિનો ઉપયોગ કરી સ્વૈચ્છિક સંસ્થાઓને સિવિલ હોસ્પિટલની સેવામાં સહકાર અને સહયોગ આપવા ટહેલ નાંખી હતી. વલસાડવાસી કેટલીક સેવાભાવી સંસ્થાઓએ આ ટહેલને આવકારી આગળ આવી છે. જેના લીધે કોરોના અંગેની કામગીરી ઝડપી અને સુદૃઢ બની છે અને તેના સુંદર પરિણામો પણ મળી રહયા છે.
જિલ્લા કલકેટર આર.આર.રાવલે સમાજને તંત્રની ટીકા સાથે ટેકાની ભાવના રાખવા જણાવ્યું હતું. પરંતુ આજે વલસાડની સ્વૈચ્છિક સંસ્થાઓએ ટીકા નહીં પણ ટેકો આપીને પરિણામ સ્વરૂપે આત્મસંતોષ વ્યકત કર્યો છે. છેલ્લા ૧૫ દિવસથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સતત કોરોનાને હરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. દર્દીઓની સુવિધા અને માળખાકીય સંચાલનમાં સરળીકરણ થકી દર્દીઓને ભોજન, સારવાર તેમજ સંબંધીઓને જરૂરી માહિતી પુરી પાડવાની સાથે અને મૃત્યુ આંકમાં થયેલા ઘટાડાથી આત્મસંતોષ અનુભવી રહયા છે.
સ્વૈચ્છિક સંસ્થાઓઓનો મૂળમંત્ર ‘ટીકા નહીં પણ ટેકો' છે. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સિવીલ હોસ્પિટલમાં દર્દી દાખલ થાય એટલે દાખલ તારીખ/ વોર્ડ અને દર્દી સબંધી માહિતી સાથેનો પીળો પ્રવેશ કાર્ડ આપવામાં આવે છે. દર્દીનેને એડમિટ હેન્ડ બેલ્ટ ઇશ્યૂ કરવામાં આવે છે. દર્દીની કમ્પ્યુટર ડેટા એન્ટ્રી કરવાના કારણે દર્દીના સ્વાસ્થ્ય સંબંધી માહિતી મેળવવામાં સમયનો બચાવ કરી શકાયો છે. હેલ્પ ડેસ્કના સુધારાથી મૃતકોના મૂલ્યવાન સમાનની સોંપણીનું કાર્ય સરળ બનાવાયું છે. કોવિડ વોર્ડ અને બેડ નંબર શરૂ કરાયા છે, જેના લીધે દર્દીના ઘરનું ભોજન અને અન્ય ફળ ફળાદી, દવાઓ જેવી વસ્તુઓ બેડ સુધી સમયસર પહોંચાડવામાં સરળતા રહે છે. સિવિલના રસોડાના ફૂડ ડિસ્ટ્રિબ્યુશનમાં સ્વયંસેવકની મદદ થકી સમયસર જમવાનું પહોચાડવામાં ગતિશીલતા આવી છે. એનજીઓ પે સિસ્ટમ દ્વારા એક્સ્ટ્રા ક્લિનઅપ સ્ટાફ કોવિડ વોર્ડ ડયુટી સ્ટાફ માટે વ્યક્તિ દીઠ રૂા.૧૦૦/- દૈનિક પ્રોત્સાહનરૂપે આપવામાં આવી રહયા છે. દર્દીને ઘરેથી લાવવા અને મૂકવા માટે વિનામૂલ્યે વાહનની સગવડ માટે ચાર વાહનો શરૂ કરવામાં આવ્યા છે.
આ સેવાના મહાયજ્ઞમાં વલસાડની ઉમિયા સોશિયલ ટ્રસ્ટ-વલસાડના અશોકભાઇ, ગો કોરોના ગ્રૂપના નિલેશભાઇ અજાગીયા, પતંજલિ ગ્રૂપના પ્રિતી પાંડે, જલારામ અન્ન ક્ષેત્ર ટીમ અને નિમેશભાઇ, ડો.કુરેશી અને તેમની ટીમ, કૌશિકભાઇ અને તેમની ટીમ, ભક્તિ, હર્ષિત અને આર.એસ.એસ.. ટીમ, વિશાલ ગુપ્તા, હેમંત ટંડેલ, આનંદભાઇ, નિરજ આચાર્ય, ચેતન ચાંપાનેરી, જયપાનભાઇ, હર્ષિલભાઇ અને અન્ય સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહયા છે. આ સરાહનીય કાર્ય કરીને તેઓ સાચા અર્થના કોરોના વોરીયર બન્યા છે.
આલેખનઃ પ્રફુલ પટેલ, સિની.સબ એડીટર
Previous article
Next article
Leave Comments
Post a Comment