News
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ઉમરગામ તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજાયા
માહિતી બ્યુરોઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયત વિસ્તારમાં સમાયેલી તમામ ગ્રામ પંચાયત વિસ્તારની વિધવા મહિલા, ત્યકતા બહેનો તેમજ નિરાધાર મહિલાઓને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં સેવાના ઉદ્દેશ સાથે આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે અનાજની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઉમરગામ તાલુકાના ભીલાડ ભંડારી સમાજ હોલમાં સવારે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિવિધ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક સ્થળોએ ઉપસ્થિત લોકોને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જ્યારે વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરાયાં હતાં.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં વિકાસના માર્ગ પર આગળ વધી રહેલી કેન્દ્ર સરકાર ગરીબ અને સીમાંત લોકોનું કલ્યાણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. છેલ્લા સાત વર્ષમાં દેશના તમામ ક્ષેત્રોના વિકાસ માટે સરકાર દ્વારા પ્રગતિનો જે મક્કમ પાયો નાખવામાં આવ્યો છે તેને આગળ વધારવા બધાના સક્રિય સમર્થન સાથે રાષ્ટ્રને મજબૂત બનાવવા સૌના સહયોગની અપેક્ષા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થતાં ઉમરગામ તાલુકા સંગઠન દ્વારા સેવા એ જ સંગઠનના ધ્યેય સાથે જરૂરરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા માટે અનાજની કીટ આપવામાં આવી રહી છે. સમગ્ર ઉમરગામ તાલુકામાં એક હજાર જેટલી કીટ આપવાનું આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. કોરોનાકાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત એનએફએસએ હેઠળના રાશનકાર્ડ ધારકોને નિઃશુલ્ક અનાજ વિતરણ કરાયું છે. વૃક્ષમાંથી ઓક્સિજન અને શુદ્ધ હવા મળે છે, તેમ જણાવી દરેકને વધુમાં વધુ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો. દેશ અને રાજ્યના સર્વાંગી વિકાસની સાથે ગરીબોને પડખે સરકાર રહી છે. સામાન્ય માનવીના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ગામે-ગામ પાકા રસ્તાઓ બનાવાયા છે, ઘરે-ઘરે પેવર બ્લોક નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સાશનકાળને સાત વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી રહેલા કાર્યક્રમોની જાણકારી આપી હતી. તેમણે ગામને કોરોનામુક્ત બનાવવા દરેકને રસીકરણ કરાવી લેવા જણાવ્યું હતું. આજે મંત્રીશ્રીના હસ્તે ઉમરગામ તાલુકાના ગોવાડા, દહેરી, દહાડ, નારગોલ , સરોન્ડા, સરઇ, આહુ, ખતલવાડા, માણેકપોર, ધોડીપાડા , તડગામ, કોળીવાડ, મરોલી, કલગામ, ફણસા, પાલીધુયાં અને પાલી કરમબેલી, કનાડુ તેમજ બીલીયા ખાતે કીટનું વિતરણ કરાયું હતું.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાંગડા, તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ અને રામદાસભાઈ વરઠા, સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમભાઈ પટેલ, સંબંધિત ગામોના સરપંચ, ગામ અગ્રણીઓ અન્ય હોદેદારો અને ચૂંટાયેલા પાંખના પ્રતિનિધિઓ, જિલ્લા/ તાલુકા પંચાયતના સદસ્યો, લાભાર્થી મહિલાઓ હાજર રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment