News
રોફેલ MBA કોલેજ ખાતે દક્ષિણ ગુજરાતની કોલેજોના પ્રોફેસરો માટે વિશેષ વર્કશોપનું આયોજન
ઉદ્યોગસાહસિક વિકાસ સંસ્થા ભારત, અમદાવાદ દ્વારા ઉદ્યોગ સાહસિકતામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપી શકાય તે માટે EDII દ્વારા વાપીની રોફેલ MBA કોલેજ ખાતે દક્ષિણ ગુજરાતની કોલેજોના પ્રોફેસરો માટે વિશેષ વર્કશોપનું આયોજન કર્યું છે.
આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ આપવું જોઈએ? વિદ્યાર્થીઓએ કઈ રીતે શિક્ષણ મેળવી ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવું જોઈએ તે માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ તારીખ 6 થી 17 સપ્ટેમ્બર, 2021 સુધી ચાલવાનો છે. જેમાં વિવિધ કોલેજના 22 પ્રોફેસરોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં નાના મોટા અનેક પ્રકારના ઉદ્યોગો ધમધમી રહ્યા છે. જ્યારે બીજી તરફ હાલમાં દેશની પ્રગતિ કરી શકે તેવા બિઝનેસ નથી. અનેક ક્ષેત્રે રોજગારી ની સમસ્યા નડી રહી છે. ત્યારે, દેશનો દરેક યુવાન ઉદ્યોગ સાહસિક બને, ઉદ્યોગ ઉભો કરવામાં જે ડર છે તે દૂર થાય, ઉદ્યોગ સ્થાપવા માટે ઉપયોગી માર્ગર્શન મળે, મેક ઇન ઈંડિયા અંતર્ગત મળતી સરકારની સહાયની જાણકારી મેળવી નોકરિયાત બનવાને બદલે નોકરીદાતા બને તેવા ઉદ્દેશ્યથી વાપીમાં રોફેલ MBA કોલેજ ખાતે EDII દ્વારા ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
Entrepreneurship Development Institute of India (EDII) અમદાવાદ દ્વારા આયોજિત આ ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં વલસાડ જિલ્લાની અલગ અલગ કોલેજના 22 જેટલા પ્રોફેસરો-શિક્ષકોને સંસ્થાના 10 જેટલા તજજ્ઞો દ્વારા વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જે અંગે સંસ્થાના ફેકલ્ટી ડૉ. પંકજ ભારતીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ કોલેજ કાળથી જ ઉદ્યોગ અંગે જાગૃતિ કેળવી શકે તે માટે તેમને શિક્ષણ આપતા પ્રોફેસરો-શિક્ષકોને આ વર્કશોપમાં વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
રોફેલ MBA કોલેજ ખાતે આયોજિત આ 10 દિવસીય ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંગે કોલેજના ડાયરેકટર કેદાર શુક્લાએ જણાવ્યું હતું કે આ ખૂબ જ સરાહનીય કાર્ય છે. જેના થકી વિદ્યાર્થીઓમા ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે જે ડર છે તે દૂર કરી શકવામાં પ્રોફેસર-શિક્ષકો મહત્વનો ભાગ ભજવી શકે છે. તેમને મળેલા ઉપયોગી માર્ગદર્શનથી તે સારા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરી શકે છે. જેનાથી દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે અનેકગણી પ્રગતિ સાધી શકાય છે.
ઉલ્લેખનીય છે કે Entrepreneurship Development Institute of India (EDII) અમદાવાદ દ્વારા આ પ્રકારના અન્ય પ્રોગ્રામનું પણ સમયાંતરે આયોજન કરવામાં આવે છે. આગામી દિવસોમાં વાપીના ઉદ્યોગકારોએ પોતાના બિઝનેસને કઈ રીતે વધારવો, તેમાં કઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો તે અંગે પણ વર્કશોપ કરવાનું આયોજન છે. ગુજરાતમાં દરેક જિલ્લામાં સંસ્થાના નિષ્ણાતો દ્વારા આવા વિશેષ પ્રોગ્રામનું આયોજન કરી દેશની આર્થિક ઉન્નત્તિમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment