News
દાદરા નગર હવેલીની સરહદથી જોડાયેલ મધુબન, રાયમલ, નગર જૂથ ગ્રામ પંચાયતને સંઘપ્રદેશમાં સામેલ કરવાની માહિતી બાદ ગામલોકોમાં વિરોધનો સુર ઉઠ્યો
ગુજરાતના વલસાડ જિલ્લાના અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદથી જોડાયેલ મધુબન, રાયમલ, નગર જૂથ ગ્રામ પંચાયતને સંઘપ્રદેશમાં સામેલ કરવાની વર્ષો જૂની માંગ અંગે આગામી 28 મી જાન્યુઆરી એ ગોવામાં યોજાનાર Western Council Standing Committee મિટિંગમાં નિર્ણય લેવાય તેવી માહિતી બાદ ગામલોકોમાં વિરોધનો સુર ઉઠ્યો છે. ગામલોકોનું કહેવું છે કે અમારે ગુજરાતમાં રહેવું છે. અને આ અંગે કલેકટર, રાજ્ય પ્રધાન, મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરી આંદોલન કરીશું
ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદથી જોડાયેલ તાલુકો છે. મુખ્યત્વે આદિવાસી સમાજ ધરાવતા આ વિસ્તારમાં એક સમયે પ્રાથમિક સુવિધાઓનો અનેકગણો અભાવ હતો. જેને લઈને સંઘપ્રદેશની સરહદે આવેલા મેઘવાળ, મધુબન, રાયમલ અને નગર ગામ પૈકી મેઘવાળ ગામના લોકોએ ગામને સંઘપ્રદેશમાં સમાવવા રજુઆત કરી હતી. વર્ષો જૂની આ માંગ સાકાર થાય તે પહેલાં ગુજરાત સરકારે અહીં પાયાની તમામ સુવિધાઓ પુરી પાડી ગામમાં વિકાસ ના વાવટા ફરકાવી દીધા છે. ત્યારે, ભૂતકાળની એ માંગ હવે ગામલોકો માટે આફત બની છે.
આગામી 28 મી જાન્યુઆરી એ ગોવામાં યોજાનાર Western Council Standing Committee મિટિંગમાં આ ચારેય ગામને સંઘપ્રદેશ માં સમાવવા માં આવશે તેવી માહિતી બાદ ગામલોકોમાં વિરોધ નો સુર ઉઠ્યો છે. ગામલોકોનું કહેવું છે કે અમારે ગુજરાતમાં રહેવું છે. અને આ અંગે કલેકટર, રાજ્ય પ્રધાન, મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરી આંદોલન કરીશું
મધુબન જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા મધુબન, રાયમલ અને નગર ગામની અંદાજિત વસ્તી 3500 આસપાસ છે. ગામના 80 ટકા લોકો હાલ ગામને સંઘપ્રદેશ માં સમાવિષ્ટ કરવા મામલે વિરોધ કરી રહ્યા છે. આ અંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્ય અને ગ્રામજનોનું કહેવું છે કે, વર્ષો પહેલા આ ગામના અસલ વસવાટના સ્થળે દમણગંગા જળાશય હેઠળ મધુબન ડેમ બનાવવામાં આવ્યો છે. અને ગામના લોકોની જમીન સંપાદન કરી હતી.
હાલમાં ગામના લોકો કાંઠા વિસ્તારની ફાળવેલી જમીનમાં ખેતી કરે છે. વસવાટ કરે છે. રોજગારી માટે નદીમાં મચ્છીમારી કરી ગુજરાન ચલાવે છે. અહીંનો મોટાભાગનો વિસ્તાર ગુજરાત ફોરેસ્ટ હસ્તકનો છે. હવે જો આ ગામોને દાદરા નગર હવેલીમાં સમાવી લેવામાં આવ્યા બાદ પ્રશાસન આ જમીન હસ્તગત કરી લે તો ગામલોકો બેઘર બની રોજગાર થી વંચિત થઈ જશે.
એ ઉપરાંત ગામલોકોને અન્ય પ્રશ્નો પણ મુંઝવી રહ્યા છે. જેમ કે ગામોનો સંઘપ્રદેશ માં સમાવેશ કરવામાં આવ્યા બાદ તેમના આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, જમીનના દસ્તાવેજ વગેરે અંગે કેવા નિર્ણય લેવાશે. આ બધું ગુજરાત રાજ્યનું છે તો તેને સંઘપ્રદેશ માં કઈ રીતે બદલાવશે. બીજું એક સમયે વિકાસથી વંચિત આ ગામો માં હાલ સંઘપ્રદેશ ના ગામ કરતા પણ વધુ સારો વિકાસ ગુજરાત સરકારે કર્યો છે. પાણી, લાઈટ, રસ્તા, આરોગ્ય અને શિક્ષણની તમામ સુવિધાઓ તેમને મળી રહી છે. એટલે ગામલોકો ગુજરાત સાથે જ નાતો જાળવી રાખવા માંગે છે. ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા વિકાસથી વંચિત ગામલોકોએ કરેલી માંગ હવે ફળીભૂત થઈ રહી હોવાના ભણકારા વાગતા ગામલોકો તેને આફત સમાન ગણી વિરોધ કરી રહ્યા છે. ગામલોકોને એવી પણ દહેશત છે કે ગામની જમીન હસ્તગત કર્યા બાદ જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસીઓ સાથે ગેરવર્તણૂક થઈ રહી છે. તેમ અહીં પણ ટૂરિઝમ ઉભું કરશે તો ગામલોકોએ ઘર વિહોણા અને રોજગારથી વંચિત થવું પડશે. હાલ આ અંગે જરૂર પડ્યે વલસાડ કલેકટર, સ્થાનિક ધારાસભ્ય અને રાજયકક્ષાના પ્રધાનો, ગુજરાતના મુખ્યપ્રધાન સુધી રજુઆત કરશે અને તેનો ઉકેલ નહિ આવે તો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment