News
વલસાડ-મોગરાવાડીના પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ૭૩મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી.
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૨૬: વલસાડ જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ, મોગરાવાડી ખાતે તિરંગો લહેરાવી સ્વાતંત્ર્ય વીરોના ચરણોમાં વંદન કરી રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને બા-અદબ સલામી આપ્યા બાદ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે પ્રજાજોગ સંદેશો આપતાં જણાવ્યું હતું કે, ૭૨ વર્ષ પહેલાં આપણે લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો. આજે આપણો દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા તરીકે ઉભરી રહયો છે.
મંત્રીશ્રી વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ, સશકત અને દીર્ઘ દૃષ્ટિ પૂર્ણ નેતૃત્વના કારણે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહયો છે. અનેક કિર્તીમાનો સ્થાપી આજે આપણો દેશ સુરાજ્યની દિશામાં દૃઢતાપૂર્વક આગળ વધી રહયો છે. દૃઢ રાજકીય ઇચ્છાશક્તિ, સાતત્યપૂર્ણ નેતૃત્વ અને જનશક્તિના સાક્ષાત્કારના ત્રિવેણી સંગમથી આપણે પ્રતિદિન વિકાસના નવા સોપાનો સર કરી રહયા છીએ. આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાતની આ યાત્રામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ઊર્જાવાન નેતૃત્વમાં ગુજરાત સરકાર તેજ રફતારથી જન-જનનો વિકાસ કરી રહી છે.
ગુજરાત એક એવો પ્રદેશ છે કે જ્યાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં સમતોલ વિકાસની અદભૂત કેડી કંડારાઇ છે. ગુજરાતના ખૂણેખૂણાના વિકાસ માટે આ સરકાર નિષ્ઠાપુર્ણ અને પરિણામલક્ષી પ્રયાસો કરી રહી છે. મુખ્યમંત્રી પદને સત્તા નહીં સેવાનું માધ્યમ બનાવી નવા આત્મવિશ્વાસ સાથે નિષ્ઠા પૂર્વક જનસેવાના નવતર પરિણામો સાથે સમૃદ્ધ સલામત શક્તિશાળી અને વિકસિત ગુજરાતના નિર્માણની અનુભૂતિ જન-જનને થઇ રહી છે. વિકાસના તમામ ક્ષેત્રોમાં સિદ્ધિના સોપાનો ગુજરાત સર કરી રહયું છે.
કોરોના મહામારી સામે ભારત દેશે ૧૫૦ કરોડ કરતાં વધુ રસીકરણની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી કોરોના સામેના જંગમાં ઇતિહાસ સર્જયો છે. આ રસીકરણ અભિયાનમાં ગુજરાત પણ મક્કતમતાથી અગ્રેસર રહયું છે. ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના ૯૦ ટકા નાગરિકોને પહેલો ડોઝ અપાઇ ગયો છે. ૧૫ થી ૧૮ વર્ષની વયના યુવાનોને કોવિડ-૧૯થી સુરક્ષિત કરવા મહાઅભિયાન આરંભીને રાજ્યના પ્રત્યેક યુવાનોને આપવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. દેશના મોટા રાજ્યને વેકસીન ઝુંબેશ કેટેગરીમાં ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા ગુજરાતને એવોર્ડ આપવામાં આવ્યો છે.
ગરીબોને ગુણવત્તાસભર આરોગ્ય સેવા વિના મૂલ્યે મળી રહે એ માટે કરોડથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ એનાયત કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સુશાસનમાં ગુજરાત અગ્રેસર છે, દેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીજીની સ્મૃતિમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરી રાજ્યના પ્રત્યેક નાગરિકોને સરળતાથી સરકારી સરકારી લાભ આપવા સાથે નાગરિકોની સમસ્યાને નિવારવા રાજ્યમાં અનેક પરિણામલક્ષી કામો કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૧૧૮૩ સમરસ ગ્રામપંચાયતોને રૂ.૬૩ કરોડથી વધુ પ્રોત્સાહક અનુદાન આપ્યું છે.
ધરતીપુત્રના પડખે સરકાર સદાય ઊભી રહી છે.
રાજ્યના સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની સીધી ખરીદી કરાઈ હતી. નારી ગૌરવ અને મહિલા સશક્તિકરણની દિશામાં ગુજરાતે આગેકદમની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ નિર્ભય બની શિક્ષણ રોજગાર અને વ્યવસાય આગળ વધી શકે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓનો પરિણામલક્ષી અમલ કર્યો છે.
ગરીબો અને વંચિતોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. સુખ, સમૃદ્ધિ અને સુવિધાથી ગ્રામજીવન સંપન્ન બને એ દિશામાં આ સરકાર પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. ગુજરાતના દરેક ગામમાં માળખાગત સુવિધાઓનો વિકાસ થાય શુદ્ધ પીવાનું મળે, પાકી ગટર વ્યવસ્થા, ઘન કચરાનો નિકાલ થાય, ગામેગામ ઇન્ટરનેટની સુવિધા પ્રાપ્ત થાય એ દિશામાં ગુજરાત મક્કમતાથી આગળ વધી રહયું છે. નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
કોઇપણ પ્રદેશના વિકાસના પાયામાં શિક્ષણ છે, ત્યારે રાજ્યના યુવાનોને કૌશલ્યનિર્માણ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે અમદાવાદ ખાતે કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કરવાનો આ સરકારે નિર્ણય કર્યો છે. ઊર્જા એ વિકાસનું મહત્ત્વનું અંગ છે. રાજ્યના તમામ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો આપવામાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યના દરેક વિસ્તારોમાં માર્ગ નિર્માણથી ગુજરાતના વિકાસની રફતારને વધારી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ૧.૪૪ લાખ અને શહેરી વિસ્તારમાં ૨૨ હજાર આવાસો મંજૂર કર્યા છે. ડો. આંબેડર આવાસ, પંડિત દિનદયાળ આવાસ, હળપતિ આવાસ યોજના હેઠળ પણ હજારો આવાસોની ફાળવણી કરવામાં આવી છે.
આ સરકારે ગુજરાત માટે ત્રણ વિભાગ ધરાવતું વિકાસનું મોડેલ અપનાવ્યું છે. જેમાં ત્રીજા ભાગનો હિસ્સો ઉદ્યોગોને ફાળે આવે છે જ્યારે સેવા અને કૃષિ ક્ષેત્રે પણ એટલો જ સમાન હિસ્સો આવે છે. આ ત્રણેય ક્ષેત્રમાં સંતુલિત વિકાસ સાધી શકાય તો રાજ્યના અર્થતંત્રની ગતિ કયારેય પણ મંદ પડશે નહીં. ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી પ્રતિબધ્ધ હોવાનું તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.આ અવસરે મંત્રીશ્રીના હસ્તે જિલ્લા કલેકટરને વલસાડ તાલુકા ના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. જીવદયા પ્રત્યે શ્રેષ્ઠ અભિગમ દર્શાવતા કાર્યક્રમ કરુણા અભિયાન દરમિયાન પતંગની દોરાથી પક્ષીઓને થતી ઇજાઓ નથા મૃત્યુના બનાવો અટકાવવા વલસાડ જિલ્લામાં ૨૬ જેટલા સારવાર કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ૧૫૯ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. આ કામગીરીમાં સહયોગી સંસ્થાઓ પૈકી ઉત્કૃષ્ઠ કામગીરી કરનારી વલસાડ પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા, જીવદયા ગૃપ, પારડી, શ્રી હિંસા નિવારણ સંઘ-સરીગામ, રેસ્કયુ ઇમરજન્સી ટીમ-વાપી અને રેસ્કયુ ફાઉન્ડેશન-વાપીને મંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે યોજાઇ રહેલા કોરોના રસીકરણ મહા અભિયાન અંતર્ગત પોલીસ હેડકવાર્ટર ખાતે ચાલી રહેલા રસીકરણ કેન્દ્રની મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલે મંત્રીશ્રીને જિલ્લામાં થઇ રહેલી રસીકરણની કામગીરીથી વાકેફ કર્યા હતા. મંત્રીશ્રીએ રસીકરણ લેનારાઓને અભિનંદન પાઠવી કોરોના સામે સાવધાની રાખી દેશને કોરોનામુક્ત કરીશું એવી અપેક્ષા વ્યકત કરી હતી. વલસાડના ગણતંત્ર દિવસ ઉજવણીના આ કાર્યક્રમ દરમિયાન વલસાડ શહેર સહિત તાલુકાના પ્રજાજનો, પદાધિકારીઓ, અધિકારીઓ, મીડિયાકર્મીઓ વગેરેએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.કાર્યક્રમના અંતે પોલીસ બૅન્ડની સૂરાવલીઓ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે પોલીસ હેડકવાર્ટર ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિ દેસાઇ અને સ્મૃતિ દેસાઇએ કર્યું હતું.આ અવસરે સાંસદ ડૉ.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કાબેન શાહ, ધારાસભ્યો સર્વશ્રી ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા સહિત જિલ્લાના અધિકારી/ કર્મચારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment