News
વાપીની વાયટલ કંપનીમાં કામદારને મારનાર કોન્ટ્રાક્ટર સહિત 2 ઝબ્બ મેનેજર શંકર બજાજ અને સંજય ધોડીયા હજી પોલીસ પકડથી દૂર.
વાપીની વાયટલ કંપનીમાં કામદાર ઉપર ચોરીની શંકા રાખી મેનેજર અને કોન્ટ્રાક્ટર સહિત ચાર લોકોએ કર્મીને ગોંધી રાખી માર મારતા કોન્ટ્રાક્ટર અને વોચમેનને પકડી કાર્યવાહી હાથ ધરાઇ છે. વાપી જીઆઇડીસીની વાયટલ કંપનીમાં રીએક્ટર ઓપરેટર તરીકે 9 વર્ષથી નોકરી કરતા સુનીલ જવાહરલાલ સરોજે 13 ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, 5 ફેબ્રુઆરીએ નિયમ મુજબ કંપનીમાં નોકરી કરી તે ઘરે જતા રહ્યા હતા. જે બાદ તેને કંપનીના વોચમેન રાહુલનો ફોન આવ્યો હતો અને તેણે તાત્કાલિક કંપનીમાં આવી જવા જણાવ્યું હતું.
કંપનીએ પહોંચતા વોચમેન તેને ઓફિસમાં લઇ ગયો હતો. જ્યાં મેનેજર શંકર બજાજ અને સંજય ધોડીયા નામના ઇસમો હાજર હતા. કંપનીમાં વોલની ચોરી થઇ છે અને તેમાં તારૂ નામ આવ્યું છે જણાવતા ફરિયાદીએ ચોરી મે કરેલ નથી કહેતા જ ત્રણેય લોકોએ રાતના 9થી 10 વચ્ચે તેને ઢીકમુક્કીનો માર માર્યો હતો. ત્યારબાદ કેન્ટીનના બંધ રૂમમાં લઇ જઇ વારાફરતી લાકડી વડે માર મારી બળજબરીથી રાજીનામુ પણ લખાવી લીધા બાદ હવે કંપનીમાં દેખાશે તો બોઇલરમાં નાખી દેવાની ધમકી અપાઇ હતી.
પાંચ કલાક બાદ તેને છોડી દીધા બાદ કોન્ટ્રાક્ટર રાહુલ તેની બાઇક પર બેસાડી પોતાના રૂમ ઉપર લઇ જઇ ઢીકમુક્કીનો માર મારતા ફરિયાદીની પત્ની તેના રૂમ ઉપર પહોંચી જતા તેને છોડી દેવાયો હતો. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતા જીઆઇડીસી પોલીસે આરોપી કોન્ટ્રાક્ટર રાહુલ સુરેશ રાવ રહે.છીરી વડિયાવાડ અને વોચમેન રાહુલ જયપ્રકાશ પાંડે રહે.છીરી ગુલાબનગર ની મંગળવારે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી. જ્યારે મેનેજર શંકર બજાજ અને સંજય ધોડીયા હજી પોલીસ પકડથી દૂર છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment