News
રેલવે પ્રધાન દર્શના જરદોષ સમક્ષ વાપી નગર પાલિકાના પ્રમખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને સભ્યોએ વાપી રેલવે વિભાગમાં રહેલા વિવિધ પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા લેખિતમાં રજુઆત કરી
વાપી નગરપાલિકા વિસ્તારના ડુંગરામાં બની રહેલ બુલેટ ટ્રેનના સ્ટેશનની અને પ્રોજેકટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવા આવેલા રેલવે પ્રધાન દર્શના જરદોષ સમક્ષ વાપી નગરપાલિકાના પ્રમખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને સભ્યોએ વાપી રેલવે વિભાગમાં રહેલા વિવિધ પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા લેખિતમાં રજુઆત કરી હતી.
ડુંગરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ બની રહેલ સ્ટેશન અને પિલરની રેલવે પ્રધાન દર્શના જારદોશે મુલાકાત લીધી હતી. જ્યાંથી તેઓ વાપી રેલવે સ્ટેશને પધાર્યા હતાં. વાપી રેલવે સ્ટેશને રેલવે મંત્રીનું વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ અને સભ્યોએ સ્વાગત કર્યું હતું. રેલવે પ્રધાનની મુલાકાત વેળાએ નગરપાલિકાના સત્તાધીશોએ વાપી નગરપાલિકાના રેલવેને સંલગ્ન વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરી હતી.
પાલિકાના સત્તાધીશોએ રેલ્વે વિભાગમાં પેન્ડીંગ મુદ્દાઓ/દરખાસ્તો માટે જરૂરી કાર્યવાહી કરવા રજુઆત કરી હતી જેમાં હાલમાં રેલ્વે વિભાગ ડિપોઝીટરી કાર્ય તરીકે વાપી નગરપાલિકા માટે પેડેસ્ટ્રિયન સબવેનું નિર્માણ કરી રહ્યું છે. પરંતુ નિમણૂક કરાયેલી એજન્સી દ્વારા કરાયેલી કામગીરી ખૂબ ધીમી ચાલી રહી છે. આ કામગીરીનો વર્ક ઓર્ડર 24/03/2021 ના રોજ 6 મહિનાની સમય મર્યાદા સાથે જારી કરવામાં આવ્યું હતું જે કોરોના કાળ અને ચોમાસાની ઋતુમાં આગળ વધી નહોતું શક્યું. જે બાદ હાલમાં કામગીરી શરૂ કરાઇ છે. જેમાં વેગ આપવામાં આવે.
એ ઉપરાંત LC.No 80 (જુના ફાટક) પર બનેલ રેલવે ઓવર બ્રિજ (ROB)ને આગામી મહિનામાં તોડી પાડવામાં આવશે. તેથી દરરોજ આવાગમન કરતા આશરે 20,000 થી 30,000 લોકોને પૂર્વ-પશ્ચિમમાં જવા આવવામાં ટ્રાફિક સહિતની અનેક મુશ્કિઓનો સામનો કરવો પડશે. જો સબવે નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય, તો તેનો પૂર્વ-પશ્ચિમ કનેક્ટિવિટી તરીકે ઉપયોગ કરી શકાય છે. જે માટે રેલવે વિભાગના કાર્યની સમીક્ષા કરવા અને જરૂરી પગલાં લેવા વિનંતી કરી હતી.
વાપી નગરપાલિકાએ ઉપરોક્ત 1 કરોડના કામના બદલામાં ડિપોઝીટ પેટે કુલ રૂ. 5,52,00,352/- ની રકમ પ્રોજેક્ટની શરૂઆત પહેલા જમા કરાવી છે. જે રેલ્વે વિભાગ દ્વારા જારી કરાયેલ સ્વીકૃતિ પત્રની રકમ કરતાં 4,54,73,741 રૂપિયા વધુ છે. વાપી નગરપાલિકાને Sr. DEN દ્વારા રૂ. 2,63,93,199ની બાકીની રકમ જમા કરાવવા જણાવાયું હતું. જ્યારે હાલમાં, કામ ખૂબ જ ધીમું હોવાથી સાઈટ પર દેખાતી ભૌતિક પ્રગતિના 20% પણ નથી.
પાલિકાએ બાકીની રકમ સબમિટ કરવા માટે સંમતિ આપી છે. જેથી કામ આગળ વધે તેવી પશ્ચિમ રેલવે વિભાગને ભલામણ સાથેની લેખિત રજુઆત પાલિકા દ્વારા રેલવે પ્રધાન સમક્ષ કરવામાં આવી હતી. એ ઉપરાંત વાપી નગરપાલિકાએ વાપી ખાતે રેલ્વે કેમ્પસની પૂર્વ બાજુએ કોઈ પે એન્ડ યુઝ શૌચાલય નથી. તેથી વાપી પૂર્વ બાજુએ જાહેર પે એન્ડ યુઝ શૌચાલય બનાવવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. જેનો બાંધકામનો ખર્ચ અને O&M 5 વર્ષ માટે વાપી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. જેવા વિવિધ મુદ્દાઓ બાબતે લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment