જમિઅત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા પ્રથમ હિન્દુ - મુસ્લિમ સમાજની ગરીબ દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન સાથે કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું

વાપીમાં રવિવારે મુસ્લિમ સમાજનો પ્રથમ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો. એ સાથે જ જિલ્લામાં કોરોના કાળ દરમ્યાન જીવના જોખમે ફરજ નિભાવનાર આરોગ્ય કર્મચારીઓ , પોલીસ, સામાજિક સંસ્થાઓ અને પત્રકારોનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. 
વાપીના ડુંગરા વિસ્તારમાં ઉભા કરેલા લગ્ન મંડપના શામિયાણામાં જમિઅત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા પ્રથમ હિન્દુ - મુસ્લિમ સમાજની ગરીબ દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને અન્ય ટ્રસ્ટીઓ - સભ્યોની એક વરસથી ઈચ્છા હતી કે કોરોના કાળમાં જે લોકોએ જીવના જોખમે પોતાની ફરજ બજાવી છે. તેવા કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવું જોઈએ. જે ધ્યાને રાખી સંસ્થાએ આ જ દિવસે સમૂહ લગ્ન કાર્યક્રમ સાથે જ આવા કોરોના વોરિયર્સ ને લગ્ન સમારંભમાં દંપતીઓને આશીર્વાદ આપવા પધારવાનું આમંત્રણ આપવા સાથે તેમને સન્માનપત્ર આપી સન્માનીત કર્યા હતા. 
 ( હારુન શાહ દ્વારા ટ્રસ્ટના પ્રમુખનું સન્માન)
કાર્યક્રમ સ્થળે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણી મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સ એવા વલસાડ જિલ્લાના પત્રકારોને પહેલી વખત જાહેર મંચ પરથી સન્માનિત કરી સન્માન પત્ર આપવામાં આવ્યા હતા એ ઉપરાંત વલસાડ જિલ્લાના પોલીસ જવાનો, સરકારી આરોગ્ય હોસ્પિટલના તબીબો, કર્મચારીઓ, શહેર અને જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો- સભ્યોને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. 
આ કાર્યક્રમમાં ગરીબ પરિવારની 13 દીકરીઓના ટ્રસ્ટ ના ખર્ચે લગ્ન કરાવવામાં આવ્યા હતા . લગ્નમાં તમામ દીકરીઓને જરૂરી સોના - ચાંદીના દાગીના, લગ્નનો તમામ સામાન આપી પ્રભુતામાં પગલાં પડાવી સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા. ટ્રસ્ટની આ પહેલને વાપીના જાણીતા ઉદ્યોગપતિ સિરિષ દેસાઇ, વાપી નગરપાલિકા પ્રમુખ સહિતના અગ્રણી મહાનુભાવોએ પણ વખાણી હતી. અને લગ્ન સમારંભમાં થતા ખોટા ખર્ચા સામે આ પહેલ અન્ય સમાજ પણ અનુસરે તેવી ઈચ્છા પ્રગટ કરી હતી તેમજ કોરોના વોરિયર્સના સન્માનની પહેલને પણ સરાહનીય ગણાવી હતી. 
ઉલ્લેખનીય છે કે જમિઅત ઉલેમાએ હિન્દ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને સભ્યો વાપીમાં વર્ષોથી રેલવેમાં, હાઇવે પર કે અવાવરું સ્થળે મૃત્યુ પામેલા બિનવારસી મૃતદેહની દફનવિધિ અગ્નિસંસ્કાર કરી કોમી એકતાની મિશાલ પૂરી પાડતા આવ્યા છે. કોરોના કાળમાં પણ કોરોના મૃતદેહોને જ્યારે કોઈ હાથ લગાડવા પણ તૈયાર નહોતા ત્યારે આ સંસ્થાના સભ્યોએ પોતાની એમ્બ્યુલન્સમાં પોતાના ખર્ચે કોરોના મૃતદેહને લાવી નિયમોનુસાર અને જે તે ધર્મની ધાર્મિક વિધિ અનુસાર મૃત દેહને અગ્નિસંસ્કાર કે દફનવિધિ કરી છે. ઇન્તેખાબ ખાન છેલ્લાં 35 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને અંદાજીત 10,000 થી વધુ મૃતદેહો ને કોઈ પણ પ્રકારનો છોછ રાખ્યા વિના અંતિમ મંજિલે પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે . 



Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close