News
વાપી મહાનગરપાલિકા દ્વારા ઘરવેરા વિભાગ ની ટીમ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં ચાલીની ૧૧૨ રૂમ, ૫૬ ઓફિસ, ૭૧ દુકાનો અને ૬ ગોડાઉનોને તાળાં મારી સ્થળ પર રૂ.૩૭ લાખ વસૂલ કરવામાં આવ્યા.
વાપીમાં ઘણા વર્ષોથી પ્રોપર્ટી ટેક્ષ ના ભરનાર બંગલા અને ફ્લેટ માલિકોના ઘરે જઈ ઢોલ વગાડીને વેરો ભરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
શુક્રવારે મેઘમયુર સોસાયટીમાં મોટા બાકીદારો ના ફ્લેટ પાસે ઢોલ વગાડવામાં આવતા ચાર માલિકોએ રૂ.1.1 લાખ અને છરવાડા રોડ પર એક સોસાયટીમાં નવ વર્ષથી વેરો ના ભરનાર એક તબીબે રૂ.35000 સ્થળ પર જમા કરાવ્યા હતા. આ ઉપરાંત લેકવ્યુ બંગલોઝમાં પણ ઢોલ વગાડી વેરો ભરવા જાગૃતિ લાવવાનો પ્રયત્ન થયો હતો. મ્યુનિસિપલ કમિશ્નરશ્રી યોગેશ ચૌધરી અને નાયબ કમિશ્નરશ્રી અશ્વિન પાઠકના માર્ગદર્શનમાં ટેક્ષ સુપરિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર તથા ટેક્ષ ઈન્સ્પેકટર દીપક ચભાડિયાની ઘરવેરા વિભાગની ટીમ દ્વારા શુક્રવારે પૃથ્વી કોર્નરમાં બેન્કની ઈન્સ્યોરન્સ શાખાની ઓફિસ સહિત 12 ઓફિસ, સોફિયા પેલેસમાં 7 ઓફિસ અને ૧ હોટલ સહિત 3 દુકાન, કે.જી.એન. પ્લાઝામાં 4 દુકાન, એક્તાનગરમાં ૬ ઔદ્યોગિક ગોડાઉન, બરકતઅલીની ચાલીની 8 રૂમ, ગુલામહુસેનની 13 રૂમ, મંજુલા પટેલની 6 રૂમ, દત્તાત્રેય કામળેની ૬ રૂમ, અવધેશ પાંડેની 4 રૂમને તાળાં મારવામાં આવ્યા હતા.
ઘરવેરા વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં ચાલીની ૧૧૨ રૂમ, ૫૬ ઓફિસ, ૭૧ દુકાનો અને ૬ ગોડાઉનોને તાળાં મારી સ્થળ પર રૂ.૩૭ લાખ વસૂલ કરવામાં આવ્યા હતા. વેરા વસૂલાત અભિયાનમાં માર્ચના પ્રથમ સાત દિવસમાં વિવિધ વિસ્તારોમાં વસૂલાત અભિયાન કરી રૂ.61 લાખની વસૂલાત કરવામાં આવી હતી. રૂ.28.75 કરોડના માંગણા સામે ઘરવેરા વિભાગની ટીમ દ્વારા રૂ.24.44 કરોડની વસૂલાત કરી 85% વસૂલાત કરવામાં આવી છે. મિલકતધારકોને કાર્યવાહીથી બચવા પોતાનો બાકી પ્રોપર્ટી ટેક્ષ ભરી દેવા જણાવવામાં આવ્યું છે. મિલકતધારકોની સુવિધા માટે રજાના દિવસોમાં શનિવાર તથા રવિવારે જનસેવા કેન્દ્રમાં વેરો સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment