News
વલસાડ જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક મળી
માહિતી બ્યુરો : વલસાડઃ તા.૨૮: વલસાડ જિલ્લામાં જુદા જુદા તાલુકામાં ઉનાળાની ઋતુ દરમિયાન પીવાના પાણીની તંગી અનુભવતા ગામો માટેનાં આયોજન અને કામગીરીની સમીક્ષા માટેની બેઠક જિલ્લા કલેક્ટર આર.આર.રાવલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે મળી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી રાવલે ચાલુ ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી સર્જાય તો પ્રથમ શક્ય હોય તો બોરનાં સારકામ અને અન્ય વિકલ્પથી પાણી આપવા અને જો તેમ છતા શક્ય ન હોય તો ટેન્કરથી પાણી આપવા તેમજ પાણીની મુશ્કેલી નિવારવા માટે સંભવિત ૭૮ ગામોમાં કરવામાં આવેલા આયોજનોની ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. રીપેરિંગ માટે જિલ્લામાં કુલ ૧૦ ટીમો કાર્યરત છે, તેમાં કપરાડા અને ધરમપુર તાલુકામાં રીપેરિંગ માટે જરૂરિયાત અનુસાર ટીમો વધારવા જણાવ્યું હતું.
કંટ્રોલ રૂમ ગાંધીનગરના હેલ્પ લાઇન નંબર ૧૯૧૬ ઉપર મળેલી ફરિયાદોના નિરાકરણ કરવા ઉપરાંત ઉનાળામાં જુથ યોજનામાંથી પાણી નિયમિત મળે અને પાણીનો બગાડ અટકે તે માટેનું સુચારુ આયોજન કરવા પણ જણાવ્યું હતું. પીવાના પાણીની મુશ્કેલી બાબતે ગામોમાંથી મળેલ અરજીઓ અંગે ચર્ચા કરી અહેવાલ મેળવીને સમયસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં માર્ચ મહિનાથી કુલ ૨૦૪ બોરનાં શારકામ કરવામાં આવ્યા છે, જેમાંથી સફળ થયેલા બોર ઉપર હેન્ડપપ મૂકી પાણી ચાલુ કરાયું છે. જાહેર જનતાને ગામમાં પીવાના પાણીની મુશ્કેલી હોય તો કંટ્રોલ રૂમ ગાંધીનગરના હેલ્પલાઇન નંબર ૧૯૧૬ ઉપર સંપર્ક સાધવાનો રહેશે.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી વલસાડ અને ધરમપુર, ડી.જી.વી.સી.એલ., સિંચાઇ વિભાગ, વન વિભાગ તેમજ વાસ્મો અને પાણી પુરવઠા બોર્ડનાં અધિકારીશ્રીઓ હાજર રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment