News
પ્રશાસનિક પ્રતિબદ્ધતા, જન પ્રતિનિધિઓનુ જન આંદોલન, અને પ્રજાકીય સહયોગના કારણે ડાંગ જિલ્લામા કોરોના મહદઅંશે કાબુમા ;- કલેકટર શ્રી ભાવિન પંડયા
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧: ડાંગ જિલ્લાને 'કોરોના મુક્ત' કરવા સાથે સો ટકા 'વેકસીનેસન' માટે વિશેષ લક્ષ કેન્દ્રિત કરાયુ છે, તેમ જણાવી કલેકટર શ્રી ભાવિન પંડયાએ ડાંગ જિલ્લાના પ્રજાજનોને "કોરોના" સામે સુરક્ષિત કરવાના આ ભગીરથ કાર્યમા પ્રશાસનિક પ્રતિબદ્ધતા, જન પ્રતિનિધિઓનુ જન આંદોલન, અને પ્રજાકીય સહયોગના કારણે કોરોનાને મહદઅંશે કાબુમા રાખવામા જિલ્લા વહીવટી તંત્રને સફળતા મળી છે, તેમ જણાવ્યુ હતુ.
એપ્રિલ માસમા 'કોરોના' ની બીજી લહેર વચ્ચે ડાંગ જિલ્લામા નોંધાયેલા ૩૦૫ નવા કેસો (ડીસ્ચાર્જ ૧૮૯) સામે ગત માસ એટલે કે મે ૨૦૨૧ દરમિયાન જિલ્લામા માત્ર ૧૮૮ (ડીસ્ચાર્જ ૩૦૪) જેટલા જ નવા કેસો નોંધાયા હતા. જેની સામે એપ્રિલ માસનો રીકવરી રેટ કે જે ૬૧.૯૬ ટકા હતો, તે મે માસમા વધીને ૧૬૧.૭૦ ટકા જેટલો રહેવા પામ્યો હતો. એપ્રિલ માસના અંતે જિલ્લામા ૧૨૫ એક્ટીવ કેસો નોંધાયા હતા, જેની સામે મે માસના અંતે માત્ર ૧૫ કેસો જ રહેવા પામ્યા હતા.
જિલ્લામા નોંધાયેલા મૃત્યુ દરની વાત કરીએ તો મે માસ દરમિયાન જિલ્લામા કુલ ૧૮ મૃત્યુ નોંધાતા અહીનો મૃત્યુ દર ૫.૯૦ ટકા હતો, જયારે મે માસ દરમિયાન જિલ્લામા ૮ મૃત્યુ નોંધાતા માસાંતે અહી ૪.૨૫ ટકા મૃત્યુ દર રહેવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા એપ્રિલ માસ અગાઉ ૨ મૃત્યુ, એપ્રિલમા ૧૮, અને મે માસમા ૮ મૃત્યુ નોંધાતા અહી કુલ ૨૮ મૃત્યુ નોંધાયા છે.
મે માસના અંતે એટલે કે તા.૩૧/૫/૨૦૨૧ સુધી જિલ્લામા આરોગ્ય વિભાગ દ્વારા ૨૧૧૩ હેલ્થ કેર વર્કર્સના (૮૫ ટકા) વિક્સીનેસનની કામગીરી પૂર્ણ કરવામા આવી છે. તો ૪૯૬૨ ફ્રન્ટલાઈન વર્કર (૯૯ ટકા), અને ૪૫ વર્ષની ઉપરના ૨૮૭૦૧ (૪૯ ટકા) મળી કુલ ૩૫,૭૭૬ લોકોને વેક્સીન આપી દેવામા આવી છે.
કોરોના સામે અમોધ શસ્ત્ર એવા વેક્સીનેસન માટે જિલ્લામા અસરકારક રીતે 'વેકસીનેસન ડ્રાઈવ' હાથ ધરવામા આવી છે. જેમા જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, કાર્યકરો વિગેરેનો સહયોગ મેળવી પ્રજાજનોને સુરક્ષિત કરવાના લક્ષ નિર્ધાર સાથે કામગીરી હાથ ધરવામા આવી છે. એમ, પણ કલેકટર શ્રી પંડયાએ વધુમા જણાવ્યુ છે.
ડાંગ જિલ્લાને 'કોરોના મુક્ત' બનાવવાના આ કાર્યમા રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા કે જેમના શિરે ડાંગ જિલ્લાની કોરોના વિષયક વિશેષ જવાબદારી છે તેમનુ સમયોચિત માર્ગદર્શન મળવા સાથે, જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરનુ પણ અમુલ્ય માર્ગદર્શન સાંપડી રહ્યું છે તેમ કલેકટરશ્રીએ વધુમા ઉમેર્યુ છે.
કલેકટર શ્રી ભાવિન પંડયાએ ડાંગ જિલ્લાના ગ્રામીણજનોને બિનજરૂરી અવરજવર ટાળી, સ્વયંશિસ્ત કેળવવાની અપીલ કરી છે. સાથે ફેસમાસ્કનો નિયમિત ઉપયોગ, અને વારંવાર હાથ ધોવા જેવી બાબતોએ ખુબ જ જાગૃતિ દાખવવાની પણ તેમને અપીલ કરી છે. પ્રજાજનોના હકારાત્મક સહયોગ સાથે આગામી દિવસોમા ડાંગ જિલ્લામાથી કોરોનાને દેશવટો આપી શકાશે, તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment