News
ધારાસભ્ય કનુ દેસાઈ અને નગરપાલિકા પ્રમુખે દોઢેક વર્ષ અગાઉ વાપીના ચલા ખાતે 4 કોલ્ડ સ્ટોરેજનું ઉદ્ધાટન કર્યું હતું. યોગ્ય આયોજન ના કરતા હાલમાં 4 માંથી 3 કોલ્ડ સ્ટોરેજ બગડી ગયા
વલસાડ જિલ્લાના વાપીમાં ઔદ્યોગિક વસાહત ઉપરાંત સતત વિકસતું શહેર છે .તો , દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ આવક આપતું રેલવે સ્ટેશન છે . વાપીમાં અનેક વખતે રેલવેમાં કપાયેલ તેમજ અન્ય કુદરતી મોતને ભેટેલા અજાણ્યા મૃતદેહોને નિયમ મુજબ 3 દિવસ કોલ્ડ સ્ટોરેજમાં રાખવા ફરજીયાત હોય એ મામલે ધારાસભ્ય કનુ દેસાઈ અને નગરપાલિકા પ્રમુખે દોઢેક વર્ષ અગાઉ વાપીના ચલા ખાતે 4 કોલ્ડ સ્ટોરેજનું ઉદ્ધાટન કર્યું હતું . જો કે તે બાદ તેનો રખરખાવ કોણ કરશે તે અંગે યોગ્ય આયોજન ના કરતા હાલમાં 4 માંથી 3 કોલ્ડ સ્ટોરેજ બગડી ગયા છે . જેને કારણે મૃતદેહોને વલસાડ લઈ જવાની ફરજ પડી રહી છે .
આ અંગે વાપીમાં બિનવારસી મૃતદેહોને લઈ જતી સેવાકીય સંસ્થા જમીયતે ઉલેમાએ ટ્રસ્ટ વાપીના પ્રમુખ ઇત્તેખાબ ખાને રોષ ઠાલવતા જણાવ્યું હતું કે , 5 દિવસથી સતત અજાણી લાશ આવી રહી છે .
જેમાં 5 રેલવેમાં કપાયેલ મૃતદેહો તેમજ 2 ભીખારીઓના મૃતદેહોને લઈને ચલા PHC પર કોલ્ડ સ્ટોરેજમાં રાખવા આવ્યા છીએ પરંતુ અહીં કોલ્ડ સ્ટોરેજ ખરાબ છે એટલે મૃતદેહોને વલસાડ લઈ જવાની ફરજ પડી છે .
આ કોલ્ડસ્ટોરેજ દોઢેક વર્ષ પહેલાં જ રોગી કલ્યાણ સમિતિના મુખ્ય કહેવાતા સ્થાનિક ધારાસભ્ય કનુ દેસાઈ , નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ , હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ અરવિંદ શર્મા સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં ઉભું કરવામાં આવ્યું હતું .
હાલમાં તે બગડી જતા તે અંગે નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે , અમારી જવાબદારી સુવિધા પૂરી પાડવાની હતી . તેનું મેઇન્ટેનન્સ અને અન્ય જવાબદારી અમારી નથી , આરોગ્ય વિભાગના અધિકારી ડૉ . અનિલ પટેલ સાથે વાત કરતા આ જવાબદારી તેમના વિભાગમાં આવતી ના હોવાનું જણાવ્યું હતું .
જ્યારે RMO ડૉ . નીતિન પટેલે જણાવ્યું હતું કે કોલ્ડસ્ટોરેજ ના લોક ખરાબ થઈ ગયા છે . જે અંગે બ્લ્યુ સ્ટાર કંપનીમાં જાણ કરતા તેમની વિઝીટ ફી જ 7500 રૂપિયા હોય અને તેનું કોઈ કોટેશન નહિ મળતા તે રકમ કોણ ચૂકવશે તે અવઢવ ઉભી થઇ છે . જ્યારે ધારાસભ્ય કનુ દેસાઈનો કોન્ટેકટ કરતા રાબેતા મુજબ તેમણે ફોન પર વાત કરવાની તસ્દી લીધી નહોતી .
ઉલ્લેખનીય છે કે ચલા ખાતેના PHC સેન્ટરમાં નગરપાલિકાએ કોલ્ડસ્ટોરેજ રૂમ ફાળવ્યા છે . પરંતુ તેના રખરખાવનો ખર્ચ કોણ ઉઠાવશે તે અંગે કોઈ ચોખવટ કરી નહોતી એટલે હવે દોઢ વર્ષે સ્ટોરેજ રૂમ બગડતા મૃતદેહોને વલસાડ લઈ જવા પડી રહ્યા છે . આ અંગે અનેક સંસ્થાઓ છે જે આ ખર્ચ હોંશેહોંશે ઉપાડી શકે તેમ છે . પરંતુ વહીવટી તંત્રની ઉદાસીનતા અને ઇગોઇઝમના કારણે એ શક્ય બન્યું નથી . જેમાં મૃત્યુ પામનાર અજાણી લાશો કોહવાઈ રહી છે . અને સેવાભાવી સંસ્થાના સભ્યો હેરાન પરેશાન થઈ રહ્યા છે .
Previous article
Next article
Leave Comments
Post a Comment