News
અનાથ બાળકોની સંભાળ માટે પાલક માતા-પિતા યોજના
માહિતી બ્યુરો વલસાડ તા.૦૩: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની અનાથ બાળકોની સંભાળ માટે પાલક માતા - પિતા યોજના અમલમાં છે.
આ સહાય બાળકની ઉંમર ૧૮ વર્ષની થાય ત્યાં સુધી પ્રતિ બાળક દીઠ ત્રણ હજાર રૂપિયાની માસિક નાણાકીય સહાય ડી.બી.ટી.થી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ૦ થી ૧૮ વર્ષની ઉંમરના અનાથ નિરાધાર બાળકો, ૭ થી ૧૮ વર્ષની ઉંમરના એક વાલીવાળા બાળકો અથવા જેના પિતા મૃત્યુ પામેલા હોય અને માતાએ પુનઃલગ્ન કરેલા હોય તેવા બાળકો મેળવી શકે છે. આ માટે શહેરી વિસ્તાર માટે રૂ.૩૬ હજારથી વધુ અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૨૭ હજારથી વધુ આવક હોવી જરૂરી છે.
ઉપરોક્ત પાત્રતા ધરાવનારે બાળકનો જન્મનો દાખલો/ એલ.સી.ની નકલ અને આધારકાર્ડની નકલ, બાળકના માતા-પિતાના મરણના દાખલા અથવા માતાએ પુનઃલગ્ન કરેલા હોય તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર, આંગણવાડીમાં જતા બાળકનું પ્રોગ્રામ ઓફિસરનું અને શાળાએ જતાં બાળકનું શાળાના આચાર્યનું પ્રમાણપત્ર, બાળક અને પાલક વાલીનું સંયુકત બેંક ખાતું, પાલક માતા - પિતાના આધારકાર્ડ, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડની ઝેરોક્ષ નકલ, તલાટી કમ મંત્રી અથવા મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો આવકનો દાખલો, બાળકના પાલક માતા-પિતા સાથેનો સંયુકત ફોટો અને બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, તલાટી અથવા સરપંચનું પાલક માતા-પિતા સાથે સંબંધ દર્શાવતું પ્રમાણપત્ર અરજી પત્રક સાથે સામેલ કરવાના રહેશે. આ યોજનાનો લાભ જો લાભાર્થી અભ્યાસ છોડી દે, તેના ૧૮ વર્ષ પૂર્ણ થાય અથવા આકસ્મિક અવસાન થાય તો મળવાપાત્ર નથી.આ યોજનાનું અરજીપત્રક મેળવવા તેમજ વધુ જાણકારી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન-૨, ત્રીજો માળ, તિથલ રોડ, વલસાડનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૬૩૨-૨૪૪૬૬૩ કે વેબસાઇટ ઉપર સંપર્ક સાધવા વલસાડ જિલ્લા બાળ સુરક્ષા એકમના બાળ સુરક્ષા અધિકારી દ્વારા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment