News
હનમતમાળ ખાતે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે પ૦ જેટલા આદિજાતિના ખેડૂતોને આંબા કલમોનું વિતરણ કરાયું
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૦૮: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના હનમતમાળ ખાતે પ૦ જેટલા આદિજાતિ ખેડૂતોને વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે વનબંધુ કલ્યાણ યોજનાના હેઠળ આંબા કલમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સહાય અને તાલીમ મેળવી અંતરિયાળ વિસ્તારમાં રોજગારલક્ષી વિવિધ કામો કરી આજે પોતાના કુટુંબનું ભરણપોષણ કરી રહયા છે. દરેક વ્યક્તિને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે દરેક જિલ્લામાં સાયન્સ કોલેજ શરૂ કરવામાં આવી છે. આદિજાતિઓ માટે અનામત રાખેલી એમ.બી.બી.એસ.ની તમામ બેઠકો આજે ભરાય જાય છે. તેમને રહેવા માટે પ્રાથમિક સુવિધાયુક્ત સમરસ હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે. માતૃભૂમિની રક્ષા કરવા માટે સૈનિકની તાલીમ આપવા માટેની ત્રણ શાળાઓ શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારી માટે રક્ષણ મેળવવા કોવિડ-૧૯ના રસીકરણ કાર્યક્રમમાં રસી મૂકાવી લેવા અનુરોધ કર્યો હતો. વૃક્ષો આપણને શુદ્ધ હવા અને ઓક્સિજન આપે છે, છાંયડો આપે છે ત્યારે દરેક વ્યક્તિઓ પોતાની પડતર જમીનમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરી તે મોટા થાય ત્યાં સુધી ઉછેર કરે તે જરૂરી છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શિક્ષણ, ખેડૂતો, પશુપાલકો સહિત અનેક ક્ષેત્રોની યોજનાઓ અમલી છે, જરૂરિયાતમંદ ખેડૂતોને નિઃશુલ્ક બિયારણ આપવામાં આવે છે, જેનો લાભ લેવા અને અન્યને પણ તેઓ લાભ અપાવવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગામેગામ પાકા રસ્તાનું નિર્માણ કરી પ્રજાજનોને આવનજાવન માટે સુવિધા ઉપલબ્ધ બનાવી છે. બાકી રહેલા રસ્તાઓના નવીનીકરણ માટેનું રાજ્ય સરકાર દ્વારા સુચારુ આયોજન કરાયું છે. કોરોના મહામારીમાં જે બાળકોના માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તેમને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ માસિક ચાર હજાર રૂપિયાની સહાય સીધી લાભાર્થીના ખાતામાં ડી.બી.ટી.થી જમા કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ અવસરે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા અનેક વર્ષોથી આદિજાતિ ઉત્કર્ષ માટે અને તેમની આવક વધે તે હેતુસર વિવિધ યોજનાઓની અમલવારી કરી રહી છે. આ યોજનાઓનો લાભ લઇ પગભર બનવા જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રયોજના વહીવટદાર બી.કે.વસાવાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા અને ફળાઉ રોપા વિતરણ યોજના અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ભરતભાઇ પટલે કરી હતી. આ અવસરે હનમતમાળ ગામના સરપંચ મંજુલાબેન ગાંવિત, તાલુકા વિકાસ અધિકારી, હનમતમાળ સરપંચ ધાકલભાઇ, આવધા સરપંચ રણજીતભાઇ કુંવર, તાલુકા પંચાયત સભ્ય રમણભાઇ, અગ્રણી રામદાસભાઈ વરઠા, ઝીણાભાઇ પવાર, તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યો, સહિત ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment