ઉમરગામ તાલુકા ત્રણ ગામોમાં રૂા.૪પ લાખના ખર્ચે નવનિર્મિત પાંચ આંગણવાડી કેન્‍દ્રો-નંદઘરનાં લોકાર્પણ કરતા આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તા.૦૯: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભાઠી કરમબેલી-હુમરણ, તુંબ-પટેલપાડા, વંકાસ-ડાવરપાડા, વંકાસ-ગુંડેરપાડા અને વંકાસ- ભીમરાપાડા મળી કુલ રૂા. ૪પ લાખના ખર્ચે નવનિર્મિત પાંચ આંગણવાડી કેન્‍દ્રો-નંદઘરના મકાનોનાં લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્‍તે આજરોજ કરવામાં આવ્‍યાં હતાં. 
 આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે આંગણવાડી કાર્યકરો સાથે આંગણવાડીની સુવિધાઓ અંગે તેમજ ગ્રામજનો સાથે પીવાના પાણી, પ્રાથમિક શાળા, રસ્‍તા, આવાસો સહિતના પ્રશ્નો સાંભળી તેના વેળાસર નિરાકરણ માટેની હૈયાધરપત આપી હતી. આંગણવાડીના બાળકો, ધાત્રી અને સગર્ભા માતા તેમજ કિશોરીઓને મળવાપાત્ર પોષણયુક્‍ત આહાર નિયમિતપણે મળે તેની તકેદારી રાખવા જણાવ્‍યું હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ઉમરગામ તાલુકામાં દરેક આંગણવાડીના મકાનો પાકા અને સુવિધાયુક્‍ત બનાવવાનું સુચારુ આયોજન કરાયું છે.
 કોરોના મહામારીમાં જે બાળકોના માતા-પિતા મૃત્‍યુ પામ્‍યા હોય તેવા અનાથ થયેલા બાળકોને ‘‘મુખ્‍યમંત્રી બાળ સેવા યોજના'' હેઠળ માસિક ચાર હજાર રૂપિયાની સહાય સીધી લાભાર્થીના ખાતામાં ડી.બી.ટી.થી જમા કરવામાં આવી રહી છે, જેથી સંબંધિત ગામોના સરપંચ અને પદાધિકારીઓએ આવા બાળકોને તેનો લાભ અપાવવામાં મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો. વિકાસકાર્યોની જાણકારી આપતાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, આજે રૂા.૪પ લાખના ખર્ચે લોકાર્પણ કરાયેલા પાંચ નંદઘર અને રૂા.૮ લાખના ખર્ચે એક નંદઘરનું કામ પ્રગતિમાં છે. આ ઉપરાંત વંકાસ ખાતે રૂા.૬૦ લાખના ખર્ચે કોમ્‍યુનીટિ હોલનું કામ પૂર્ણ કરાયું છે તેમજ તુંબ ખાતે રૂા.પ૦ લાખના ખર્ચે કોમ્‍યુનીટિ હોલનું કામ પ્રગતિમાં છે, જ્‍યારે તુંબ ખાતે રૂા.૩૦ લાખના ખર્ચે હાટ બજાર અને સંજાણ ખાતે ટાઉન હોલનું કામ પૂર્ણ થયું છે જ્‍યારે સંજાણમાં રૂા.૧૮ લાખના ખર્ચે નવા બનનારા ટ્રેનિંગ સેન્‍ટર પણ ટૂંકમાં બનાવવામાં આવશે. 
સારું અને સુવિધાયુક્‍ત ગામ બને અને ગામનો સર્વાંગી વિકાસ થાય તે માટે દરેક સરપંચોને મળતી ગ્રાન્‍ટનો આયોજનબધ્‍ધ રીતે ઉપયોગ કરવા જણાવ્‍યું હતું. 
  આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ ધાંગડા, તાલુકા વિકાસ અધિકારી મહેન્‍દ્રભાઇ, સંગઠન પ્રમુખ દિલીપભાઇ ભંડારી, અગ્રણી રામદાસભાઈ વરઠા, તાલુકા અને જિલ્લા પંચાયત સભ્‍યો, સંબંધિત ગામોના સરપંચ સહિત ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહયા હતા.

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close