News
કપરાડા તાલુકાના મનાલા ક્લસ્ટર દ્વારા પ્રકાશિત કરાતું શૈક્ષણિક ઈ-મેગેઝીન એટલે શિક્ષણસ્કોપ શિક્ષણસ્કોપ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસાર માટેનો સરાહનીય પ્રયાસ
સંકલનઃ મહેશ પટેલ :- વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મનાલા ક્લસ્ટર દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસાર માટે શિક્ષણસ્કોપ નામે ઇ-મેગેઝિન પ્રકાશિત કરવામાં આવી રહયું છે. આ ઇ-મેગેઝીનનો ઉદ્દેશ શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધા૨વા, શિક્ષણમાં આવેલા પરિવર્તન અને નવિન પ્રયાસોથી સૌને વાકેફ કરવા, શાળાઓમાં થતી ઉત્કૃષ્ટ કામગીરીને પ્રોત્સાહિત કરવા, શિક્ષણમાં નવતર પ્રયોગો ક૨નારા સારસ્વત મિત્રોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાં માટેનો છે. જેમાં પ્રેરણાદાયી લેખો, શિક્ષણમાં ઉપયોગી સ્વ-રચનાઓ, શૈક્ષણિક નવાચાર, શાળાઓમાં થયેલ વૈવિધ્ય પ્રવૃત્તિઓનો સમાવેશ આ ઇ-મેગેઝિનમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટચેબલ કયુ.આર. કોડની મદદથી આપ ટચ દ્વારા કે બારકોડ સ્કેનર દ્વારા સ્કેન કરીને પણ યોગ્ય વિષયવસ્તુ માણી શકાશે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મનાલા ક્લસ્ટર દ્વારા પ્રકાશિત શિક્ષણસ્કોપ ત્રિ-માસિક ઈ- મેગેઝિનની વિશેષતા જણાવતાં મનાલા સી.આર.સી. સંજયભાઈ બી. મકવાણા જણાવે છે કે, ગત વર્ષથી ત્રિમાસિક મેગેઝીનની શરૂઆત કરી હતી અને તાજેતરમાં ચોથો અંક પ્રકાશિત કરાયો છે. આ મેગેઝીન સંપૂર્ણ ડીજીટલ છે, જેને ક્યુ.આર. કોડથી સજ્જ કરી ટચેબલ પેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મેગેઝીનમાં શિક્ષણ ઉપયોગી અદ્યતન લેખનો સમાવેશ કરી વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરાયો છે. તમને કદાચ વાંચવાની ઈચ્છા ન હોય તો દરેક લેખમાં ક્યુ.આર. કોડ અને ટચ દ્વારા ઓડિયો પણ સાંભળી સમયનો સદુપયોગ કરી શકો છો. આ મેગેઝીનને મોબાઈલમાં અને પીડીએફની હાર્ડકોપી કાઢીને પણ વાંચી શકાય છે.
મનાલા ક્લસ્ટરનાં કર્મયોગી શિક્ષક મિત્રોનાં સહયોગ અને અથાગ પ્રયત્નો દ્વારા શિક્ષણસ્કોપ ઇ-મેગેઝિન શરૂ થયાને એક વર્ષ પૂર્ણ થયું છે. જેમાં વાચકોનો પ્રતિસાદ સારો મળી રહયો છે. સપ્ટેમ્બર માસનાં અંકમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટ૨ ફોર સ્કૂલનાં પ્રોજેક્ટ કો.ઓ.પ્રકાશભાઈ ભટ્ટીનો શુભેચ્છા સંદેશ, જ્યોતિબા ફુલેનું જીવન ચરિત્ર, સાચા અર્થમાં શિક્ષણ વિષયક લેખ, ભારત મારો દેશ કાવ્ય રચના, ભારતના રાજવંશ વિષયક લેખ જેવી ઉપયોગી માહિતીના વાંચનથી આપના જ્ઞાનમાં ચોક્કસ વધારો થશે. આ મેગેઝીન તૈયાર કરવામાં ખડકવાળ પ્રા.શાળાના હેડ ટીચર દિલીપભાઇ બી. પટેલ તેમજ ઉપશિક્ષિકા ભાવનાબેન જી. પટેલ અને પ્રગતિબેન જી. ટંડેલ, જામગભાણ પ્રા.શાળાના ઉપશિક્ષક રાજેશભાઇ એસ.પટેલ, બીલોનીયા પ્રા.શાળાના ઉપશિક્ષક દિલીપભાઇ એમ.પટેલ અને સુનિલભાઇ જી.પટેલ, કે.જી.બી.વી. ખડકવાળના વોર્ડન કમ હેડ ટીચર અમિતાબેન એ.પટેલ તેમજ ખડકવાળ-સુંદર ફળિયા પ્રા.શાળાના ઉપશિક્ષક સોનજીભાઇ એસ.ભોયેનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ મેગેઝીન https://drive.google.com/drive/folders/1847i9o5-h_n75NV26qXG9-x6vB_Fc6Ka ઉપર કલીક કરી વિનામૂલ્યે વાંચી શકાશે, એટલું જ નહીં https://online.pubhtml5.com/fxav/qtjf/#p=1 લીંક ઉપર ફલીપ સ્વરૂપે પણ જોઇ શકાશે.
આ મેગેઝીનને વધુ લોકોપયોગી બનાવી શકાય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ મળે તે હેતુસર આપના પ્રતિભાવ અને સૂચનો https://forms.gle/2tC5bZ61Rt83tdXw9 લીંક ઉપર મોકલી આપવા શિક્ષણસ્કોપ ઇ-મેગેઝીન સંપાદક મંડળ, સી.આર.સી. મનાલા, તા.કપરાડા દ્વારા અનુરોધ કરાયો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment