News
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીના રાજીનામા પછી સોશિયલ મીડિયા પર લોકો જાતજાતના રિએક્શન આપી રહ્યા છે.સોશિયલ મીડિયા પર વિવિધ જોક્સ અને મીમ ફરતાં થયા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીના રાજીનામા પછી સોશિયલ મીડિયા પર લોકો જાતજાતના રિએક્શન આપી રહ્યા છે. વિજય રૃપાણી સત્તા પર હતા એ દરમિયાન તેમનું હિન્દી, સરકારી કામ વિશે પોતાને જાણ નથી એવા જવાબો, પાટીલને પૂછો એવા જવાબો વગેરે કોમેડીના વિષયો બનતાં રહેતા હતા. હવે રૃપાણીના રાજીનામા પછી સોશિયલ મીડિયા પર વિવિધ જોક્સ અને મીમ ફરતાં થયા છે.
એક ઈમેજમાં નીતિન પટેલ કોઈની બાઈક પાછળ જઈ રહ્યા છે. સાથે લખ્યું છે ‘જલ્દી હેંડ માર દીયોર, છેલ્લી વખતે તો છેતરી જ્યા તા.’ ઉત્તર ગુજરાતની બોલીમાં લખાયેલું આ વાક્ય 2016ની ઘટના યાદ અપાવે છે. કેમ કે આનંદી બહેનની વિદાય પછી નીતિન પટેલ ફાઈનલ હતા અને તેમણે પેંડા પણ વહેંચાવી દીધા હતા. પણ એ પછી અચાનક વિજય રૃપાણીનું નામ જાહેર થતા નીતિન પટેલ છેતરાઈ ગયા હોય એવો ઘાટ સર્જાયો હતો. એટલે સાથે સાથે બીજી કોમેડી પણ નીતિન પટેલના નામે ફરી રહી છે, જેમાં લખ્યું છે : કોઈ પેંડા વેચવાની ઉતાવળ ન કરતા, લિ. નીતિનભાઈ પટેલ. કેમ કે પેંડા વહેંચાઈ જાય પછી ખબર પડે કે પોતાને બદલે બીજા કોઈને મુખ્યમંત્રી બનવાનું છે, તો વળી બીજી વખત છેતરાયા એવુ સાબિત થાય.
બે દિવસ પહેલા અમિત શાહના પુત્ર અને બીસીસી આઈના સેક્રેટરી જય શાહે અંગ્રેજી સંદેશો વાંચી સંભળાવ્યો હતો. એ પછી જય શાહના અંગ્રેજીની ભારે ટીકા થઈ રહી છે. એટલે જય શાહની ઈમેજ સાથે એક મિમ્સ ફરે છે, જેમાં લખ્યું છે – ‘જ્યાદા મજાક મત ઉડાઓ વરના પાપા કો બોલ કે ગુજરાત કા સીએમ બન જાઉંગા.’ જય શાહને તેમના પિતાની વગને કારણે જ બીસીસીઆઈના સેક્રેટરી બનાવાયા હોવાની ચર્ચા પણ એ સમયે બહુ થઈ હતી.
જીતુ વાઘાણી ભાજપના પ્રમુખ હતા ત્યારે ઘણી ગરબડો થઈ હતી. એક કાર્યક્રમમાં તેમણે ડ્રમ વગાડ્યું હતું. હવે પાટીદાર મુખ્યમંત્રીની વાત છે, ત્યારે તેમનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. ડ્રમ વગાડતા તેઓ કહે છે ‘હાલોપ.. રવિવારે ગાંધીનગરમાં પ્રોગ્રામ સે…’
વિજય રૃપાણીના કાર્યકાળમાં ઘણી વખત તેઓ હિન્દી બોલવા જતાં ગરબડ કરી દેતા હતા. લોકોને તેમાંથી મનોરંજન મળતું હતું. એટલે લોકોએ લખ્યું – હાસ્ય રસિકોમાં નિરાશા વ્યાપી ગઈ, નિર્દોષ મનોરંજનનો એક યુગ સમાપ્ત.
વિવિધ નામો મુખ્યમંત્રી તરીકે ઉછળી રહ્યા છે, એમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસનું નામ પણ ઉછળ્યું છે. એટલે બાઈક પર બેસીને ફડનવિસ ગુજરાત આવતા હોય એવા મિમ્સ પણ ફરી રહ્યા છે.
ભાજપે કર્ણાટક, ઉત્તરાખંડ એમ વિવિધ રાજ્યોમાં મુખ્યમંત્રીઓને બદલાવી નાખ્યા છે. એટલે હવે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહનો પણ નંબર લાગી શકે છે. શિવરાજસિંહના મોઢામાં હેરા ફેરી ફિલ્મનો ડાઈલોગ મુકાયો છે – મેરેકો તો ઐસે ધક ધક હો રેલા હૈ… – તો વળી બીજા એક મિમ્મમાં ભાજપના અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ ચૂપચાપ ગુજરાતની ઘટના પર નજર રાખીને બેઠા છે.
નરેન્દ્ર મોદી સરપ્રાઈઝ નામ જાહેર કરવા માટે જાણીતા છે. તો વળી અમિત શાહ અશક્ય લાગતા રાજકીય ગોલ પુરા કરવા માટે જાણીતા છે. એટલે અમિત શાહના નામે પણ એક મિમ્સ ફરે છે – તમે બધા નામ નક્કી કરો….પછી સરપ્રાઈઝ આપું….! – બીજી તરફ લોકોએ લખ્યું છે – ભાજપ હાઈ કમાન્ડનું રૂપાણીને મિચ્છામી દુક્કડમ.
Previous article
Next article
Leave Comments
Post a Comment