News
આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં રૂા. ૩૪૩ કરોડના ખર્ચે સાકાર થયેલા ૧૧ જનસુખાકારીના કાર્યો નગરજનોને સમર્પિત કરાયા
માહિતી બ્યુરોઃ વલસાડતા.૧૧: વલસાડ જિલ્લાના ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૪મા નાણાપંચ યોજના અને વિકેન્દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત રૂા. ૩૪૩.પ૭ લાખના ખર્ચે સાકાર થયેલા ૧૧ જન સુખાકારીના વિકાસ કાર્યોને વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્તે જનસમર્પિત કરાયા હતા.
નગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ-ધરમપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, આ સરકારે પ્રજાને આપેલા વચન પાળ્યા છે, જેના થકી સરકાર ઉપર પ્રજાનો વિશ્વાસ વધતાં સફળતાપૂર્વક ચાલી રહી છે. સમગ્ર ગુજરાતમાં આઠ નગરપાલિકાઓમાં ખુબજ સારી પ્રગતિ થઈ છે, ૧૬૫ નગરપાલિકા ઓમાં પણ અનેક વિકાસના કર્યો થયા છે. આ સરકારે સુવ્યવસ્થિત આયોજન કરી રાજ્યનો સર્વાંગી અને સમતોલ વિકાસ કર્યો છે, જેના થકી ગામડામાંથી સ્થળાંતર થતું અટક્યું છે.
આવનારા દિવસમાં ૪૨ કરોડના બીજા કામો થનારા છે, જેનું પ્લાનિંગ પણ થઈ ગયું છે. નગરમાં રસ્તા ગુણવત્તાયુક્ત બને, શુદ્ધ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલીઓ નિવારવા પૂરતું આયોજન કરાયું છે, ત્યારે અહીંના પદાધિકારીઓ અને અધિકારીઓ દેખરેખ રાખી ગુણવત્તાયુક્ત કામગીરી થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સરકારનું નહીં આપણું જ કામ છે તેવો ભાવ રાખી આપના વિસ્તારોમાં થઈ રહેલા વિકાસકાર્યોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. વનબંધુ કલ્યાણ યોજના ફેઝ ૨માં પાંચ વર્ષ માટે રૂ.એક લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે પૈકી આ વર્ષે ૨૦ હજાર કરોડના વિકાસ કાર્યો સુચારુ આયોજન કરી જરૂરી વિકાસકાર્યો કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. પ્રગતિશીલ નગરપાલિકા બને તે માટે ચોમેર દ્રષ્ટિકોણ રાખી આવકનાસ્ત્રોત ઊભા કરવા જણાવ્યું હતું. આપણને નિર્ણાયક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મળ્યા છે ત્યારે સૌ પદાધિકારીઓ અને અધિકારીઓ સક્રિય થઈને સૌ કાર્ય કરે અને રાજ્યના વિકાસની રફતાર વધારવામાં મદદરૂપ બને તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
આ અવસરે સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન નગરપાલિકા ઓને સધ્ધર બનાવવાની શરૂઆત કરી હતી. કેન્દ્ર સરકારે દેશના સર્વાંગી વિકાસ માટે અનેક કામો કર્યા છે. કોરોના મહામારીમાં જરૂરિયાતમંદોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડયું છે. ઓક્સિજનની જરૂરિયાત પુરી કરવા ધારાસભ્ય અને સંસદસભ્યની ગ્રાન્ટ ફાળવી પ્લાન્ટ નાખવામાં આવ્યા છે.
આ અવસરે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિકાસકાર્યો બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, નગરના વિકાસ માટે રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ગ્રાન્ટની ફાળવણી કરે છે, જેના થકી અહીંનો વિકાસ ઝડપી બન્યો છે.
વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા અને ટાઉન પ્લાનિંગ કમિટી અધ્યક્ષ પ્રણવભાઈ શિંદેએ પ્રાસંગિક ઉદબોધન કર્યાં હતાં.આજે જનસમર્પિત કરાયેલા વિકાસ કાર્યોમાં તરણકુંડ રૂા. ૧૬૪.૪૪ લાખ, નિલકંઠેશ્વર સત્સંગ હોલ રૂા.૩૬.૩૮ લાખ, મનહરઘાટ (રીવરફ્રન્ટ) ગાર્ડન બનાવવાનું કામ રૂા.૨૩.૧૬ લાખ, બેડમિન્ટન કોટ ૨૧.૭૧ લાખ, આર્ચ દવાખાના પાસે બોક્ષ કલવર્ટ રૂા. ૩પ.૯૯ લાખ, નગારિયા પટેલ ફળિયામાં બોક્ષ કલવર્ટ રૂા.૨૨.પ૭ લાખ, એમ્બ્યુલન્સ રૂા.૧૭.૧૭ લાખ, નગરપાલિકા હાઇસ્કૂલના ઓરડા રૂા. ૧૩.૭૦ લાખ, કાનુરબરડા બારસોલ રોડ આંગણવાડીનું કામ રૂા. પ.૦૯ લાખ, નગરપાલિકા હાઇસ્કૂલમાં પીવાના પાણીના કુલર રૂા. ૧.પ૧ લાખ તેમજ મૃતદેહ રાખવા માટે બે નંગ આઇસપેટી રૂા. ૧.૮પ લાખના કામોનો સમાવેશ થાય છે.
નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઇએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને નગરપાલિકા વિસ્તારમાં કરાયેલા વિકાસકાર્યોની જાણકારી આપી હતી.
ચીફ ઓફિસર મિલન એચ.પલસાણાએ આભારવિધિ આટોપી હતી. ધરમપુર નગરપાલિકા હાઈસ્કૂલની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા.આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઇ પટેલ, નગરપાલિકાની વિવિધ સમિતિ ચેરમેન સર્વે રક્ષાબેન જાદવ, લલીતાબેન પટેલ, ઉર્મિલાબેન ભોયા, ડેનીશાબેન ગોસ્વામી, જયદીપસિંહ સોલંકી તેમજ શકુંતલાબેન પટેલ, ધરમપુરમામલતદાર, નગરપાલિકા સભ્યો, નગરપાલિકા પરિવાર તેમજ નગરજનો હાજર રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment