News
જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી, કાદવ-કીચડમાં ચાલીને CM લોકોની સમસ્યા જાણવા પહોંચ્યા; નુકસાનીના સર્વે માટે આદેશ આપ્યો.
જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.ત્યારે મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે પોતાનો પ્રથમ પ્રવાસ જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં કર્યો હતો. મુખ્યમંત્રી આજે પોતાના કાફલા સાથે જામનગરના પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ભૂપેન્દ્ર પટેલે કોમનમેનની માફક કાદવ-કીચડમાં ચાલીને લોકોની સમસ્યા જાણવા પહોંચ્યા હતા. લોકોની વચ્ચે બેસીને લોકોને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી દ્વારા તાત્કાલીક નુકસાનીનો સર્વે કરી અસરગ્રસ્તોને નિયમ મુજબની સહાયની ચૂકવણી કરવા આદેશ આપવામા આવ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.શપથ ગ્રહણ સમયે જ જામનગર શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાયેલી હતી. શપથ ગ્રહણ પહેલાં અને શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રીએ જામનગર કલેકટર સાથે સંપર્કમાં રહી સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે વાતાવરણ ચોખ્ખું થતાં જ મુખ્યમંત્રી પોતાના પ્રથમ પ્રવાસે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમની સાથે જામનગરનાં સાંસદ પૂનમ બહેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિત ભાજપના આગેવાનો જોડાયાં હતાં.
સોમવારે આવેલા પૂરને કારણે ધુંવાવ ગામમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ગામના 50 ટકા વિસ્તારમાં પાણી ઘૂસી ગયું હોવાને કારણે લોકોની જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ બગડી હતી અથવા તો પાણીમાં તણાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવ્યા બાદ આજે સીધા જ ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીંની પૂરને કારણે થયેલા નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી.
સોમવારે ધુંવાવ ગામમાં પૂર આવ્યું હોવાને કારણે ઠેર ઠેર કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. ત્યારે ધુંવાવ ગામમાં આવેલા મુખ્યમંત્રી પગે ચાલીને જ લોકોને સાંભળવા માટે પહોંચ્યા હતા. અહીં લોકોના મુખે જ લોકોની આપવીતી સાંભળી હતી. લોકોને સાંભળ્યા બાદ મુખ્યમત્રી દ્વારા સરકાર તરફથી તમામ બનતી મદદ કરવાની ખાતરી આપવામા આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર નજીક ધુંવાવ ગામની મુલાકાત લીધા બાદ જામનગર શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત કરી હતી. શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર અને લાલપુર રોડ પરની આશીર્વાદ સોસાયટીમાં પૂરના પાણીના કારણે નુકસાન થયું હોય મુખ્યમંત્રીએ મુલાકાત કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી.
પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર સરકાર અસરગ્રસ્તોની સાથે છે.સરકાર સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બચાવવા માટે કરવામાં આવેલી ત્વરિત કામગીરી ની વિગતો આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જામનગર જિલ્લાના 447 ગામોમાં ભારે વરસાદની અસર પહોંચી છે.
સમગ્ર જિલ્લાની ટીમને કપરી કામગીરી સરળતાથી બજાવવા બદલ અભિનંદન આપી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નુક્સાનીના સર્વે માટે સ્થાનિક ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ ટીમોને બોલાવવા સૂચના આપવામાં આવી છે. હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય એ રીતે સર્વેની કામગીરી હાથ ધરવા માર્ગદર્શન આપ્યું છે.
જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી તાત્કાલિક કામગીરી હાથ ધરીને આજ સાંજ સુધીમાં 100% ગામોમાં વીજળી મળે તે રીતે કામગીરી કરવા સૂચના આપી છે.મૃત પશુ નિકાલ અને સફાઈ માટે જરૂર પડ્યે બહારની ટીમ બોલાવવા સૂચના આપવામાં આવી છે તેમજ રસ્તાઓ ખુલ્લા કરવા કામગીરી થઈ રહી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment