News
વર્ષ 2021/22નું સુધારેલ બજેટ અને વર્ષ 2022 /23 નું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું
વાપી નગરપાલિકા સભાગૃહમાં શનિવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ 2021/22નું સુધારેલ બજેટ અને વર્ષ 2022/23 નું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2022/23 માટેનું અંદાજિત 162 કરોડનું બજેટ કારોબારી ચેરમેન મિતેષ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે 34.68 કરોડની પુરાંતવાળા આ બજેટમાં 127 કરોડના ખર્ચનું આયોજન છે. સામાન્ય સભામાં પ્રમુખ કાશ્મીરા શાહે વિકાસના વિવિધ કામ અંગે પાલિકા સભ્યોને જાણકારી આપી તમામ પાયાના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી.
વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે આવનારા દિવસોમાં રીંગ રોડનું કામ પૂર્ણ કરવા જમીન સંપાદન કરવા સાથે સફાઈ કર્મીઓને કાયમી કરવા, સીટી બસ સેવાના નવા રૂટ તૈયાર કરવા અંગે વિગતો આપી હતી. તેમજ આગામી દિવસોમાં ડુંગરા ખાતે નવો ફિલ્ટ્રેશન પ્લાન્ટ સ્થાપવો, શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા નવા રૂટ તૈયાર કરશે. પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરશે. તેમજ સફાઈને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું જણાવી ગત સામાન્ય સભામાં રજૂ થયેલ કામોને સર્વાનુમત્તે બહાલી અપાઈ હતી.
વર્ષ 2022/23ના અંદાજિત બજેટ અંગે કારો બારી ચેરમેન મિતેષ દેસાઈએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં 1,62,34,86,694 રૂપિયાનું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2022-23ના અંદાજિત બજેટની બંધ સિલક 34,68,96,834 છે. જ્યારે ઉઘડતી સિલક 58,70,61,292 રૂપિયા છે. અંદાજપત્રની અંદાજિત આવક 1,03,64,25,402 છે. સામાન્ય સભામાં રજૂ કરેલા બજેટમાં આગામી દિવસોમાં શહેરમાં ઇસ્ટ વેસ્ટને જોડતા રેલવે બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજના કામ દરમ્યાન અન્ય ડાયવર્ટ રૂટ તૈયાર કરવામાં આવશે. ડુંગરા ખાતે 50 MLD નો નવો પાણીનો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.અને જે ગત ટર્મના પેન્ડિંગ કામ છે તેને વહેલી તકે પુરા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય સભામાં વિપક્ષી નેતા તરીકે ખંડું ભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. વિપક્ષી નેતા તરીકે ખંડું ભાઈએ પણ સફાઈ, સ્ટ્રીટ લાઈટ, પાણી, ગટર, ટ્રાફિક જેવી સમસ્યાઓ અંગે પ્રમુખનું ધ્યાન દોરી ગત સામાન્ય સભાના કામોને બહાલી આપી હતી. તેમજ અંદાજિત બજેટમાંથી થનારા વિકાસના કામો અંગે જરૂરી સૂચનો કરી વિકાસના કામમાં વિપક્ષનો પણ સહયોગ રહેશે તેવી ખાતરી આપી હતી. પાલિકાની સામાન્ય સભામાં કેટલાક સભ્યો ગેરહાજર રહ્યા હોય હાજર પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વોર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં પહેલી વખત રિપીટ થતા બજેટને બદલે નવી વિચારધારા સાથે વિકાસ ના કામોને ધ્યાને રાખી બજેટ રજૂ કરાયું હતું. તેમજ અન્ય કામોની બહાલી સાથે સભા પૂર્ણ કરી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment