વાપી નગરપાલિકામાં શુક્રવારે સામાન્ય સભામાં મિલકત ધારકોને મિલકત વેરા પેટે 15 ટકા સુધીના રિબેટની અને વર્ષોથી બાકી મિલકત વેરામાં દંડ પેટેની રકમ 100 ટકા માફ કરવાની જાહેરાત કરી

વાપી નગરપાલિકામાં શુક્રવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક યોજના અંતર્ગત મિલકત ધારકોને મિલકત વેરા પેટે 15 ટકા સુધીના રિબેટની અને વર્ષોથી બાકી મિલકત વેરામાં દંડ પેટેની રકમ 100 ટકા માફ કરવાની જાહેરાત કરી હતી. તો, કોરોબારી ચેરમેને પાલિકા વિસ્તારમાં અંદાજિત 5 કરોડના વિકાસના નવા કામ હાથ ધરવાની વિગતો આપી હતી.
વાપી નગરપાલિકા સભાગૃહમાં પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલની અધ્યક્ષતામાં સમાન્યસભાનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હાલ 75માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે. જેમાં વાપીના મિલ્કતધારકો જો તેમની મિલકતનો વર્ષ 2022-23નો મિલકત વેરો 31મી મેં સુધીમાં ભરશે તો તેને 10 ટકા રિબેટ મળશે. જો એ જ મિલકત વેરો E નગર વેબ પોર્ટલ પર ઓનલાઈન ભરશે તો 5 ટકા વધુ રિબેટ સાથે કુલ 15 ટકા રિબેટ નો લાભ મળશે.
જ્યારે વર્ષોથી મિલકત વેરો નહિ ભરનારા મિલ્કત ધારકો જો 31 માર્ચ સુધીમાં જૂનો તમામ વેરો ભરી દેશે તો તેમને જે પણ વિલંબિત વેરાનો દંડ છે. તે સંપૂર્ણ એટલે કે 100 ટકા દંડની રકમ માફ કરવામાં આવશે. તે વેરો ભરતી વખતે જ માફ કરી દેવામાં આવશે. તે બાદની ભરવા પાત્ર રકમ જ ભરવાની રહેશે.આ મહત્વની જાહેરાત બાદ પ્રમુખે સામાન્ય સભા પૂર્ણ જાહેર કરી હતી. 
જેમાં કારોબારી ચેરમેન મિતેષ દેસાઈએ જણાવ્યુ હતુ કે પાલિકા વિસ્તારમાં આગામી દિવસોમાં ચલા-ડુંગરાના વિવિધ માર્ગોનું વિસ્તૃતિકરણ તેમજ નવા માર્ગ નિર્માણ માટે ગ્રાન્ટની મંજૂરી મળી છે. રેલવે ઓવર બ્રિજ તૂટ્યા બાદ અને બલિઠા બ્રિજ બન્યા બાદ ટ્રાફિકના ભારણને હળવું કરવા આ આયોજન છે. તો, ચલા ડાભેલથી ગોલ્ડ કોઈન સર્કલ, વાપી કોપરલી ચાર રસ્તાથી પેપીલોન, વાપી ચાર રસ્તા ચણોદ ગુરુદ્વારાથી દાદરા ચેકપોસ્ટ સુધીના માર્ગ પર બ્યુટીફીકેશનના તેમજ તળાવના કાર્ય હાથ ધરાશે. આ તમામ વિકાસના કામો માટે અલગ અલગ ગ્રાન્ટમાંથી અંદાજિત 5 કરોડની રકમ ખર્ચ કરવામા આવશે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય સભામાં વિપક્ષ નેતા ખંડુભાઈ પટેલે રજુઆત કરી હતી કે હાલ લોકોને આકારણી માટે અનેક અગવડ પડી રહી છે. તેની બંધ કામગીરી ફરી શરૂ કરવામાં આવે જે માટે પ્રમુખ, ઉપપ્રમુખે જણાવ્યું હતું કે તે આગામી દિવસોમાં ઓનલાઈન જ કરી શકાશે એટલે હાલ પૂરતી આ સેવા બંધ છે. પરન્તુ જેવી ઓનલાઈન પ્રક્રિયાની કામગીરી પૂર્ણ થશે એટલે તે ઓનલાઈન શરૂ થઈ જશે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close