News
દમણમાં બારીયાવાડ નજીક જામપોર બીચ પર 4 સગીરા દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ પામી
દમણમાં બારીયાવાડ નજીક જામપોર બીચ પર 4 સગીરા દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ પામી હોવાની ગોઝારી ઘટના બનતા અરેરાટી મચી ગઇ છે. આ અંગે મળતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના લખનઉ નો એક પરિવાર વાપી- દમણમાં રહેતા તેમના સબંધીઓને ત્યાં આવ્યો હતો. જે તમામ ગુરુવારે દમણમાં જામપોર બીચ પર ફરવા ગયા હતાં. ત્યારે પરિવાર સાથે રહેલ 5 દીકરીઓ અને તેમનો પરિવાર દરિયામાં ન્હાવા પડ્યો હતો. જે અરસામાં અચાનક જ પાણીની ભરતી આવતા એક લખનૌની, 2 વાપીની અને 2 દમણની સગીરા પાણીમાં તણાઈ હતી.
દરિયાના પાણીમાં તણાયેલ પાંચેય સગીરાઓને બચાવવા તેમના પરિવારે તત્કાળ બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં વાપીની એક સગીરાને બચાવી લેવાઈ જતી. જ્યારે અન્ય 4 સગીરા દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જે બાદ દરિયાનું પાણી ઓસરતા ચારેય સગીરા મૃત હાલતમાં મળી આવી હતી. જેઓને એમ્બ્યુલન્સ મારફતે દમણની મરવડ હોસ્પિટલમાં PM માટે લઈ જવામાં આવી હતી.
આ ગમખ્વાર ઘટનામાં હતભાગી પરિવારે આક્રોશ ઠાલવ્યો હતો કે બીચ પર જ્યારે આ ઘટના બની ત્યારે મદદ માટે સ્થાનિકોને અનેક કાકલૂદી કરવા છતાં કોઈ મદદે આવ્યા નહોતા. બીચ પર સુરક્ષાને ધ્યાને રાખી ને પોલીસ ની પણ હાજરી નહોતી. બીચ પર વોટર બોટ ચલાવતી એજન્સીને પણ દીકરીઓને બચાવવા પરિવારે આજીજી કરી હતી. પણ તેઓ નજીકમાં હોવા છતાં પણ બોટ થી કોઈ બચાવ કામગીરી કરવા આવ્યા નહોતા. પ્રવાસન ધામ ગણાતા દમણમાં દરિયાકિનારે કોઈ જ બચાવ સુવિધા કે હેલ્પલાઇન નંબર માટે ના સાઈન બોર્ડ પણ ના હોવાનો ખેદ મૃતક દીકરીઓના પરિવારે વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે દરિયાના પાણીમાં મૃત્યુને ભેટેલ ચારેય સગીરાના નામ ફિઝા, જૈનાબ, ઝેબુ, માહીરા હતાં. જેઓની ઉંમર 11 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષ અને 20 વર્ષ હતી. એક સાથે ચાર દીકરીઓના મોત થતા પરિવારમાં આક્રંદ ફાટી નીકળ્યો હતો. તો, ઘટનાની ગંભીરતા જોતા દમણ કલેકટર, જિલ્લા પોલીસવડા, ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ પર પહોંચી પરિવારને સાંત્વના પાઠવી હતી. તેમજ ઘટના અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment