News
વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇઃ
માહિતી બ્યુરોઃ વલસાડ તા.૧૯: વલસાડ જિલ્લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રીએ સંકલન સમિતિના ભાગ- ૧ અંતર્ગત જિલ્લાના સંબધિત ધારાસભ્યોના પ્રશ્નોની જે રજૂઆતો હતી તે રજૂઆતો બાબતે સંબધિત વિભાગના અધિકારી એ કરેલ કાર્યવાહીની સમીક્ષા કરી હતી. એક થી વધુ વિભાગોને લગતા પ્રશનો હોય તો સંબધિત પરસ્પર વિભાગોના અધિકારીઓએ સંકલન કરી ત્વરિત નિકાલ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.બેઠકમાં ઉંમરગામ તાલુકાના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના દહાડ ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળાનું મકાન તથા જમીનના વેચાણ બાબતના પ્રશ્ન બાબતે પ્રાથમિક શાળા દહાડના વ્યવસ્થાપકોએ શાળાની જમીન અદલા- બદલીથી વેચી નાખવા બાબતે નાયબ કલેકટર પારડી દ્વારા શાળાના મુખ્ય શિક્ષકની વેચાણ નોંધ રદ કરવા અંગેની અરજી નામંજૂર કરવાના હુકમ સામે કલેકટરશ્રીની કોર્ટમાં અપીલ દાખલ કરવા મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા દહાડ/સોળસુંબા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉંમરગામને અધિકૃત કરવામાં આવ્યા છે. જયારે મામલતદાર ઉંમરગામ દ્વારા આ બાબતે પ્રાથમિક શાળા દહાડ અને તાલુકા વિકાસ અધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને નાયબ કલેકટર પારડીની કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. જેમાં વિવાદીની અરજી નામંજૂર કરવામાં આવી છે. જિલ્લાના ઉદ્યોગપતિઓ સાથે એસ. એચ. આર. યોજના અન્વયે ઔદ્યોગિક એકમોના સી. એસ. આર. ફંડમાંથી ૩૧ આંગણવાડી મકાન બનાવવા નક્કી કરવામાં આવ્યું હતું જે પૈકી ૧૫ આંગણવાડી બનાવવા માટે ઉદ્યોગપતિઓએ સંમતિ આપી હતી જે અંતર્ગત ૧ આંગણવાડી પૂર્ણ કરવામાં આવી છે. જયારે ૧ આંગણવાડીનું કામ પ્રગતિમાં છે એમ પ્રોગ્રામ ઓફિસર, આઇ. સી. ડી. એસ. દ્વારા જણાવાયું હતું. ઉંમરગામ તાલુકામાં સાયન્સ કોલેજના મકાન બાબતે મામલતદાર ઉંમરગામને પ્રશ્નના જવાબમાં મામલતદાર ઉંમરગામ દ્વારા જરૂરી દરખાસ્ત કરવામાં આવતાં જિલ્લા કલેકટરશ્રીએ જમીન ફાળવણી અંગેનો જરૂરી મંજૂરી હુકમ કરેલ છે. ઉંમરગામ તાલુકામાં વાસ્મો દ્વારા ૧૮ જગ્યાએ પાણીની ટાંકી અને સંપ બનાવવા માટે એફ. આર. એ. હેઠળ જંગલ જમીનની માંગણી કરવામાં આવી હતી તે પૈકી ૧૭ જગ્યાએ નાયબ વન સંરક્ષક દક્ષિણ વન વિભાગ દ્વારા જરૂરી મંજૂરી આપવામાં આવી છે. જયારે ૧ જગ્યાએ વન અધિકાર ધારો -૨૦૦૬ અંતર્ગત નિયમોનુસાર આપવાની ન થતી હોય નામંજૂર કરવામાં આવી છે.
વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલના વલસાડ તાલુકામાં ઘણાં ગામોમાં રેશનકાર્ડ હોવા છતાં અનાજ ન મળવા બાબતે મામલતદાર વલસાડ દ્વારા જણાવાયું છે કે, તાલુકામાં કુલ ૫૧૮૯૫ એન. એફ. એસ. એ. કાર્ડ તથા ૪૧૬૪૩ નોન એન. એફ. એસ. એ. કાર્ડ છે જે પૈકી એન.એફ. એસ. એ. કાર્ડઘારકોને સરકારશ્રીની યોજના મુજબ ૩ કિ. ગ્રા. ચોખા અને ૨ કિ. ગ્રા. ઘંઉ મળે છે. અંત્યોદય કાર્ડ ઘારકોને કાર્ડ દીઠ ૨૦ કિ. ગ્રા. ચોખા અને ૧૫ કિ. ગ્રા. ઘંઉ મળે છે. બીપીએલ તથા અંત્યોદય કાર્ડ ઘારકોને વ્યકિતદીઠ ૦.૩૫૦ કિ. ગ્રા. ખાંડ તથા ૧ થી ૬ વ્યકિત સુધી ૧ કિ. ગ્રા. મીઠુ અને ૭ કે તેથી વધુ વ્યકિત દીઠ ર કિ. ગ્રા. મીઠુ મળે છે. ડુંગરી- એંદરગોટા - અટગામ સ્ટેટ હાઇવેના રોડ અને કુંડી-ચીખલા- વલસાડના સ્ટેટ હાઇવેના ફોરલેનની કામગીરી બાબતે માર્ગ અને મકાન વિભાગ વલસાડ દ્વારા આ કામો માર્ચ -૨૨ પહેલા પૂર્ણ કરવામાં આવશે એમ જણાવાયું છે.
ભાગ- ૨ માં જિલ્લા કલેકટરશ્રીએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદશ્રી ડૉ. કે. સી. પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરૂવાની, નાયબ પોલીસ અધિક્ષકશ્રી મનોજ શર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી એન. એ. રાજપૂત, આસીસ્ટન્ટ કલેકટરશ્રી આકાંક્ષા, વલસાડ પ્રાંત અધિકારીશ્રી નિલેશભાઇ કુકડીયા, પારડી પ્રાંત અધિકારી આનંદુ, જિલ્લા આયોજન અધિકારીશ્રી ગામીત, ધરમપુર પ્રાંત અધિકારીશ્રી કેતુલ ઇટાલીયા, ઉત્તર અને દક્ષિણ વન વિભાગના નાયબ વનસંરક્ષકો સર્વશ્રી યુવરાજસિંહ ઝાલા,રૂપક સોલંકી અને સંબધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment