News
વલસાડ જિલ્લામાં પલ્સ પોલીયો અભિયાન અંતર્ગત ૧,૬૨,૧૦૨ ભૂલકાંઓને ટીપાં પીવડાવાશે
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૨૧: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પલ્સ પોલીયો અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષના ૧,૬૨,૧૦૨ બાળકોને પોલીયોના બે ટીપાં પીવડાવી પોલીયોમુક્ત કરવા માટેનું અભિયાન હાથ ધરાશે. જેમાં વલસાડ તાલુકાના ૨૬,૬૫૧, પારડી તાલુકાના ૧૨,૦૩૧, વાપી તાલુકાના ૪૫,૨૫૮, ઉમરગામ તાલુકાના ૨૭,૬૭૪, ધરમપુર તાલુકાના ૧૮,૯૬૮ અને કપરાડા તાલુકાના ૩૧,૫૨૦ બાળકોનો સમાવેશ થાય છે.
આ કામગીરી માટે જિલ્લામાં ૯૨૧ બુથ ઉપર ૧૮૪૨ ટીમ કાર્યરત રહેશે. એક બુથ ઉપર બે ટીમમાં ચાર કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. તા.૨૭/૨/૨૦૨૨ના રોજ બુથ ઉપર તેમજ તા.૨૮/૨/૨૦૨૨ અને તા.૧/૩/૨૦૨૨ એમ બે દિવસ ઘરે-ઘરે જઇને બાકી રહી ગયેલા બાળકોને પોલીયોના ટીપાં પીવડાવાશે. આ ઉપરાંત રેલવે સ્ટેશન, બસડેપો, મેળા, હાટ બજાર વગેરે સ્થળોએ ૪૯ ટીમો ત્રણ દિવસ કામ કરશે અને ઇંટના ભઠ્ઠા, પડાવીયા તથા એવો વિસ્તાર કે જ્યાં પગપાળા પહોંચી શકાય તેવા વિસ્તારમાં ૪૦ મોબાઇલ ટીમ દ્વારા કામગીરી કરવાનું આયોજન કરાયું છે. આ કામગીરીમાં ૧૦૦ ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે તમામ તાલુકઓમાં લાયઝન અધિકારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલે વલસાડ જિલ્લાના તમામ નાગરિકોને પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોનાં બે ટીપાં પીવડાવી રાષ્ટ્રને પોલીયોમુક્ત બનાવવાના અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment