વાપીમાં આવેલ KBS કોલેજમાં ફી વધારાના મામલે પુરી જાણકારી મેળવ્યા વિના જ માત્ર દેખાડો કરી હીરો બનવા આવેલા ABVP ના કાર્યકરો સામે કોલેજના વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો

વાપીમાં આવેલ KBS કોલેજમાં ફી વધારાના મામલે પુરી જાણકારી મેળવ્યા વિના જ માત્ર દેખાડો કરી હીરો બનવા આવેલા ABVP ના કાર્યકરો સામે કોલેજના વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો છે. આ મામલે પોલીસ તંત્ર તેમજ શિક્ષણ વિભાગ યોગ્ય તપાસ કરી કોલેજને બદનામ કરનાર ABVP ના કાર્યકરો સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
વાપીની KBS કોલેજમાં યુનિવર્સિટી લેવલની ચાલતી પરીક્ષા દરમ્યાન ABVP ના કાર્યકરોએ આવેદનપત્ર આપવાના બહાને પ્રવેશ મેળવ્યો હતો. ABVB ના કાર્યકરોએ કોલેજની ગરીમાં જાળવવાને બદલે ફી વધારા બાબતે વિદ્યાર્થીઓને ઉશ્કેરતી ભાષણ બાજી કરી હતી.  ફેકલ્ટી મેમ્બર સાથે ખરાબ વર્તન કરી પરીક્ષામાં ખલેલ પહોંચાડી હતી. ઉપરાંત તેનો વીડિઓ બનાવી સોશ્યલ મીડિયામાં સ્ટેટ્સ પર મૂકી હીરો બનેલા ABVP ના કેવિન પટેલ, કેયુર સોલંકી સહિતના કાર્યકરો સામે કોલેજને બદનામ કરવા મામલે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ભભૂકી છે.
આ મામલે વિદ્યાર્થીઓએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, 2 દિવસ પહેલા કોલેજમાં વિદ્યાર્થી ઓની પરીક્ષા ચાલી રહી હતી. તેવા સમયે ABVP ના કાર્યકર કેવિન પટેલ, કેયુર સોલંકી અને અન્ય કાર્યકરોએ કોલેજના પ્રિન્સિપાલ ને ફી વધારા મામલે આવેદનપત્ર આપવું છે તેમ કહી પ્રવેશ મેળવ્યો હતો. કોરોના કાળમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કર્યા વિના જ આ કાર્યકરોએ કોલેજમાં આવી કોલેજની શાંતિ ભંગ કરી વિદ્યાર્થીઓને એકઠા કર્યા હતાં. ABVP એ કોલેજે 10 હજાર ફી વધારી હોય કોલેજ સામે આવેદનપત્ર આપી ફી વધારો પરત ખેંચાવીશું તેવી હીરો સ્ટાઇલમાં ભાષણ બાજી કરી હતી. 
KBS કોલેજના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા કે, કોલેજમાં પરીક્ષા ચાલતી હોય, કોલેજના પ્રિન્સિ પાલ પણ હાજર ન હોય ABVP ના કાર્યકરોને વિદ્યાર્થીઓને એકઠા કરી શોરબકોર નહિ કરવા ફેકલ્ટી મેમ્બર અને વિદ્યાર્થીઓએ જણાવતા તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. અને તેનો વીડિઓ ઉતારી તે વિડીઓને શૉશ્યલ મીડિયા સ્ટેટ્સ પર રાખી કોલેજને બદનામ કરી છે. હકીકતે કોલેજે કોઈ ફી વધારી નથી. અને જે ડેવલોપમેન્ટ ફી ના નામે વધારો આવ્યો છે તે પણ કોલેજે નહિ પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ લેવલે થયો છે. જેની ગતાગમ પણ નહીં ધરાવતા ABVP ના કાર્યકરોએ માત્ર પોતાનો રૌફ જમાવવા વીડિઓ વાયરલ કરી કોલેજને બદનામ કરતું કૃત્ય કર્યું છે.
વિદ્યાર્થીઓએ રોષ ઠાલવતા જણાવ્યુ હતુ કે હકીકતે યુનિવર્સિટી દર વર્ષે પહેલા એફિલેશન ફી ના નામે વિદ્યાર્થી દીઠ 10 હજાર રૂપિયા ફી લેતી હતી. જેમાં KBS કોલેજ વિદ્યાર્થીઓ દીઠ પોતાના 5 હજાર ઉમેરતી હતી. હવે તે ફી સ્ટુડન્ટસ ડેવલોપમેન્ટ ના નામે અને 2 સેમેસ્ટર મુજબ વસુલવાનો નિર્ણય યુનિવર્સિટીએ લીધો છે. અને તે પરિપત્ર મોકલ્યા બાદ 4 ફેબ્રુઆરીએ નવો પરિપત્ર મોકલી તે નિણર્ય મુલત્વી કર્યો છે. ખરેખર તો કોલેજ દર વર્ષે 50 ટકા ફી પોતાના તરફથી જ ભરતી હતી. હવે તેમાં વધારો થયો છે એ ફી મુજબ પણ કોલેજ જ તેમની 50 ટકા ફી ભરવાની છે. એટલે કોલેજ પર બોજો વધ્યો છે. તેની ખરાઈ અને રજુઆત કોલેજના પ્રિન્સિપાલ દ્વારા સુરતમાં યુનિવર્સિટી સમક્ષ કરતા યુનિવર્સિટીએ જ એ ફી ને સ્ટુડન્ટસ ફી માં સામેલ કરવાનું જણાવ્યું છે. 
ઉલ્લેખનીય છે કે હાલમાં જ વલસાડની કુસુમ વિદ્યાલયમાં મારા આદર્શ નથુરામ ગોડસેના વકતૃત્વ સ્પર્ધામા પ્રથમ ઇનામ આપી વિવાદ થયો છે. ત્યારે વાપીમાં ABVP ના કાર્યકરોએ રોલ્લા પાડવા કોલેજના વિદ્યાર્થી સમક્ષ ઉશ્કેરણી જનક ભાષણ બાજી કરી વીડિઓ બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી કોલેજને બદનામ કરતા કોલેજમાં વિદ્યાર્થીઓએ જ ABVP ના કાર્યકરો સામે રોષ પ્રગટ કર્યો છે અને બીજી કોઈ કોલેજમાં આ પ્રકારનું કૃત્ય ના થાય તે માટે પોલીસ પ્રશાસન અને શિક્ષણ વિભાગ ને સહયોગ આપી આવા તત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close