News
નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૫૯. ૯૨ કરોડના ખર્ચે નવનિર્મિત બલીઠા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૩ ફેબ્રુઆરી
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠાથી નેશનલ હાઇવે નં.૪૮ ને જોડતા રૂ. ૫૯.૯૨ કરોડના ખર્ચે નવનિર્મિત મુંબઈ વિંગ રેલવે ઓવરબ્રિજનું નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ફાટક નં-૮૧ પર બનેલા ૯૦૦ મીટર લંબાઈ ધરાવતા બલીઠા રેલવે ઓવરબ્રિજના કારણે નેશનલ હાઇવે નં-૪૮ થી યુ.ટી. દમણ બોર્ડર (જીઆઇડીસી) તરફ અવર જવર માટે ઓછો સમય લાગશે. આ ઓવરબ્રિજ વાપી શહેર અને મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો હોવાથી આસપાસના ગામો બલીઠા, મોરાઇ, સલવાવ, આટિયાવાડ અને દમણના રહેવાસીઓને અવરજવરમાં સરળતા રહેશે. મુંબઈ અને વાપી તરફ જતા તેમજ નેશનલ હાઇવે-૪૮થી દમણ તરફ વાહનવ્યવહારમાં સરળતા રહેશે.
લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવા રેલવે ઓવરબ્રિજ માટે અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, આ ઓવરબ્રિજની કામગીરી કોરોના સમયે અટકી હતી અનેક મુશ્કેલીઓ આવી હતી પરંતુ માર્ગ અને મકાન વિભાગે અનેક પ્રયત્નો કરી આ કામગીરી પૂર્ણ કરી છે. આ ઓવરબ્રિજના કારણે અનેક લોકોને સુવિધા મળશે અને વાહન વ્યવહાર સુવ્યવસ્થિત થશે. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી ટ્રાફિકની સમસ્યાઓ ઉદભવે છે તેથી જ વાપીમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનની સુવિધા માટે મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજની વ્યસ્થા તેમજ રોડ વાઈડનિંગની દરેક કામગીરી આ વર્ષે પૂર્ણ કરવામાં આવશે. વાપીમાં વિકાસના અનેક પ્રોજેક્ટ પોર્ણતાના આરે છે તેથી અહીંના લોકોને દરેક સુવિધાઓ મળશે. વાપી મહાનગરપાલિકા માટે સરકારે વિશેષ બજેટની ફાળવણી કરી છે. સરકારની યોજનાઓથી આસપાસના વિસ્તારોનો વધુ વિકાસ થશે તેની ખાતરી આપું છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને અનેક વિકાસ કાર્યો માટે અભિનંદન આપું છુ. લોકોની સુવિધાઓ વધે તેના માટે સતત પ્રયત્નો કરી કાર્યો કરતા રહીશું.
સાંસદશ્રી ધવલભાઈ પટેલે ઓવરબ્રિજના કારણે વાહનવ્યવહારમાં સરળતા થશે એમ જણાવતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત હોય ટ્રિપલ એન્જીનની સરકારે દરેક ક્ષેત્રે સારા પરિણામો જ આપ્યા છે.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, વાપી મહાનગરપાલિકા કમિશ્નરશ્રી યોગેશ ચૌધરી, પૂર્વ સાંસદ ડૉ. કે.સી. પટેલ, કાર્યપાલક ઈજનેર જતિન પટેલ, વાપી મામલતદાર કલ્પના પટેલ, સંગઠન પ્રમુખ હેમંત કંસારા, સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment