News
વાપી પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલની અધ્યક્ષતામાં સૌ પ્રથમ વખત કોરોનાકાળના કારણે ઓનલાઇન વર્ચુયલ સભા મળી 44માંથી માત્ર 27 જેટલા સભ્યો ઓનલાઇન જોડાયા
વાપી પાલિકાની સૌ પ્રથમ ઓનલાઇન સામાન્ય સભાનો સોમવારે ફિયાસ્કો થયો હતો.44માંથી માત્ર 27 જેટલા સભ્યો ઓનલાઇન જોડાયા હતાં. જેમાંથી મોટા ભાગના સભ્યોને ચાલી રહેલી ચર્ચા અંગે કશો અવાજ સંભળાવ્યો ન હતો. જયારે કેટલાક સભ્યોએ નગર સેવકોની રજૂઆતો ધ્યાને ન લેવાતી હોવાનો બળાપો ઠાલવ્યો હતો. અવાજ ન આવતાં આખરે પાલિકા પ્રમુખે સભ્યોને ફોન કરી વાત-ચીત કરવાની ફરજ પડી હતી.
વાપી પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલની અધ્યક્ષતામાં સૌ પ્રથમ વખત કોરોનાકાળના કારણે ઓનલાઇન વર્ચુયલ સભા મળી હતી. ચીફ ઓફિસર દર્પણ ઓઝાની હાજરી વચ્ચે સભા શરૂ કરાઇ હતી. કેટલાક સભ્યો ઓનલાઇન જોડાવાની જગ્યાએ પાલિકા કચેરીમાં આવી પહોંચ્યા હતાં. જયારે અન્ય કેટલાક સભ્યો ઓનલાઇન જોડાયા હતા, પરંતુ શરૂઆતથી સભામાં ચાલી રહેલી ચર્ચાનો અવાજ જોડાયેલા સભ્યો સુધી પહોંચી રહ્યો ન હતો. હાજર સભ્યો અને ઓનલાઇન સભ્યોએ પોતાના વોર્ડમાં કામો અને પ્રશ્નો અંગેની રજૂઆતો સાંભળવામાં ન આવતી હોવાનું જણાવ્યુ હતું.
રસ્તા,ગટર, પાણી અને બંધ લાઇટોની રજૂઆત સભ્યોએ કરી હતી. જીતુભાઇ દેસાઇએ જણાવ્યુ હતું કે બે ટીપીના ઠરાવો અંગે ચર્ચા કરી હતી. જેમાં વોટર ટેબલ અને લેન્ડ ટેબલની પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યુ હતું. સીમાબેન ગાલાએએ પણ વોર્ડમાં ચાલી રહેલા કામ અંગે સૂચન કર્યુ હતું. આ સભામાં સભ્યોને અવાજ બરાબર ન સંભળાતા આખરે પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે સભ્યોને ફોન કરીને વાત-ચીત કરવાની ફરજ પડી હતી.
ડુંગરામાંથી પસાર થનાર બૂલેટ ટ્રેનનું પ્લેટફોર્મ મોટુ બનવાનું છે. જેના કારણે પાલિકાઅે અોયોજન કરેલા રસ્તામાં ફેરફાર કરવાની ફરજ પડશે. સભામાં પાલિકાના ટાઉન પ્લાનિંગ સમિતિની ભલામણ મુજબ બુલેટ ટ્રેનના કામે મંજુર વિકાસ યોજનાના 18 મીટરના ડી.પી. રોડની એલાઇમેન્ટમાં ફેરફાર બાબતે સરકારમાં દરખાસ્ત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જયારે ટીપી સમિતિની ભલામણ મુજબ નગર રચના યોજના બનાવવા માટે ટોટલ સ્ટેશન મશીનરીથી માપણી કરાવવા અંગેનો પણ ઠરાવ કરાયો હતો.
ઓનલાઇન સભામાં સભ્યોના બળાપા બાદ બાકી કામોની યાદી પ્રમુખને મોકલવા જણાવાયુ હતું. રસ્તા,ગટર સહિતના બાકી કામોની યાદી હવે પાલિકા પ્રમુખને જે-તે વોર્ડના સભ્યો આપશે. સંગઠનના નવા પ્રભારીને પણ કેટલાક સભ્યોએ બાકી કામોની યાદી આપી હતી. આ સભામાં સભ્યોના જ કામો ન થતાં હોવાનો બળાપો ઠાલવામાં આવતાં હવે બાકી કામો અંગે સભ્યો પાલિકા પ્રમુખને જાણ કરશે.
વિપક્ષના નેતા ખંડુભાઇ પટેલે જણાવ્યુ હતું કે ઓનલાઇન બેઠકમાં સભ્યોને અવાજ સંભળાતો ન હતો. એક -બે સભ્યોનો અવાજ આવતો હતો. સભ્યો જે રજૂઆત કરવાના હતા તે કરી શકયા ન હતાં. ખુદ પ્રમુખ - સીઓનો પણ અવાજ સંભળાતો ન હતો. છેલ્લી રાષ્ટ્રગીત વખતે ખબર પડી કે સભા પૂર્ણ થઇ ચુકી છે. ઓનલાઇન સભાનો ફિયાસ્કો જ થયો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment