News
પ્રજાકીય સહયોગ સાથે આયોજિત 'સ્પેશિયલ વેકસીનેસન ડ્રાઇવ' ને સફળ બનાવવાની કલેકટર શ્રી ભાવિન પંડ્યાની હિમાયત
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: ડાંગ જિલ્લાને 'કોરોના મુક્ત' કરવા સાથે પ્રજાજનોને કોરોના સામે રક્ષિત કરવા માટે ચાલી રહેલી 'સ્પેશિયલ વેકસીનેસન ડ્રાઇવ' અંગેની એક અગત્યની બેઠકને સંબોધતા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ વેકસીનેસન બાબતે માઈક્રો પ્લાન બનાવી જનપ્રતિનિધિઓની ભાગીદારી સાથે સો ટકા વેકસીનેસન થાય તેવા પ્રયાસોની હિમાયત કરી છે.
તાજેતરમા જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા કલેકટરશ્રી એ જિલ્લામા ઉપલબ્ધ વેકસીનના જથ્થાની સમીક્ષા કરી, જિલ્લામા પૂરતો જથ્થો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાની પણ સૂચના આપી હતી.
તા.૨૦ થી ૩૧ મે ૨૦૨૧ દરમિયાન જિલ્લામા દરરોજ ચાર સ્થળોએ 'વેકસીનેસન ડ્રાઇવ' યોજવામા આવી રહી છે. જેમા સ્થાનિક પદાધિકારીઓ, ગ્રામીણ કર્મચારીઓ, તથા આરોગ્યકર્મીઓના સુચારૂ સંકલન સાથે અસરકારક કામગીરી કરવાની સૂચના આપતા કલેકટરશ્રીએ, આ માટે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે એક એક PHC લાયઝન અધિકારીઓની નિમણૂક કરી, જિલ્લા કક્ષાના ઉચ્ચધિકારીઓને જે તે તાલુકાઓના નોડલ અધિકારી તરીકેની વિશેષ જવાબદારી સુપ્રત કરવામા આવી છે, તેમ જણાવ્યુ હતુ. જેમના માર્ગદર્શન હેઠળ જિલ્લામા ૪૫+ નાગરિકોના પ્રથમ, અને સેકન્ડ ડોઝ માટેની કામગીરી સત્વરે પૂર્ણ કરવાની પણ તેમણે સૂચના આપી હતી.
'વેકસીનેસન ડ્રાઇવ'મા સ્થાનિક શિક્ષકો, એન.એસ.એસ. કેડેટ્સ, સ્વામિ વિવેકાનંદ મંડળોના પ્રતિનિધિઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિઓ સહિત મામલતદાર, અને તાલુકા વિકાસ અધિકારીઓના સહયોગથી વેકસીનેસન બાબતે વ્યાપક જનજાગૃતિ હાથ ધરવાની હિમાયત કરતા કલેકટર શ્રી પંડ્યાએ, આ બાબતનો ગ્રામ્ય સ્તરે વ્યાપક પ્રચાર પ્રસાર થાય તે ઇચ્છનિય છે તેમ પણ જણાવ્યુ હતુ.
બેઠકમા નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી, આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી શ્રી શિવાજી તબિયાડ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ, સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકશ્રી ડો.અંકિત રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણિલાલ ભૂસારા, સહિત તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ ઉપરાંત સ્વામી વિવેકાનંદ મંડળના પ્રતિનિધિ શ્રી નકુલ જાદવ, અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રતિનિધિ શ્રી પ્રશાંત બોરસે ઉપસ્થિત રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment