News
આહવાના સનસેટ પોઇન્ટ ઉપર થશે 'વન વાવેતર'
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: 'કોરોના કાળ' મા લાચાર માનવીઓએ અનુભવેલી 'ઓક્સિજન'ની અગત્યતા બાદ લોકોનો 'વૃક્ષપ્રેમ' જાગૃત કરવાના ભાગરૂપે આહવા ખાતે મોટા પાયે વૃક્ષ વાવેતર કરાશે.
આહવાના જનસેવા ગ્રૂપ, અને સાયબર ગ્રૂપ દ્વારા આહવા ગ્રામ પંચાયતના સહયોગથી નગરના સનસેટ પોઇન્ટ ઉપર વૃક્ષ વાવેતર કરાશે. વડ, પીપળો, લીમડો, ખેર, સરગવો, ગુલમહોર, ગરમાળો, સિંદૂર જેવા વૃક્ષોનુ મોટાપાયે વાવેતર કરીને અહીં એક 'ઓક્સિજન પાર્ક' તૈયાર કરવાની દિશામા વિચારાઈ રહ્યુ છે.
સાથે સાથે અહીં પી.પી.પી. ધોરણે સનસેટ પોઇન્ટની ફરતે તાર ફેન્સિંગ, ગાર્ડનિંગ, અને શૌચાલય જેવી આવશ્યક સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવાનુ આયોજન કરાયુ છે. વૃક્ષારોપણ ની કામગીરીમા વીજ વિભાગ ખાડા ખોદવા સાથે માટી અને ખાતર પુરવાની કામગીરીમા સહયોગી બનશે.
આ પ્રેરણાત્મક કામગીરીની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંત સહિત જનસેવા ગ્રુપ, અને સાયબર ગ્રુપના સ્વયંસેવકો, વીજ કંપનીના નાયબ ઈજનેર શ્રી વી.ડી.પટેલ, નગર અગ્રણી સર્વશ્રી રાજુભાઇ દુસાણે, લક્ષ્મણભાઇ કાનડે સહિતના સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment