105 કરોડ પેકેજની અમલવારી ન થાય તો જિલ્લાના 15 હજારથી વધુ માછીમાર માટે બેરોજગારીનો ભરડો કોરોનાના બે વર્ષથી ધંધો ઠપ, બોટના માલિકો, ખલાસી ઓ બેહાલ બન્યા

છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીમાં બેહાલ બનેલા માછીમારો માટે રાજ્ય સરકારે રૂ.105 કરોડના પેકજની જાહેરાત કરી સહાય આપવાનું નક્કી કરતા વલસાડ જિલ્લાના માછીમારોમાં કહીં ખુશી કહીં ગમ જેવી લાગણી જોવા મળી છે.પેકેજ ભલે આપ્યું પરંતું તેનો તાત્કાલિક અમલ ન થાય તો અર્થહિન ગણાશે કારણ કે ભૂતકાળમાં પણ જાહેરાતો થઇ હતી પરંતું અમલ થયો ન હતો તેવી નિરાશાજનક પ્રતિસાદ જોવા મળી રહી છે. કોરોનાના કારણે માછીમારોનો કરોડોના વાર્ષિક ધંધા ઉપર છેલ્લા બે વર્ષથી ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે.2020 અને 2021ના વર્ષમાં માછીમારો દરિયો ખેડી શક્યા નથી.
ઉપરાંત 18 મેના રોજ અરબી સમુદ્રમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે પણ જિલ્લાની બોટ જે મોડે મોડે ધંધો કરતી હતી તે તમામ બોટ કિનારે લાંગરી દેવામાં આવી હતી.આ મામલે અખિલ ગુજરાત માછીમાર મહામંડળ દ્વારા રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી સુધી સહાયની ઘા નાંખી હતી.જેને ધ્યાને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે માછીમારો માટે રૂ.105 કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરતાં માછીમાર આલમમાં આશાનું સંચાર થયું છે,પરંતુ બે વર્ષથી ધંધો ચોપટ થઇ જતાં જિલ્લાની 1200 બોટના માલિકોને આર્થિક ગર્તામાં ધકેલાઇ ગયા છે.
આ સાથે આ તમામ બોટમાં કામ કરતા 15 હજારથી વધુ ગરીબ કુટુંબોમાંથી આવતા ખલાસીઓના પરિવારજનોનાં ભરણપોષણ ઉપર પણ આફતના વાદળો ઘેરાયા છે.આવા સંજગોમાં રાજ્ય સરકારે જે રૂ.105 કરોડના પેકેજ હેઠળ માછીમારો માટે સહાય જાહેર કરી છે તે મુદ્દે વલસાડ જિલ્લાના બોટધારકોમાં કહીં ખુશી કહીં ગમની લાગણી સાથે આ સહાય તાત્કાલિક નહિ ચૂકવાય તો તેનો અર્થ રહેશે નહિ તેવી લાગણી વ્યક્ત કરી છે.
વલસાડ જિલ્લાની દરિયાઇ પટ્ટી ઉપર મચ્છીમારીનો ધંધો કરતાં માછીમારોની 1200 બોટ પૈકીની 700 બોટ પારકા બંદરોએ ધંધો કરે છે.જેમાં 350 બોટ મુંબઇ ભાઉચા ધક્કા ઉપર ધંધો કરવા લંબાવું પડતા ખર્ચો મોંઘો પડે છે.વલસાડમાં ફિશિંગ બંદર ન હોવાથી ભારે શોષણ થાય છે.ધોલાઇ બંદરે 350,250 બોટ જખો અને 250 બોટ ઓખા બંદરે ધંધો કરવા વલસાડથી નિકળી જાય છે.જેથી બહારના બંદરો પર ધંધો કરવામાં વલસાડના માછીમારોને વધુ ખર્ચો ભોગવવો પડે છે અને પોષણક્ષમ ભાવો મળતા નથી.
રાજ્ય સરકાર દ્વારા આજે માછીમારો માટે જે રાહત પેકેજ જાહેર કરવામા આવ્યું છે. તેમાં માછીમારોની બોટ, જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના 50 ટકા અથવા રૂ. 35,000 સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં 50% અથવા રૂ. 35,000 સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.

નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના 50% અથવા રૂ. 75,000 બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે.

અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50% અથવા રૂ. 2 લાખ બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય અપાશે.

આ ઉપરાંત ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના અશંત નુક્સાનના કિસ્સામાં માછીમાર રૂપિયા 5 લાખ સુધીની લોન મેળવે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.

પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર,ડોલનેટર,ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50 ટકા અથવા રૂ.5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે.

આ ઉપરાંત માછીમાર રૂપિયા 10 લાખ સુધીની લોન મેળવે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા 8200 પ્રમાણે સહાય અપાશે.

નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. 2000/-ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવાશે.

દરિયાકાંઠાના જાફરાબાદ-નવાબંદર-સૈયદ રાજપરા-શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા માળખાકીય નુક્સાનની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં રૂ. 80 કરોડનો ખર્ચ થશે.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close