News
વાપીમાં બે કારના શો રૂમમાંથી રોકડા ટીવી ચોરનારા 4 સલવાવથી ઝડપાયા રોકડા, ટીવી અને મોબાઇલ સહિત 1.35 લાખનો મુદ્દામાલ કબજે
વાપી બલીઠાના બે શો રૂમમાં પ્રવેશી તિજોરી તોડીને રોકડા અને ટીવી ચોરી ફરાર થનારા ચાર ઇસમો સલવાવથી એલસીબીના હાથે ઝડપાતા પોલીસે રૂ.1.35 લાખનો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ આપેલ સુચના અને એલસીબી પીઆઇ જે.એન. ગોસ્વામી ના માર્ગદર્શન મુજબ પીએસઆઇ સી.એચ. પનારા બુધવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અ.હે.કો.અજય અમલાભાઇને મળેલી બાતમીના આધારે સલવાવ ઓવરબ્રીજ નીચેથી આરોપી મોહમદ અન્જાર ઉર્ફે આલમ સીદ્દીક શેખ રહે.સલવાવ ઉમેશની ચાલીમાં, સુર્યા ઉર્ફે કેન્દુ પુરણ ચૌહાણ રહે.છીરી વાપી, અબ્દુલ કરીમ અંજાર ઉર્ફે આલમ શેખ રહે.સલવાવ અને રાજેશ ઉર્ફે રાજુ લાલબાબુ ગુપ્તા રહે.કબ્રસ્તાન રોડ વાપી ને પકડી પાડી તેમની પાસેથી સ્માર્ટ ટીવી નંગ-1 કિં.રૂ.20,000 તથા ત્રણ ફોન કિં.રૂ.15,000 અને રોકડા રૂ.1,00,000 મળી કુલ રૂ.1,35,000નો મુદ્દામાલ કબજે લઇ સઘન પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, થોડા દિવસ અગાઉ બલીઠા સ્થિત કિયા શોરૂમમાંથી રોકડા અને ટીવી તેમજ હ્યુન્ડાઇની દેસાઇ ઓટોમોબાઇલ્સ માં પ્રવેશી તિજોરી તોડીને રોકડા રૂ.3.67 લાખની ચોરી કરી તેઓ ફરાર થઇ ગયા હતા.
આરોપીઓ હાઇવે ઉપર આવેલ કારના મોટા શોરૂમના બાથરૂમ બારીના કાચ ખોલી અંદર પ્રવેશી ચોરી કરવાના ટેવવાળા છે. તેમજ રાત્રિ દરમિયાન ઘરફોડ તેમજ ભંગાર ચોરી કરતા આવેલા છે. આ લોકો અન્ય કેટલા ગુનામાં સંડોવાયેલા છે. તેની તપાસ ડુંગરા પોલીસે શરૂ કરી છે.
આરોપી સુર્યા ઉર્ફે કેન્દુ પુરણ ચૌહાણ વિરૂદ્ધ આરપીએફ દહાણુ રોડ મુંબઇ ડીવીઝન પોલીસમાં તેમજ વાપી જીઆઇડીસી અને વાપી ટાઉન પોલીસ મથકમાં ચોરીના કુલ 28 ગુના નોંધાઇ ચૂક્યા છે. જ્યારે રાજેશ ગુપ્તા અને અબ્દુલ કરીમ અંજાર સામે પણ વાપી ટાઉન પોલીસ મથકમાં ચોરીના એક એક ગુના છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment