News
દમણથી ગેરકાયદેસર દારૂ લઈ જતા વડોદરાના શ્રીમંત ઘરના 3 યુવક-યુવતીને 68,700 રૂપિયાની 48 બોટલ સાથે દબોચી લીધા
વાપી ટાઉન પોલીસે મોરાઈ ફાટકથી વડોદરામાં અભ્યાસ કરતા અને જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણવા દમણથી ગેરકાયદેસર દારૂ લઈ જતા શ્રીમંત ઘરના 3 યુવક-યુવતીને 68,700 રૂપિયાની 48 બોટલ સાથે દબોચી લીધા હતાં. પોલીસે કાર, એપલ આઈફોન સહિત કુલ 5.92 લાખના મુદ્દામાલ સાથે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાપી ટાઉન પોલીસ મથકમાંથી મળેલ વિગતો મુજબ વાપી ટાઉન પોલીસ દમણ તરફની મોરાઈ ચેકપોસ્ટ પર પેટ્રોલિંગમાં હતી. ત્યારે, દમણ તરફથી આવેલી વડોદરા પાર્સિંગની GJ-06-PC-1811 નંબરની શંકાસ્પદ કારને અટકાવી તેમાં બેસેલા 23 વર્ષીય યુવક પૂર્વજીત સમીર ચૌહાણ, 21 વર્ષીય પ્રિયા ભક્તેશ વૈદ્ય, 22 વર્ષીય પ્રિયાંશી રાજેશ પરદેશીની પૂછપરછ કરી કારની ડીકીમાં રહેલા થેલામાં તપાસ કરતા મોંઘી બ્રાંડની દારૂનો બોટલો મળી આવી હતી.
મૂળ વડોદરાના અને અભ્યાસ કરતા આ ધનાઢય ઘરના નબીરાઓ પાસેથી પોલીસે કુલ 48 નંગ બોટલ જપ્ત કરી હતી. જેમાં બિયર, વ્હિસ્કી, વોડકા, વાઈનની 200, 800, 1000, 1500 અને 3000 રૂપિયાની કિંમતની મોંઘી બ્રાન્ડનો દારૂ મળી આવ્યા બાદ આ અંગે વધુ પૂછપરછ કરતા વડોદરામાં જન્મદિવસની પાર્ટી માટે દારૂ લેવા દમણ આવ્યાં હતાં. પોલીસે ત્રણેય નબીરાઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી દારૂ, મોંઘા એપલ આઈફોન, કાર સહિત કુલ 5,92,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે પકડાયેલ યુવતીઓએ દમણથી આવતી વખતે કારમાં અભિનેત્રીઓને શરમાવે તેવા ટૂંકા પોશાકો પહેર્યા હતાં. જેને પોલીસ સ્ટેશને લાવી અંગ ઢંકાય તેવા કપડા પહેરવાનું કહેતા અને કારની ચાવી માંગતા પોલીસ સાથે પણ જીભાજોડી કરી શ્રીમંતાઇનો રુઆબ બતાવ્યો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment