News
કોવિડ-૧૯ના સમયગાળામાં અનાથ થયેલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ સહાય મળશે
માહિતી બ્યુરોઃ વલસાડ તા.૦૫:. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કોવિડ સમયગાળા દરમિયાન જે બાળકો અનાથ થયા છે, તેમના માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવી છે. કોરોના સમયગાળો એટલે માર્ચ-૨૦૨૦ થી કોરોના મહામારીના અંત સુધીનો સમયગાળો ગણવાનો રહેશે.
આ યોજના અંતર્ગત ૦ થી ૧૮ વર્ષની વય જુથના બાળકો કે જે, બાળક શાળામાં અભ્યાસ કરતા હોય એવા બાળકોને આર્થિક સહાય કરવામાં આવે છે.
આવા બાળકના માતા-પિતા બંને કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામ્યા હોય તેવા કેસમાં નિરાધાર થયેલા બાળકને અથવા જો બાળકના એકવાલી (માતા કે પિતા) કોરોનાના સમયગાળા અગાઉ અવસાન પામેલા હોય અને બીજા વાલી (માતા કે પિતા) કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામ્યા હોય તો તેવા કેસમાં નિરાધાર થયેલા બાળકને આ યોજનાનો લાભ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.
આ યોજના અંતર્ગત બાળકોને માસિક રૂ.૪,૦૦૦/- ની સહાય બાળક ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી મળવાપાત્ર થશે. ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પછી પણ જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજય સરકારની આફટર કેર યોજના અંતર્ગત દર મહિને રૂ.૬૦૦૦/- મુજબ આવક મર્યાદાના બાધ સિવાય ૨૧ વર્ષની ઉંમર સુધી મળવાપાત્ર થશે. ૨૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક/યુવતીઓએ માન્ય અભ્યાસ ચાલુ રાખેલ હશે તેમને અભ્યાસ પુર્ણ થાય અથવા ૨૪ વર્ષ ઉંમર પુરી થાય એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી તેમને આફટર કેર યોજના અંતર્ગત દર મહિને રૂ.૬૦૦૦/- મુજબ આવક મર્યાદાના બાધ સિવાય હેઠળ ૨૪ વર્ષ સુધી લાભ આપવામાં આવશે.
કોઈ પણ પ્રવાહના માન્ય અભ્યાસક્રમના સર્ટીફિકેટ ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પાત્ર ગણવામાં આવશે. વધુમાં સરકાર માન્ય ધોરણોથી આપવામાં આવતી કૌશલ્ય વર્ધન તાલીમ પણ માન્ય ગણાશે. જે અનાથ બાળકનું કુટુંબ ગુજરાતનું મૂળ વતની હોય અથવા ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી કાયમી વસવાટ કરતું હોય તેવા બાળકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. બાળકને મળતી સહાય તેના પાલક માતા પિતાએ બાળકના વિકાસ માટે ખર્ચવાની રહેશે. જો બાળક અભ્યાસ બંધ કરશે તેવા કિસ્સામાં સહાય બંધ કરવામાં આવશે.
મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સહાય મંજુર / નામંજુર કરવાની સત્તા જીલ્લાની સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટરકેર અપ્રુવલ કમિટી (એસ.એફ.સી.એ.સી.)ની રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટે બાળકનો જન્મનો દાખલો, આંગણવાડીમાં જતાં બાળકનું પ્રોગ્રામ ઓફિસરનું અને શાળાએ જતાં બાળકનું શાળાના આચાર્યનું પ્રમાણપત્ર, બાળકના માતા-પિતા બંનેના મરણના દાખલા, બાળક હાલમાં જેની પાસે રહે છે તે પાલક માતા-પિતાના આધાર કાર્ડ, ચુટણીકાર્ડ, રેશનકાર્ડની નકલ, બાળકના આધારકાર્ડની નકલ, જો બાળકની ઉંમર ૧૦ વર્ષ કરતાં નાની હોય તો બાળકને રાખનાર પાલક પિતા/માતાનું બેંક એકાઉન્ટ અને જો બાળકની ઉંમર ૧૦ વર્ષ કરતાં વધુ હોય તો બાળકના બેંક એકાઉન્ટ ખાતાની નકલ, બાળકનો પાલક માતા-પિતા સાથેનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, સાક્ષીઓના ઓળખ પુરાવા વગેરે દસ્તાવેજોની પ્રમાણિત કરેલ નકલ ફોર્મ સાથે જોડવાની રહશે. આ અંગે વધુ જાણકારી માટે વલસાડ જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન-૨, ત્રીજો માળ, તિથલ રોડ,વલસાડના ફોન નંબર ફોન નંબર ૦૨૬૩૨-૨૪૪૬૬૩ અથવા વેબસાઇટ www.sje.gujarat.gov.in ઉપર સંપર્ક સાધવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment