News
મધુબન ડેમમાંથી ધસમસતું પાણીએ બોટ સતત પથ્થરો સાથે અથડાયા કર્યા બાદ તૂટીને ડૂબી ગઈ હતી.આ ઘટના બનતા 8 લાખની 1 બોટ લેખે અંદાજિત 16 લાખનું નુકસાન થયું છે.
રવિવાર રાત્રિથી દક્ષિણ ગુજરાત સહિત સંઘપ્રદેશ દમણમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસતા વરસાદને કારણે દાદરા નગર હવેલીમાં આવેલ મધુબન ડેમના 10 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. સોમવારે સવારના 8 વાગ્યાથી મંગળવારના 8 વાગ્યા સુધીમાં મધુબન ડેમમાંથી 207 MCM પાણી છોડવામાં આવ્યું હતું. આ ધાસમસતો પાણીનો પ્રવાહ સીધો દમણના દરિયામાં ઠલવાયો હતો. જેને કારણે દમણમાં સમુદ્ર નારાયણ જેટી પર માછીમારોએ લાંગરેલી બોટ પર આફત આવી હતી.
માછીમારોનું કહેવું છે કે અહીં પ્રશાસને 2 વર્ષ પહેલાં માછીમારોને વિશ્વાસ માં લીધા વિના જ પ્રોટેક્શન વોલ નિર્માણ કરી હતી. આ પ્રોટેક્શન વોલ તકલાદી કામને કારણે સતત દરિયાના પાણીમાં ધોવાઈ રહી હતી. અને સળિયા સાથે પથ્થરો બહાર ડોકાવા લાગ્યા હતાં. તેવા સમયે સોમવારે બધી બોટ જેટી પર લાંગરેલી હતી. અને મધુબન ડેમમાંથી ધસમસતું પાણી દરિયામાં ભળ્યું હતું. એટલે બોટ સતત પથ્થરો સાથે અથડાયા કર્યા બાદ તૂટીને ડૂબી ગઈ હતી.
હાલ માછીમારો માટે માછીમારીની સિઝન હોય DD03-MM-00017 નંબરની HARI KRUPA નામના બોટ માલિક યશ પટેલે અને DD03-MM-00066 નંબરની DARIYA DUALAT નામની બોટના માલિક દિનકર ટંડેલ નામના બંને બોટ માલિકે પોતાની બોટમાં અંદાજિત 600 લીટર ડીઝલ ભરી દરિયો ખેડવાની તૈયારી આરંભી હતી. પરન્તુ વરસાદને કારણે બોટને કાંઠે જ લાંગરેલી રાખી હતી. ત્યારે આ ઘટના બનતા 8 લાખની 1 બોટ લેખે અંદાજિત 16 લાખનું નુકસાન થયું છે.
માછીમારોએ આ નુકસાન બદલ પ્રશાસન સમક્ષ વળતરની માંગ કરી છે. સાથે જ જણાવ્યું હતું કે ગઈ કાલે બોટને તૂટતી અને ડૂબતી બચાવવા સ્થાનિક માછીમારોએ બોટ માલિક સાથે રહી આખો દિવસ પ્રયાસો કર્યા હતાં. પરંતુ જેટી પર પ્રોટેક્શન વોલ બનાવ્યા બાદ બોટને લાંગરી શકાય તે માટે એન્કર નાખવાની કોઈ સુવિધા ના હોય તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતાં. હાલ માછીમારોને લાખોનું નુકસાન થતા પરિવારનું ગુજરાન ચલાવવાના ફાંફાં પડ્યા છે. કોરોના કાળમાં બોટ ડૂબી જતાં પરિવાર પર આભ ફાટ્યું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment