News
વાપી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અવસરે ‘ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમ યોજાયોઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે યોજનાકીય સહાય વિતરણ કરાયું:
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૧૭: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં વાપીની જી.આઈ.ડી.સી. સ્કુલ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના રાજયકક્ષાના મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષતામાં ‘ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી બાલસેવા યોજનાના દશ લાભાર્થીઓને માસિક સહાય તેમજ વ્યક્તિગત સોકપીટના પાંચ લાભાર્થીઓને પ્રમાણપત્ર અને ઉજ્જ્વલા યોજનાના પાંચ લાભાર્થી ઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ પંચાયત વિસ્તારોમાં સામૂહિક સોકપીટની ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હોય તેવા રાતા, મોરાઈ, છીરી, તરક પારડી અને ચીભડકચ્છ ગામના સરપંચોનું તેમજ ૧૦૦ ટકા કોવિડ વેકસીનેશન થયેલા કોચરવા, વટાર, પંડોર, કવાલ અને નાની તંબાડી ગામના સરપંચોનું સન્માન કરાયું હતું.
ઉપરાંત મહિલા સ્વસહાય જૂથને રીવોલ્વિંગ ફંડના ૧૫ હજાર રૂપિયાના ચેકનું વિતરણ કરાયું હતું. આ અવસરે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી વિકાસના કામોનો લાભ મળે તે ઉદ્દેશથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ગરીબો માટે અનેક યોજનાઓ અમલી બનાવી તેનો પૂરેપૂરો લાભ સાચા લાભાર્થીઓને પહોંચાડયો છે. ગરીબલક્ષી અનેકવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આ સરકાર છેવાડાના માનવીના હૃદય સુંધી પહોંચી છે.
ગરીબોની બેલી આ સરકારે નોંધારાનો આધાર બની ઉજ્જ્વલા યોજના હેઠળ નિઃશુલ્ક ગેસ કનેકશન આપી બહેનોને ધુમાડામાંથી મુક્તિ અપાવી છે, આ યોજનાના ફેઝ ૨માં બાકી રહેલા તમામ લાભાર્થીઓને કનેકશન આપવાનું આયોજન કરાયું છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘરે ઘરે શૌચાલય બનાવી દરેક ગામને સ્વચ્છ બનાવ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસને સેવાના રૂપમાં ઉજવવાના ભાગરૂપે આજે સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહેલા અનેક સેવાકીય કાર્યોનો ચિતાર આપતાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડના કારણે જે બાળકોએ માતા કે પિતામાંથી એક ગુમાવ્યું હોય તેવા બાળકોને મુખ્યમંત્રી બાળ સહાય યોજના હેઠળ માસિક બે હજાર જ્યારે માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને ચાર હજારની સહાય સીધી તેમના ખાતામાં જમા કરાવવામાં આવી રહી છે, આ સહાય બાળક પુખ્ત વયનું થાય ત્યાં સુધી તેના ખાતામાં દર માસે જમા થતા રહેશે. આ અવસરે ૧૦૦ ટકા વેકસીનેશન કરાયેલા ગામોના સરપંચોનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરાયા છે. ગંગા સ્વરૂપા બહેનોને વિધવા સહાય હેઠળ દર માસે ૧૨૫૦ ની સહાય આપવામાં આવે છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરોડો ગરીબોના જનધન યોજના હેઠળ બેંકમાં ખાતા ખોલાવ્યા છે અને તેમને મળવાપાત્ર સરકારની સહાય સીધી ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી પૂરેપૂરી સહાય લાભાર્થીને પહોંચે છે. આ ઉપરાંત કિસાન સમ્માનનિધિ, વૃદ્ધ પેન્શન યોજના, મુખ્યમંત્રી અમૃતમ જેવી અનેક યોજનાઓ અંગે પણ તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી.
મંત્રીશ્રીએ કોરોના મહામારીમાં કોઈ ગરીબ ભૂખ્યો ન રહે તે માટે ચિંતા કરી વિનામૂલ્યે રાશનનું વિતરણ કરાયું છે, જે આગામી દિવાળી સુધી કરવામાં આવનાર હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેકસીનેશનની કામગીરી વેગવાન બનાવી છે, ત્યારે બાકી રહેલા દરેક નાગરિકોને રસીકરણ કરાવી લેવા અનુરોધ કર્યો હતો.
તાલુકા પંચાયત પ્રમુખ વાસંતીબેન પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.મામલતદાર પ્રશાંત પરમારે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી હિરલભાઈ પટેલે આટોપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.પી.મયાત્રા, વલસાડ જિલ્લા સંગઠન મંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો, લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment