News
પારડી તાલુકામાં પોષણ માહ અંતર્ગત લોકસહયોગથી ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૧૭: સમગ્ર દેશમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનો દેશભરમાં પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. પોષણ સ્તર સુધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે તમામ રાજ્યોમાં સમગ્ર મહિના દરમિયાન શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે.
આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ઉપલક્ષમાં સમગ્ર મહિનાને સપ્તાહિક થીમ્સમાં વિભાજિત કરવામાં આવ્યો છે. જેના ત્રીજા અઠવાડિયા માં પ્રાદેશિક-સ્થાનિક ખોરાકના મહત્ત્વને ધ્યાને રાખી જાગૃતિ અભિયાન તેમજ કુપોષિત અને અતિ-કુપોષિત બાળકો માટે પ્રાદેશિક પોષક સમાવિષ્ટ પોષણ કીટનું વિતરણ કરી કુપોષણ નિવારણ માટે એક પહેલ કરી સંવેદનશીલતા લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. વલસાડ જિલ્લામાં પણ જાહેર અને ખાનગી ક્ષેત્રના જાહેર પ્રતિનિધિઓનો સમાવેશ કરી પોષણ અભિયાનને જન આંદોલન બનાવી પોષણ જાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓ ગ્રાસ રૂટ લેવલ સુધી હાથ ધરવામાં આવી છે.
પોષણ માહ અંતર્ગત ત્રીજા અઠવાડિયાની થીમ મુજબ વલસાડ તાલુકાનાં રહેવાસી શ્રી કલ્પીનકુમાર રમેશભાઈ પટેલ તેમજ એમના પરિવારજન દ્વારા એમના પિતાશ્રી સ્વ. રમેશભાઈ ગાંડાભાઈ પટેલની ૪થી પુણ્યતિથિ નિમિતે પારડી તાલુકાનાં તમામ કુપોષિત અને અતિ-કુપોષિત બાળકોને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરી ઉમદા ઉદાહરણ પૂરું પડયું છે. પારડી તાલુકામાં બી.આર.સી. ભવન પારડી, ખડકી અને પરીયા ગ્રામ પંચાયત ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સ્નાબેન પટેલે જણાવ્યું હતું કે, લોક સહયોગથી કુપોષિત અને અતિ-કુપોષિત બાળકોને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરી એક ઉમદા અને સર્વગ્રાહી ધ્યેય સાથે શરૂ કરાયેલા પોષણ અભિયાન હેઠળ પોષણ જાગૃતિ અને પ્રતિભાવ વધારવા પોષણ માસના લક્ષ્યોને સુમેળપૂર્વક ઝડપથી પ્રાપ્ત કરાશે, તેવી આશા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં પારડી તાલુકાનાં બાળવિકાસ યોજના અધિકારીશ્રી હસુમતિબેન પટેલ અને નીલમબેન પટેલ, બાળકો તેમજ વાલીઓ હાજર રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment