News
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ અવસરે જિલ્લા કક્ષાની લોકગીત/ શૌર્યગીત સ્પર્ધા યોજાઇ
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૧૭: વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તથા જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે ભગિની સમાજ હાઈસ્કૂલ, ઉદવાડા ખાતે રાષ્ટ્રીય શાયરનું બિરુદ મેળવનારા સાહિત્યકાર લોક સાહિત્યના કલાકાર સંશોધક, સ્વાતંત્ર્ય સેનાની તેમજ સંનિષ્ઠ પત્રકાર એવા ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની લોકગીત / શૌર્યગીત સ્પર્ધા યોજાઇ હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ નિરીક્ષક આશબેન આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર નું બિરુદ પામ્યા હતા. તેઓના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત દેશભક્તિના કસુંબલ રંગે રંગાયેલી પીડિતોની વેદનાને વાચા આપતી તેમની કવિતા, તેમણે રચેલાં શૌર્ય અને દેશપ્રેમના ગીતોની જાદુઇ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામેલ થયા હતા. તેઓ પોતાના બુલંદ ભાવવાહી કંઠે ગીતો લલકારીને સહુને ડોલાવી દેતા હતા. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આજે પણ લોક હૈયે જીવંત છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન સદાયને માટે અજર-અમર રહેશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ભગિની સમાજ હાઈસ્કૂલ ઉદવાડાના આચાર્યા ચેતનાબેન પટેલે આવકાર પ્રવચન કર્યું હતું.આ સ્પર્ધાનું શાળા કક્ષાએ તેમજ શાળા વિકાસ સંકુલ (SVS) કક્ષાએ આયોજન કરી SVS કક્ષાએથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર થયેલી કૃતિઓના ૧૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા સ્પર્ધકો હવે રાજ્ય કક્ષાએ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ વિજેતા સ્પર્ધકોમાં પ્રથમ વિજેતા બાઈ આવાબાઈ હાઈસ્કૂલ, વલસાડના ગોપાલ ખેંગારભાઇ મીર, દ્વિતીય વિજેતા એકલારા હાઇસ્કૂલ, તા.ઉમરગામની તૃપ્તિ નરેશભાઇ ધોડી તેમજ તૃતીય વિજેતા ડી.સી.ઓ. હાઈસ્કૂલ,તા.પારડીની ઇશાબેન એસ. પટેલનો સમાવેશ થાય છે.આ સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે નિલેષભાઈ એમ. પટેલ, જિયાબેન ઉપાધ્યાય તેમજ લલિતભાઈ પટેલે સેવા આપી હતી.આ કાર્યક્રમમાં રમતગમત યુવા સાંસ્કૃતિક કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારી હેમાલીબેન જોશી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના બીપીનભાઈ, વિવિધ સ્પર્ધાના કન્વીનર શિક્ષકો, આચાર્યો તથા જિલ્લાની વિવિધ શાળાઓમાંથી સ્પર્ધક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન નરેશભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment