News
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જન્મદિવસને અનોખી ઉજવણીને વલસાડ સિવિલ હોસ્પિટલે યાદગાર બનાવી વલસાડ સિવિલ હોસ્પિટલે પૂરી પાડી કોમી એકતા અને ધાર્મિક સદ્દભાવની મિસાલ
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૧૭: વલસાડની સિવિલ હોસ્પિટલના કર્મચારીગણે યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જન્મદિવસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા અને મહાઆરતી યોજીને કોમી એકતા અને ધાર્મિક સદ્દભાવની મિસાલ આપી હતી. મુસ્લિમ બિરાદર હોવા છતાં ‘સર્વધર્મ સમભાવ'ની ભાવનાને આત્મસાત કરનારા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા દ્વારા વડાપ્રધાનશ્રી તંદુરસ્ત અને શતાયુ બને એ માટે વલસાડ સિવિલમાં સૌ પ્રથમવાર સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી.
દેશ વિકાસના ઉચ્ચ શિખરો સર કરે તે માટે સો દિવડાની આરતી સાથે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી. સુરતના દાતા ગોપાલભાઈ દ્વારા નવજાત બાળકો માટે ૧૭૧ જેટલા કપડાં, ઝબલા, ગોદડી, રૂમાલ, ગોળીઓ સાથેની બાળકીટ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉ. જયદીપભાઈ પટેલ, નર્સિંગ એસોસિયેશનના કિરણભાઈ દોમડીયા, દિનેશ અગ્રવાલ, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ રૂબિનાબેન ઠાકોર તથા વોર્ડ ઈન્ચાર્જ, સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીગણ, દર્દીઓના સ્નેહીજનોએ ઉપસ્થિત રહીને ધાર્મિક અને ઉમંગભર્યા માહોલમાં આરતી તથા કથાનો લાભ લીધો હતો. વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે આ પ્રકારનું ધાર્મિક આયોજન સૌપ્રથમવાર કરાયું હતું, જેને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવ્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment