News
ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની જનતા પારાવાર મુશ્કેલી અનુભવી રહી છે. આ સ્થિતીમાં મત વિસ્તારની જનતાને ભગવાન ભરોસે છોડી ભાજપના ધારાસભ્યો રાજધાની ગાંધીનગરમાં મંત્રીપદ મેળવવા ટાંટિયાખેંચમાં વ્યસ્ત
પ્રજાની સેવા કરવી છે તેવા વાંરવાર ઉદગારો ઉચ્ચારનારાં ભાજપના નેતાઓની સત્તાલોલુપતાની પોલ ઉઘાડી પડી છે કેમકે, એક બાજુ, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની જનતા પારાવાર મુશ્કેલી અનુભવી રહી છે. પુર જેવી સ્થિતીને કારણે ઘરવખરી તણાઇ ગઇ છે. કોઇ પુછનાર નથી. આ સ્થિતીમાં મત વિસ્તારની જનતાને ભગવાન ભરોસે છોડી ભાજપના ધારાસભ્યો રાજધાની ગાંધીનગર માં મંત્રીપદ મેળવવા ટાંટિયાખેંચમાં વ્યસ્ત બન્યા છે.આ કારણોસર લોકો ચૂંટાયેલાં જનપ્રતિનીધીઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે.
છેલ્લા એકાદ અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.જમનગર, સોમનાથ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી પુર જેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે. ૪૦ હજાર હેક્ટર જમીન ધોવાઇ ગઇ છે. ખેતીને લાખો રુપિયાનું નુકશાન થયુ છે. હજારો પશુધન વરસાદી પાણીમાં તણાયા છે. લોકોના ઝૂંપડા અને ઘરવખરીને નુકશાન પહોચ્યુ છે. ૮૦થી વધુ ગામડાઓમાં અંધારપટ છવાયો છે. લોકો વિજળી વિના અંધારામાં રાત ગુજારી રહ્યા છે. વરસાદી પાણીમાં રસ્તાઓને નુકશાન થતાં વાહન વ્યવહાર અટવાયો છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ લોકો સુધી પહોંચી શકી નથી. અસરગ્રસ્તો ફુડપેકેટો ખાઇને દિવસ પસાર કરી રહ્યા છે.આવી કરુણ પરિસ્થિતી સર્જાઇ છે ત્યારે લોકોમાંએ એવી ચર્ચા છેકે, દુ:ખના સમયે ચૂંટાયેલાં જનપ્રતિનિધીઓ પ્રજા વચ્ચે જવુ જોઇએ. તેમના પડખે રહી સમસ્યા હલ કરવી જોઇએ. તેના બદલે ધારાસભ્યો મંત્રી બનવાની લાલચમાં ગાંધીનગર દોડયા છે.
કાર,બંગલો અને હોદ્દો મેળવવાની લ્હાયમાં ધારાસભ્યો મત વિસ્તારની દુખી જનતાને ય ભૂલ્યા છે. લોકોનુ કહેવુ છેકે, કપરા કાળમાં લોકોને ભગવાન ભરોસે છોડી ધારાસભ્યો મંત્રી બનવાની રાજકીય રમત રમવામાં વ્યસ્ત બન્યા છે. એ વાતની લોકોને ખાતરી થઇ ગઇ છેકે, ધારાસભ્યોને પ્રજા કરતાં સત્તાનો વધુ મોહ છે. એટલું જ નહીં,પ્રજાની સેવા કરવાની વાતો કરતાં ધારાસભ્યોની સત્તાલોલુપતાનો મતવિસ્તારની જનતાને ય ખ્યાલ આવી ગયો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment