વલસાડ જિલ્લામાં પોષણ માહ ઉજવણી અંતર્ગત થયેલી કામગીરીની રીવ્‍યુ બેઠક મળી

માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તા.૧૮: સમગ્ર દેશમાં દર વર્ષે સપ્‍ટેમ્‍બર મહિનો દેશભરમાં પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લામાં થયેલી કામગીરીની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્‍ટર ક્ષીપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે મળી હતી. 
આ બેઠકમાં જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ જિલ્લામાં થઇ રહેલી કામગીરીની સરાહના કરી આગામી દિવસોમાં પણ આ કામગીરી વધુ ઝડપી બને તેવા પ્રયાસો હાથ ધરવા તેમજ ડેશબોર્ડ ઉપર નિયમિતપણે અપડેશન થાય તે જોવા જણાવ્‍યું હતું. જિલ્લાના કુપોષિત અને અતિકુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે આપવાના થતા પોષક આહાર નિયમિતપણે મળે અને જિલ્લાની દરેક આંગણવાડીમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેની તકેદારી રાખવા પણ જણાવ્‍યું હતું. 
વલસાડ જિલ્લા બાળ વિકાસ અધિકારી જ્‍યોત્‍સનાબેન પટેલે જિલ્લામાં થયેલી કામગીરીની રૂપરેખા આપતાં જણાવ્‍યું હતું કે, ઉજવણીના પ્રથમ સપ્‍તાહમાં ૫૧૩૩ સ્‍થળોએ વૃક્ષારોપણ, ૧૧૨૫ આંગણવાડી તેમજ લાભાર્થીઓના ઘરે પોષણવાટિકા બનવવામાં આવી હતી. બીજા સપ્‍તાહમાં પોષણ માટે યોગ અને આયુષ દ્વારા સગર્ભા મહિલાઓ, બાળકો અને કિશોરીઓને યોગા કરાવવામાં આવ્‍યા તેમજ ગર્ભાવસ્‍થા દરમિયાન પોષણ અને સ્‍તનપાન ઉપર વધુ ધ્‍યાન કેન્‍દ્રિત કરી ૨૧૦૭ આયુષ જાગૃતિ અભિયાન અને ૫૨૧૧ યોગાના તબક્કાવાર કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા.જ્‍યારે ત્રીજા સપ્‍તાહમાં પારડી તાલુકાનાં ૨૨૬ કુપોષિત અને ૪૯ અતિકુપોષિત મળી કુલ ૨૭૫ બાળકોને દાતા તરફથી ન્‍યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્‍યું છે. જ્‍યારે દાતા તરીકે જિલ્લાના પોષણ અભિયાન હેઠળ ફરજ બજાવતા જિલ્લા કોર્ડિનેટરના પરિવારજનોએ એમના ઘરમાં પુણ્‍યતિથિ નિમિત્તે ન્‍યુટ્રિશન કીટનું વિતરણ કર્યું છે. આ ઉપરાંત અતુલ લિમિટેડ દ્વારા એમના વિસ્‍તારના ગામોમાં બાળકો, સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓને ૧૦૦ ન્‍યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આત્‍મા પ્રોજેકટ દ્વારા જિલ્લાના ૧૪૪ અતિકૂપોષિત બાળકોના વાલીને શાકભાજીનું બિયારણ અને ખાતરનું વિતરણ કરવામાં આવ્‍યું છે.આ ઉપરાંત સોશિયલ મીડિયાના મહત્તમ ઉપયોગ અને વર્ચ્‍યુઅલ પ્રવૃત્તિઓ સાથે વધુમાં વધુ લાભાર્થીઓ સુધી એનિમિયાની તપાસ, પરંપરાગત ભોજનને પ્રાધાન્‍ય, ટેક હોમ રાશન વાનગીને પ્રોત્‍સાહન, અતિકૂપોષિત બાળકોની ઓળખ, ઓછા વજન વાળા બાળકો અને જોખમી માતાઓની ગૃહ મુલાકાત પોષણ વાટિકાને પ્રોત્‍સાહનને લગતા સંદેશાઓ પહોંચાડવામાં આવ્‍યા છે. આરોગ્‍ય સાથે સંકલન કરી બાળકોનું સ્‍ક્રિનિંગ કરાયું હતું તેમજ ૧૧૩૪૩ કિશોરીઓનું વજન, ઊંચાઇ અને હિમોગ્‍લોબીનની ચકાસણી કરી ઓછું હિમોગ્‍લોબીન ધરાવતી કિશોરીઓને પૌષ્‍ટિક આહાર તેમજ પૂર્ણા શક્‍તિના ઉપયોગ સાથે આર્યનરિચ ખોરાક અને આયર્નની ગોળીઓ લેવા સૂચન કરવામાં આવ્‍યું છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિલ પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ, જિલ્લાના વિવિધ ઘટકોના સી.ડી.પી.ઓ. હાજર રહયા હતા. 

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close