નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે ઉમરસાડી ખાતે રૂા.૨૪.૬૫ કરોડના ખર્ચે નિર્માણ થનારી ફલોટિંગ જેટીનું ભૂમિપૂજન કરાયું

માહિતી બ્‍યૂરોઃ વલસાડ તા.૩૦: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે પાઇલોટ પ્રોજેકટ તરીકે દક્ષિણ ગુજરાતમાં સાગરખેડૂના વિશાળ હિતમાં વધુ એક સોપાન રૂા. ૨૪.૬૫ કરોડના ખર્ચે તૈયાર થનાર મત્‍સ્‍ય ઉતરાણ કેન્‍દ્ર (ફલોટિંગ જેટી સાથે) વિકસાવવાના કામનું ભૂમિપૂજન નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના વરદ હસ્‍તે કરાયું હતું.
આ અવસરે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, ઉમરસાડી ખાતે સમગ્ર ગુજરાતની પ્રથમ ફલોટીંગ જેટી બનશે. ઉમરસાડી ગામ માટે આજ નો દિવસ ઐતિહાસિક છે, જેમને ટૂંક સમયમાં મત્‍સ્‍ય ઉતરણ કેન્‍દ્ર ઉપલબ્‍ધ બનશે. અહીંના અગ્રણીઓએ કરેલી રજૂઆતો અને તેમની જરૂરિયાતને ધ્‍યાને રાખી સરકારે જેટીની કામગીરી માટે મંજૂરી આપી છે. વિકાસના દરેક કામો ગુણવત્તાની સાથે ઝડપથી પૂર્ણ થાય તેવા રાજ્‍ય સરકારના પ્રયાસો છે, ત્‍યારે આ જેટીની કામગીરી પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ થશે, તેવી આશા તેમણે વ્‍યક્‍ત કરી હતી. ધીરજના ફળ મીઠાં હોય છે, તેમ જણાવી આ વિસ્‍તારના આગેવાનોએ જેટીની કામગીરી માટે રાખેલા ધૈર્યને અભિનંદન પાઠવ્‍યા હતા. 
આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, સાગરખેડુઓને સુવિધા મળી રહે તે માટે અહીં નિર્માણ થનારી જેટીનું ખુબજ મહત્ત્વ છે, જે ધ્‍યાને રાખી એજન્‍સી ગુણવત્તાયુક્‍ત કામગીરી કરે તેમજ યોગ્‍ય મટીરીયલનો ઉપયોગ કરવાની સાથે સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તેની તકેદારી રાખે તે જરૂરી છે. આ જેટી માટે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સહિત અગ્રણીઓએ કરેલા પ્રયાસોને ધ્‍યાનમાં રાખી જેટીની જાળવણી થાય તે હેતુસર માછીમારોને ઘર આંગણે જ કામગીરી કરી તેનો પૂરેપૂરો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે માછીમારોના સંગઠનોને અનુરોધ કરતાં જણાવ્‍યું હતું કે, બધાને સાથે રાખી જરૂરિયાત પ્રમાણે કામગીરી કરીશું તો આવનારા દિવસોમાં તેનો ખૂબ મોટો ફાયદો થશે.  
આ અવસરે મત્‍સ્‍યોદ્યોગ રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ ઉમરસાડી ખાતે જેટીની ફાળવણી માટે પ્રયાસો કરનારા સૌને અભિનંદન પાઠવતા જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ મત્‍સ્‍યોદ્યોગ વિભાગ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની સરકાર એક ટીમ બની ઝડપભેર વિકાસની કામગીરી કરી રહી છે. ગુજરાતના૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારે મત્‍સ્‍યોદ્યોગની મોટી શકયતાઓ છે, જે ધ્‍યાનમાં લઈ માછીમારો માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. ગુજરાતમાં વધુમાં વધુ ફલોટિંગ જેટી બને તે માટે કેન્‍દ્ર સરકારનો પણ પૂરતો સહયોગ મળી રહ્‍યો છે. માછીમારોને ડીઝલ ઉપર મળતી સબસીડીમાં વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરાશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. 
આ ફ્‌લોટિંગ જેટીની કામગીરીમાં કોન્‍ક્રીટ પોનટુન, સી.સી. પ્‍લેટફોર્મ કમ વાર્ફ વોલ, એપ્રોચ રોડ, ઓકસન હોલ વિથ ટોઇલેટબ્‍લોક અને નેટ ટ મેન્‍ડીગ શેડ, શેડફોર બોટ રીપેર એન્‍ડ ફયુઅલીગ પોઈન્‍ટનો સમાવેશ કરાયો છે. ઉમરસાડી મત્‍સ્‍ય ઉતરાણ કેન્‍દ્ર ખાતે ફલોટિંગ જેટ્ટી અને તેને સંલગ્ન કામગીરી કરવાથી અંદાજે ૪૨૪ બોટો માટે બર્થિંગ તેમજ પાર્કિંગની સુવિધા ઉપલબ્‍ધ બનશે. મત્‍સ્‍યોદ્યોગ વિભાગ હસ્‍તક નોટીફાઇડ થયેલા ૧૦૭ પૈકી ૮ મત્‍સ્‍ય ઉતરાણ કેન્‍દ્રોને વિકસાવવાનું આયોજન કરાયું છે. જે પૈકી ઉમરસાડી તથા ચોરવાડ ખાતે પાઇલોટ પ્રોજેક્‍ટ તરીકે વિકસાવવાનું આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. 
સ્‍વાગત પ્રવચનમાં મત્‍સ્‍યોદ્યોગ વિભાગના સચિવ નલીન ઉપાધ્‍યાયએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આભાર વિધિ મત્‍સ્‍યોદ્યોગ વિભાગના નિયામક નીતિન સંગવાને આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિતેશ ભરૂચાએ કર્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહ, વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ, ઉમરગામ ધારાસભ્‍ય રમણલાલ પાટકર, જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, મત્‍સ્‍યોદ્યોગ પ્રભાગના મુખ્‍ય ઇજનેર જે.કે.પટેલ, મત્‍સ્‍યોદ્યોગ વિભાગના મદદનીશ નિયામક ભારતીબેન, ઉમરસાડી સરપંચ શંકરભાઇ ટંડેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા, પારડી તાલુકા સંગઠન પ્રમુખ મહેશભાઇ દેસાઇ, માછીમાર અગ્રણીઓ, સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો હાજર રહયા હતા. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close