News
ભરૂચના શેરપુરા પાસે ખાનગી બસની ટક્કરે એકનું મોત, ઉશ્કેરાયેલા ટોળાએ બે બસ સળગાવી
દહેજની બિરલા કોપર કંપનીમાં ચાલતી ખાનગછ ટ્રાન્સપોર્ટની બસ ભરૂચથી કંપનીના નાઇટ શિફ્ટના કર્મચારીઓને લઇને દહેજ જવા નિકળી હતી. દરમિયાનમાં શેરપુરા ગામ પાસે રૂસ્તમ આદમ માચવાલા નામના શખ્સને બસે ટક્કર મારતાં તેમનું સ્થળ પર મોત નીપજ્યું હતું.
જેના પગલે લોકોએ બસ થોભાવી દીધી હતી. દરમિયાનમાં ડ્રાઇવર અને ટોળા વચ્ચે બોલાચાલી બાદ મામલો ગરમાતાં લોકોએ આવેશમાં આવી જઇ તેની બસમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. ઘટનાને પગલે અંદાજે 1500થી 2000 લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.
અકસ્માતની ઘટનાથી લોકોનો પિત્તો ગરમાતાં તેમણે તે જ કંપનીની બીજી બસને પણ અટકાવી તેમાં પણ તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. બનાવની જાણ થતાં ભરૂચ એ ડિવિઝન સહિત અન્ય પોલીસ સ્ટેશનોના સ્ટાફે સ્થળ પર દોડી આવી ટોળાને વિખેરવા સાથે સ્થિતી પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ભરૂચ નગરપાલિકા સહિત નજીકની કંપનીઓના લાશ્કરોને બોલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચથી દહેજ તરફ કંપનીના કર્મચારીઓને લઇને જતી લક્ઝરી બસથી અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવતાં જામેલું ટોળું વિફર્યું હતું.
અકસ્માત સર્જનાર બસમાંથી કર્મીઓ નીચે ઉતર્યાં હોઇ ટોળાએ પહેલાં તેને આગ ચાંપી દીધી હતી. બાદમાં તે કંપનીની અન્ય એક બસ આવતાં તેને પણ રોકી તેમાંથી કર્મચારીઓને ધમકાવી નીચે ઉતારી તે બસમાં પણ તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. ઘટના બાદ આવેલાં ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો પણ બન્ને બસ હાડપીંજર બની ગઇ હતી
Previous article
Next article
Leave Comments
Post a Comment