News
3જી માર્ચે ગુજરાત સરકારનું રજૂ થનારા બજેટમાં વાપીના ઉદ્યોગકારો કેવી આશા અપેક્ષા સેવે છે. તે અંગે ઉદ્યોગકારોની પ્રતિક્રિયા જાણી હતી. જેમાં વાપીના ઉદ્યોગકારોએ પોતાની પ્રતિક્રિયા આપી
વાપી GIDC માં અંદાજિત 3000 જેટલા નાના-મોટા એકમો કાર્યરત છે. જેમાં 500 જેટલા કેમિકિલ યુનિટ, 40 જેટલી પેપરમિલો એ ઉપરાંત એન્જીનીયરીંગ, ફાર્માસ્યુટિકલ, ટેકસ્ટાઇલ્સ બેઝ અનેક મોટા એકમો ધમધમી રહ્યા છે. આવનારા માર્ચ મહિનામાં ગુજરાત સરકાર તેમનું વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. આ બજેટ પારડી વિધાનસભાના ધારાસભ્ય અને વાપી GIDC ના ઉદ્યોગજગત સાથે સંકળાયેલ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ રજૂ કરશે. જેને લઈને વાપીના ઉદ્યોગકારો એ પોતાની આશા અપેક્ષાઓ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં.
વાપીના જાણીતા ઉદ્યોગકાર અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) ના પૂર્વ પ્રમુખ શિરીષ દેસાઈએ ગુજરાત સરકારના આવનારા બજેટ અંગે જણાવ્યું હતું કે કનુભાઈ દેસાઈ ગુજરાતની આર્થિક જીવાદોરી ગણાતાં નાણાં-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ એમ ત્રણ મહત્વના વિભાગો સંભાળે છે. તેમણે નાણાપ્રધાનપદ સાંભળ્યા બાદ હાલમાં જ અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. ઔદ્યોગિક ક્ષેત્રે જે પાયાના પ્રશ્નો હતા તેની પોલિસી માં ફેરફાર કર્યા છે. નાણાપ્રધાન ઉદ્યોગજગત સાથે સંકળાયેલ છે તો સાથે સાથે ખેડૂત પણ છે એટલે તેમના દ્વારા રજૂ થનારું બજેટ ખેડૂત લક્ષી ઉદ્યોગ લક્ષી હશે. જેમાં અનેક નવી જાહેરાતો કરી શકે છે.
વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ એ. કે. શાહે જણાવ્યું હતું કે, આ બજેટમાં વાપીના ઉદ્યોગો ને ખૂબ મોટી આશા છે. જેમાં ઉદ્યોગોના એક્સપાન્શન સ્કીમમાં ફેરફાર, CETP ની દરિયા સુધીની પાઇપ લાઇન પ્રોજેકટ માટે જરૂરી નાણાકીય રકમની સહાયની જાહેરાત કરે. જો આ થશે તો વાપીમાં હાલ CETP નું 250 આઉટલેટ સામે 500 આઉટલેટ મેળવી શકશે. CETP ની હાલની 55 MLD ની ક્ષમતાને વધારી 100 MLD કરી શકશે. નાળાઓ, નદીઓ, ખાનકીમાં જતું કેમિકલયુક્ત પાણી સીધું CETP મારફતે દરિયામાં જતું રહેશે. ભૂગર્ભ જળ સુરક્ષિત રહેશે. નવા ઉદ્યોગો આવશે જેનાથી સરકારને રેવન્યુ અને વધુ પ્રમાણમાં રોજગારી મળશે.
એ. કે. શાહે વધુમાં જણાવ્યું હતું કે, ઔદ્યોગિક પોલિસીમાં હાલ 2 વર્ષની સબસીડી સ્કીમ છે. તેને બદલે 5 વર્ષની સબસીડી સ્કીમ અમલમાં મુકવી જોઈએ. GPCB દ્વારા જે રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોનની પોલિસી છે. તેમાં ફેરફાર કરી ગ્રામ્ય વિસ્તારમાં ગ્રીન ઝોન બેઝ ઉદ્યોગોને સ્થાપવા જે 500 મીટર ની પોલિસી નડી રહી છે. તેમાં ફાયદો થાય, ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો અવિરત મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. પર્યાવરણને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે નવી જાહેરાત કરે.
શિરીષ દેસાઈએ આ બજેટમાં આશા સેવી હતી કે, બજેટમાં નાણાપ્રધાન કેમિકલ, પેપર, ટેક્ષટાઇલ્સ માં આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવી મહત્વની જાહેરાત કરશે તો ગુજરાત દેશભરમાં ઔદ્યોગિક વિકાસક્ષેત્રે હરણફાળ ભરી શકશે. જો કે કોરોના કાળમાં સરકારે ખૂબ મોટી રકમ ખર્ચી છે. ઉદ્યોગોએ પણ ખૂબ મોટું નુકસાન સહન કર્યું છે. એટલે આ બજેટમાં થનારી જાહેરાતોમાં એનો સમન્વય કરી નવી સ્કીમ લાવશે તેવી આશા સેવી હતી. તો, અન્ડર કેબલિંગ, ડ્રેનેજ, GIDC ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અનેક પ્રોજેકટ મંજુર કર્યા હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.
ઉદ્યોગપતિ યોગેશ કાબરીયાએ જણાવ્યુ હતુ કે, વાપીના ઉદ્યોગો માટે CETP ની જે લાઇન દરિયા સુધી લઈ જવાનું ભગીરથ કાર્ય છે. તે માટે ખાસ જોગવાઈ કરે, ઇરીગેશનમાં રાહત સાથે વધારો થાય સોલાર પ્રોજેકટ માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપે, નગરપાલિકા-મહાનગરપાલિકા જે રીતે વિશેષ ગ્રાન્ટની જોગવાઈ છે. તેવી જોગવાઈ ઉદ્યોગો માટે ઔદ્યોગિક વસાહતમાં કરે તો અદ્યોગિક વિકાસ થશે તેવી આશા અપેક્ષા સેવી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1968ના મે માસમાં વાપી GIDCનુ ભારતના પૂર્વ નાણામંત્રી અને વડાપ્રધાન મોરારજી દેસાઇના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું. 1968માં વાપી GIDC નો પાંયો નાખ્યા બાદ આ વિસ્તાર સતત ઉદ્યોગો માટે મહત્વનો ઔદ્યોગિક વિસ્તાર બન્યો છે. કુલ 1117 હેકટરમાં પથરાયેલ આ વિસ્તાર નોટિફાઇડ એરિયા ઓથોરિટી હસ્તક છે. 1100 હેકટરમાં પથરાયેલ જીઆઇડીસીમાં 1972થી ઉદ્યોગો ધમધમવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં 155 ઉદ્યોગો કાર્યરત થયા હતા. જ્યારે આજે 3000 જેટલા નાના મોટા એકમો ધમધમે છે. ત્યારે આશા રાખીએ કે ઉદ્યોગકારોએ ગુજરાતના બજેટ 2022-23માં સેવેલી આશા અપેક્ષાઓ ફળે.
Previous article
Next article
Leave Comments
Post a Comment