News
મોજશોખમાં વધેલુ દેવું ચૂકવવા દાગીના ફાઇનાન્સ માં ગીરવે મૂક્યા હતા વલસાડમાં 9 લાખના દાગીના ચોરીની વાર્તા પૂત્રએ જ ઉપજાવી હતી
વલસાડના હનુમાનભાગડાના ગણેશ મહોલ્લા, ભંડારીવાડમાં રહેતા દિલીપભાઇ દુર્લભભાઇ ભંડારી પત્ની અને બેંકમાં નોકરી કરતા પૂત્ર જયદિપ સાથે રહે છે.તેઓ સોમવારે સવારે નોકરી પર ગયા બાદ ઘરમાં તેમના પત્ની સ્મિતાબેન અને સાસરેથી પ્રસૂતિ માટે આવેલી દીકરી દિવ્યાંશી હતા.
દિવ્યાંશીને ડોકટરને બતાવવાનું હોય એપોઇન્ટેન્ટ લઇને માતા સ્મિતાબેન રિક્ષામાં પૂત્રીને લઇને ઘરનો દરવાજો ખુલ્લો રાખીને જ સવારે 9.30 વાગ્યે વલસાડ આવવા નિકળી ગયા હતા.જ્યાંથી અડધો કલાક બાદ ઘરે આવતાં રૂમમાં પેટી પલંગની નીચે મૂકેલા રૂ.8 થી 9 લાખના સોનાના મંગળસૂત્ર, ચેઇન, વિંટી, બુટ્ટી, સોનાના હારનો સેટ વિગેરે ગાયબ જણાતાં ગભરાઇ ગયા હતા.આ મામલે સિટી પીએસઆઇ એ.ડી.મિયાત્રા,હે.કો.યોહાન સુકીરાવ,રાજકુમાર કરૂણાંશંકર તથા મનેષર રમણભાઇએ ઘટના સ્થળનું બારિકાઇથી નિરીક્ષણ કરી તપાસ કરતા સભ્યો ઘરની બહાર ગયા છતાં દરવાજો બંધ કર્યો ન હતો અને પેટી પલંગમાં નીચેના ભાગે દાગીના મૂક્યા તેની જાણ ઘરના સભ્યો સિવાય બહારની કોઇ વ્યક્તિને નહિ હોવાનું તથા ઘરના સભ્યોએ રજૂ કરેલી હકીકતમાં એકસૂત્રતા જળવાતી ન હોવાની શંકા જાગી હતી.
પોલીસે વધુ તપાસ માટે પૂત્ર જયદિપ અને પિતા દિલીપભાઇને પોલીસ સ્ટેશને બોલાવી પીઆઇ વી.ડી.મોરીએ ખાનગી બાતમીદાર મારફતે તપાસ કરાવતા પૂત્ર જયદિપ મોજશોખના રવાડે ચઢી જતાં દેવું થઇ ગયું હોવાની હકીકત સામે આવી હતી.પૂછપરછમાં પૂત્ર જયદિપ ભાંગી પડતાં તેણે દેવુ ચૂકવવા દાગીના મુથુટ ફાઇનાન્સમાં ગિરવે મૂકી દીધાની કબુલાત કરી હતી.જેને લઇ પોતાનું કૃત્ય જાહેર ન થાય તે માટે ચોરીની કરેલી જાહેરાત ખોટી હોવાનું બહાર આવ્યું હતું.જેના પગલે સાચી હકીકત જાણવા છતાં દાગીનાની ઘરમાંથી ચોરી થઇ હોવાની ખોટી હકીકતની પોલીસમાં જાણ કરતા તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસને ગેરમાર્ગે દોરી દાગીનાની ચોરીની ફરિયાદ કરનાર યુવક આખરે ઉલટ તપાસમાં ઝડપાઇ ગયો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment