News
વાપી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પાંચ કિ. મી. ૬૬ કે.વી. વીજલાઈનનું અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કરાશે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૨૦: વલસાડ જિલ્લા ના વાપી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં જેટકો દ્વારા રૂ. ૨૧.૪૪ કરોડના ખર્ચે ૬૬ કે.વી. જી.આઈ .ડી. સી. લાઇન નં.૧ અને ૨ માં ૩ કિ. મી. તેમજ થર્ડ અને ફોર્થ ફેઝમાં ૨ કિ. મી. મળી કુલ પાંચ કિ.મી. ઓવરહેડ વીજલાઈનને અન્ડરગ્રાઉન્ડ કેબલિંગમાં કન્વર્ટ કરવામાં આવશે. આ કામગીરીનું ખાતમુહૂર્ત નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના કામો કરવા ની ફરજના ભાગરૂપે વિકાસના કામો થયા છે. વાપી ના બ્યુટિફિકેશન અને સલામતી માટે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનો પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યો છે. તેમણે જેટકોને અન્ડરગ્રાઉન્ડ વીજલાઇનની કામગીરી મે સુધીમાં પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવા જણાવ્યું હતું. રેસીડેન્ટ એરીયામાં પણ અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. વી.આઈ.એ અને તેમની ટીમના સહયોગ થકી વાપીના ઔદ્યોગિક એકમોના અનેક પ્રશ્નોનું નિરાકરણ થયું છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બીલખાડી હાઇવે સુધી સંપૂર્ણ રીતે લાઇનિંગ મે સુધીમાં પૂર્ણ થઇ જશે, તેમજ વાપી ગોવિંદાચાર રસ્તાથી વી.આઇ.એ. ચાર રસ્તાથી બીલખાડી સુધી લાઇનિંગ થઇ થશે તો ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત નામધા ખનકીને પણ લાઇનિંગ સાથે કરવાના આયોજનને મંજૂરી મળી ગઇ છે. ચલા વિસ્તારના વચ્ચેના ભાગમાં પણ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ આયોજન કરાયું છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
વી.આઈએ.ના પૂર્વ પ્રમુખ યોગેશભાઈએ અન્ડર ગ્રાઉન્ડ વિજલાઈન પ્રોજેકટ માટે એસોસિએશને કરેલા પ્રયાસો અંગે વિગતવાર જાણકારી આપી હતી. વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.જેટકોના એડિશનલ ચીફ એન્જિનિયર પી.પી. મન્સુરીએ આભારવિધિ આટોપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂર્ણ કરવાના તમામ પ્રયાસો હાથ ધરાશે.આ અવસરે વીઆઈએના માનદ મંત્રી સતિષભાઈ પટેલ, એડવાઇઝરી બોર્ડના મિલનભાઈ દેસાઈ, યોગેશભાઇ કાબરીયા તેમજ જી.આઈ .ડી.સી.ના આર.એમ. પરમાર, નોટિફાઇડના ચીફ ઓફિસર સગર, વાપી જી.આઈ.ડીસી., નોટિફાઇડ એરિયા, ડી.જી.વી.સી.એલ. તેમજ જેટકોના અધિકારીઓ, અગ્રણી ઉદ્યોગકારો, વી.આઈ.એ.ના હોદેદારો, નગરજનો હાજર રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment