News
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને કાર્ડિયાક/ઇન્ટેન્સીવ કેર એમ્બ્યુ લન્સ અર્પણ કરાઇ
માહિતી બ્યુરો વલસાડ તા.૦૫: વલસાડ જિલ્લાના પારડી સ્થિત મહેતા હોસ્પિટલ, કિલ્લા પારડી ખાતે કાર્યરત હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના કિડની કેર અને ડાયાલીસીસ સેન્ટરને નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે અદ્યતન કાર્ડિયાક/ ઇન્ટેન્સીવ કેર એમ્બ્યુલન્સ પારડી તાલુકાની જનતા માટે અર્પણ કરવામાં આવી હતી. મંત્રીશ્રીના હસ્તે લીલીઝંડી આપી એબ્યુલન્સને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા સેવાના વિવિધ પ્રકલ્પોમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી ફાળવાયેલી લાઈફ સપોર્ટિંગ સાધનોયુક્ત અદ્યતન કાર્ડિયાક/ ઇન્ટેન્સીવ કેર એમ્બ્યુલસની સુવિધાનો સમાવેશ થઈ રહ્યો છે. જે હવેથી પારડી તાલુકાની જનતા માટે ઉપલબ્ધ બનશે.
આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ મેં કર્યા છે એવો ભાવ રાખ્યા વગર કરવામાં આવી રહેલી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને આરોગ્યલક્ષી સેવાઓ માટે આપવામાં આવેલી એમ્બ્યુલન્સ જરૂરીયાતમંદ દર્દીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા વ્યક્ત કરી હતી. કિડની અને ડાયાલીસીસના દર્દીઓ માટે મા યોજના અંતર્ગત કેશલેસ સેવા ઉપલબ્ધ કરાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પારડી વિસ્તારમાં અનેક વિકાસકાર્યો થઈ રહ્યા છે તેમ જણાવી પારડી નગરમાં ઇલેક્ટ્રિસિટી લાઇન ટૂંક સમયમાં જ અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવશે અને પારડી આઈ.ટી. આઈ.ની બાજુમાં સાયન્સ કોલેજનું મકાન બનશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ અવસરે ટ્રસ્ટ ચેરમેન ડો. પ્રફુલ મહેતાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. સમાજ ઉપયોગી સેવાઓ માટે સતત કાર્યરત આ સંસ્થાને અદ્યતન એમ્બ્યુલન્સ ફાળવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આરોગ્ય સેવા માટે ફાળવાયેલી એમ્બ્યુલન્સ સેવા આ વિસ્તારના પ્રજાજનોને ખૂબ જ ઉપયોગી નીવડશે.
હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના વાઇસ ચેરમેન શરદભાઈ દેસાઈએ આભારવિધિ આટોપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિતેશ ભરૂચએ કર્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment